Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટમાં ડીજીએફટીના જોઈન્ટ ડાયરેક્ટરે કર્યો આપઘાતઃ ચોથા માળેથી મોતની છલાંગ

એનઓસી માટે પાંચ લાખ લેતા સીબીઆઈ એ ઝડપ્યા પછી તપાસ દરમિયાન

રાજકોટ તા. રપઃ રાજકોટના ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના અધિકારીએ ઓફિસના ચોથા માળેથી ઝંપલાવતા મોત થયું છે. તેમણે એનઓસી આપવા માટે લાંચ માગી હતી, તે ૫છી સીબીઆઈની તપાસ દરમિયાન તેમણે આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી છે.

રાજકોટમાં ગઈકાલે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ટોચના અધિકારી જાવરીમલ બિશ્નોઈ રૃપિયા પ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતાં. આ મામલે સીબીઆઈ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યુ હતું અને એમાં અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડાયા હતાં, જો કે જાવરીમલ બિશ્નોઈએ વહેલી સવારે ચોથા માળેથી ઝંપલાવતા ગંભીર ઈજા પછી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં, પરંતુ સારવાર મળે એ પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.

ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જાવરીમલ બિશ્નોઈએ ઓફિસના બિલ્ડિંગના ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. આજે સવારે ઓફિસના ચોથા માળેથી કૂદકો મારી દેતા હાજર સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. સીબીઆઈવી ટ્રેપ પછી આખી રાત તેમની ઓફિસ અને ઘરમાં દરોડાની કાર્યવાહી ચાલી હતી. સિનિયર અધિકારીએ બદનામીના ડરથી આપઘાત કર્યાની શંકા સેવાઈ રહી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દ્વારા ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસમાં ફૂડ કેનની નિકાસ માટેની અરજી કરવામાં આવી હતી. આ અંગેના તમામ આવશ્યક દસ્તાવેજો ધરાવતી ૬ ફાઈલ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની રાજકોટની ઓફિસમાં જમા કરી હતી, પરંતુ ફોરેન ટ્રેડના વરિષ્ઠ અધિકારી ડીજીએફટી જાવરીમલ બિશ્નોઈ દ્વારા આ મામલે એનઓસી આપવા માટે રૃપિયા ૯ લાખની લાંચ માગવામાં આવી હતી.

નોંધનીય છે કે, ફરિયાદીના મતે આ એનઓસી તેના માટે અતિ આવશ્યક હતું, કારણ કે તેણે પોતાની ફૂડ કેનની નિકાસ માટે બેંકમાં રૃપિયા પ૦ લાખની ગેરન્ટી લીધી હતી અને એના માટે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડનું એનઓસી જરૃરી હતું, પરંતુ લાંચિયા અધિકારી જાવરીમલ બિશ્નોઈ દ્વારા રૃપિયા ૯ લાખની માગણી કરતા ફરિયાદીએ એવું નિર્ધારિત કર્યું હતું કે તે પ્રથમ હપ્તા પેટે રૃપિયા પ લાખ જાવરીમલને આપી દેશે.

ગઈકાલે શહેરની ગિરનાર ટોકીઝની બાજુમાં આવેલી ફોરેન ટ્રેડની ઓફિસના ચોથા માળે ફરિયાદી આરોપી જાવરીમલને રૃપિયા પાંચ લાખ આપવા ગયા હતાં અને જાવરીમલ બિશ્નોઈએ આ રકમ સ્વીકારી હતી. એ જ સમયે સીબીઆઈની ટીમ ઓફિસમાં પહોંચી ગઈ હતી અને રૃપિયા પ લાખની લાંચ લેતા જાવરીમલ બિશ્નોઈને રંગેહાથ ઝડપ્યા હતાં. બાદમાં સીબીઆઈ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપી અધિકારીની રાજકોટ અને તેના વતન સહિત ઓફિસ તથા ઘર પર સર્ચ ચલાવવામાં આવી રહ્યું છે, તે દરમિયાન આ ગમખ્વાર ઘટના બનતા અરેરાટી વ્યાપી ગઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh