Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડે. મેયર, સ્ટે. કમિટી ચેરમેન, દંડક, શાસક પક્ષના નેતાઓ પણ નિમાયાઃ કેટલીક નિમણૂકો આશ્ચર્યજનક રહી
અમદાવાદ તા. ૧રઃ આજે રાજ્યમાં પાલિકા-મહાપાલિકાઓના પદાધિકારીઓની ચૂંટણી જાહેર થઈ હતી અને રાજકોટ, સુરત, ભાવનગરને નવા મેયરો મળ્યા છે, તેની સાથે સાથે ડે. મેયરો, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનો, દંડકો અને મનપામાં શાસક પક્ષના નેતાઓ પણ વરાયા છે તે પૈકી કેટલાક નામો આશ્ચર્યજનક જણાયા છે.
આજે રાજકોટ મહાનગર પાલિકાના હોદ્દેદારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં રાજકોટના નવા મેયર તરીકે નયનાબેન પેઢડિયાની વરણી કરવામાં આવી છે. આ સાથે ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા તેમજ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરની પસંદગી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે લીલુ જાદવની વરણી કરવામાં આવી છે.
રાજકોટના નવા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન માટે મનિષ રાડિયા, જયમીન ઠાકર, નેહલ શુક્લ, દેવાંગ માંકડ, અશ્વિન પાંભર અને ચેતન સુરેજાના નામો છેલ્લા ૧પ દિવસથી ચર્ચાઈ રહ્યા હતાં. જેની સામે બ્રાહ્મણ સમાજને ધ્યાનમાં રાખી રાજકોટ મનપાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે શિક્ષિત અને સ્વચ્છ ચહેરા જયમીન ઠાકરને સ્થાન આપવામાં આવ્યું છે, જો કે છેલ્લે દેવાંગ માંકડનું નામ મોખરે હતું, જ્યારે ડેપ્યુટી મેયર માટે નીતિન રામાણી, ડો. અલ્પેશ મોરઝરિયા અને પરેશભાઈ પીપળિયાના નામો ચર્ચાઈ રહ્યા હતાં, પરંતુ ભાજપે સરપ્રાઈઝ આપીને ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજાને જાહેર કર્યા છે.
નયના પેઢડિયા હાલ વોર્ડ નંબર-૪ ના કોર્પોરેટર છે અને અગાઉ રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ પાર્ટી અને સરકારની ગુડ બુકમાં સ્થાન ધરાવે છે. આ ઉપરાંત સંગઠનમાં સતત સક્રિય રહેવાના કારણે તેઓનું નામ મેયર પદ માટે આગળ ચાલી રહ્યું હતું અને અંતે તેના નામ પર જ ભાજપે મહોર લગાવી છે.
સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પદ માટે દેવાંગ માંકડનું નામ મોખરે ચાલી રહ્યું હતું. તેઓ વોર્ડ નંબર-૭ ના કોર્પોરેટર છે તેમજ પંચનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. સેવાકીય પ્રવૃત્તિમાં તેમનું નામ આગળ હોય છે અને અગાઉ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પણ તેઓ ચેરમેન રહી ચૂક્યા છે. એટલું જ નહીં, ગત્ વિધાનસભાની ચૂંટણી સમયે પશ્ચિમ બેઠકના દાવેદારોમાં તેમનું નામ મોખરે હતું. સ્વચ્છ અને શિક્ષિત છબિ ધરાવતા પીઢ નેતા હોવાથી સ્ટેન્ડીંગ ચેરમેન માટે તેમનું નામ અગ્રસ્થાને ચાલી રહ્યું હતું, જો કે તેનું પત્તુ કાપી ભાજપે સ્ટેન્ડીંગ ચેરમેન તરીકે જયમીન ઠાકરને જાહેર કર્યા છે.
સુરત
સુરત મહાનગરપાલિકાની અઢી વર્ષની ટર્મ પૂૃણ થયા પછી આજે નવા પદ અધિકારીની નિમણૂક થઈ હતી. સુરતમાં ચાલતી તમામ અટકળ વચ્ચે સુરતના ૩૮ મા મેયર તરીકે દક્ષેશ માવાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જે નામ વિચારણામાં જ ન હતું તેવા રાજન પટેલને સ્થાયી સમિતિ અધ્યક્ષ બનાવાયા છે.
સુરતના પદાધિકારીઓની નિમણૂક પહેલા અનેક નામોની અટકળ ચાલતી હતી, જો કે ગઈકાલે સંકલન બેઠકમાં થયેલી ચર્ચા પછી આજે શીતલ સોની નિરંજન ઝાંજમેરા આજે મેંડેટ લઈ આવ્યા હતાં. જેમાં મેયર તરીકે સૌથી ચર્ચામાં હતાં. તેઓ દક્ષેશ માવાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે કોઈપણ ચર્ચામાં ન હતાં તેવા રાજન પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.
ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલ અને શાસક પક્ષ નેતા તરીકે શશિ ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી છે. દંડક તરીકે ધર્મેશ વાણિયાવાળાની નિમણૂક કરવામાં આવી છે. આ જાહેરાત સાથે પનાધિકારીઓ તરીકેની નિમણૂક અંગે ચાલતી તમામ અટકરોનો અંત આવ્યો હતો.
મેયર તરીકે દક્ષેશ માવાણીની પસંદગી કરવામાં આવી છે. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન તરીકે સુરતીની નિમણૂક થઈ છે. ગત્ વખતે મેયર તરીકે મૂળ સુરતી હેમાલીબેન બોઘાવાલા હતાં અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન તરીકે પરેશ પટેલ હતાં. સુરત શહેરમાં આ જ પ્રકારનું માળખું ઘણાં સમયથી સેટ કરી દેવામાં આવ્યું છે અને તે જ પરંપરા અકબંધ રાખવામાં આવી છે.
સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય તરીકે પ્રથમ વખત ૮ જેટલી મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. મોટાભાગના નવા જ કોર્પોરેટર તરીકે હતાં, તેમને સ્થાન આપવામાં આવ્યું છે. સ્થાયી સમિતિ ચેરમેન સહિત ૧ર સભ્યો સ્ટેન્ડીંગ કમિટીમાં હોય છે, જે પૈકીના ૮ મહિલાઓને સ્થાયી સમિતિના સભ્ય તરીકે લેવામાં આવતા આશ્ચર્ય ફેલાયો છે. સ્ટેન્ડીંગ કમિટી શહેરની સૌથી મહત્ત્વની કમિટી પૈકીની એક છે. જેમાં મહિલાઓને સ્થાન મળતા ભાજપના જ કોર્પોરેટરોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે.
ભાવનગર
ભાવનગરના મેયર તરીકે ભરત બારડ અને ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખના નામ પર મહોર લાગી છે. આ ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટીના ૧ર સભ્યો અને ચેરમેનના નામની જાહેરાત કરાઈ છે.
ભાવનગર મહાનગર પાલિકાના નવા હોદ્દેદારોની આજે નિમણૂક કરાઈ છે. ભાજપ નિરીક્ષકો દ્વારા હાથ ધરવામાં આવેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદ દ્વારા ભલામણ કરવામાં આવેલા નામોની એક યાદી બનાવવામાં આવી હતી. જે યાદીને ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પછી પ્રદેશ મોવડી મંડળે હોદ્દેદારોના નામ પર મહોર લગાવી દીધી હતી, જ્યારે આજે ભાવનગર મહાનગરપાલિકામાં સામાન્ય સભામાં આ નામોની જાહેરાત કરાઈ છે.
ભાવનગરના નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા સહિતના હોદ્દેદારોની વરણી કરાઈ છે, જેમાં ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડના નામ પર મહોર લાગી છે, તો ડેપ્યુટી મેયર માટે મોના પારેખના નામ પર મહોર લાગી છે, તો સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે રાજુભાઈ રાવડિયાના નામની જાહેરાત થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial