Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ઉચ્ચ સત્તાધીશોએ કર્યું લાઈવ નિરીક્ષણઃ કેટલીક જેલોમાં કેદીઓએ કરી તોડફોડ
જામનગર/અમદાવાદ તા.રપઃ જામનગર સહિત રાજ્યની ૧૭ જેલોમાં ગઈકાલે રાતથી આજે સવારે ૭ વાગ્યા સુધી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને ૧૭૦૦ પલીસકર્મીઓની બોડી કેમેરા સાથેએ અચાનક તપાસ હાથ ધરી હતી. તેનું વીડિયો જિવંત નિરીક્ષણ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ગૃહ વિભાગ તથા પોલીસના ઉચ્ચ સત્તાધીશોએ પણ કર્યું હતું. કેટલીક જેલોમાંથી વાંધાજનક ચીજો પકડાઈ હતી, તો કેટલીક જેલોમાં તોડફોડ પણ થઈ હતી.
ગુજરાતની ૧૭ જેલોમાં ગઈકાલે રાતથી આજ સવારના ૭ વાગ્યા સુધી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન સાબરમતી જેલમાંથી માદક દ્રવ્યો મળી આવ્યા હતાં. આ માદક દ્રવ્યોને લઈને સેન્ટ્રલ જેલમાં એફએસએલની ટીમ આવશે. આ તપાસ પછી રિપોર્ટ બનાવી ગૃહ વિભાગને સુપ્રત કરવામાં આવશે.
તે પહેલા ગુજરાત રાજ્યની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલી સૂચના અંતર્ગત ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્ત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના ગૃહ સચિવ, રાજ્યના પોલીસ વડા તેમજ ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના પોલીસ વડા તથા તમામ જેલના વડાઓ ઓનલાઈન જોડાયા હતાં.
તે પછી રાજ્યની અન્ય જેલોની સાથે જ જામનગરની જિલ્લા જેલમાં પણ ગઈકાલે સરપ્રાઈઝ ચેકીંગ થયું હતું. જેમાં એસપી પ્રેમસુખ ડેલુ, સિટી ડીવાયએસપી વરૃણ વસાવા, એસ.ઓ.જી., એલસીબી, તથા અન્ય પોલીસ સ્ટાફે મોડી રાત્રિ સુધી જેલના તમામ યાર્ડ તથા બેરેકની તલસ્પર્શી ચકાસણી કરી હતી.
આ મેગા સર્ચ ઓપરેશનમાં વિવિધ જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં સંબંધિત જિલ્લાની પોલીસની ટૂકડીઓ તૈયાર કરવામાં આવી હતી અને રાજ્યભરની તમામ જેલમાં આ ગુજરાત પોલીસની ટૂકડીઓ દ્વારા બોડીવોર્ન કેમેરા સાથે સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. રાજ્યની ૧૭ જેલોમાં ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આ સરપ્રાઈઝ ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સી.એમ. ડેશબોર્ડથી સમગ્ર સરપ્રાઈઝ ચેકીંગનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રિનેત્રથી રાજ્યની તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકીંગનું લાઈવ મોનીટરીંગ કર્યું હતું.
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સુરતના લાજપોર જેલમાં સવારે પ વાગ્યા સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં મોબાઈલ ફોન અને ચરસની પડીકીઓ મળી હતી. આ ઉપરાંત સુરતમાં પોલીસ તપાસ કરે તે પહેલા જ જેલના કેદીઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જેલના કેદીઓએ કેટલીક બેરેકમાં ટ્યુબલાઈટ તોડી નાખી હતી.
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં અમદાવાદ શહેરના ર૦ જેટલા પીઆઈ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું. તમામ પીઆઈને ટીમ સાથે અલગ અલગ બેરેક સોંપવામાં આવી હતી. સર્ચ દરમિયાન છોટા ચક્કર બેરેકમાંથી પોલીસને ગાંજાની કેટલીક પડીકી મળી હતી. અંદાજીત ૧૦૦ ગ્રામ જેટલો ગાંજો પોલીસે કબજે કરી કેદી સામે કાર્યવાહી શરૃ કરી છે. હાલ ગાંજો જ છે કે અન્ય પદાર્થ તેની પણ એફએસએલ દ્વારા તપાસ થઈ રહી છે. પોલીસ દ્વારા જેલમાં પંચનામું કરવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવશે.
ગત મોડી રાત્રે રાજ્યની તમામ જેલોની અંદર એક સાથે પોલીસની મોટી ટીમ ઉતરીને મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે સુરતની સૌથી મોટી લાજપોર જેલમાં સુરત પોલીસના રપ૦ થી વધુ અધિકારીઓ-કર્મચારીઓ સાથેનો કાફલો જેલની અંદર પહોંચ્યો હતો. જેલમાં ચાલતી ગેરકાયદેસર ગતિવિધિઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન જેલની અંદર પોલીસનું સર્ચ ઓપરેશન જોતા કેદીઓએ ભારે ધમાલ મચાવી હતી. પોલીસની કામગીરીને રોકવા અને અડચણરૃપ થવા માટે કેદીઓ દ્વારા જેલની અંદર આગ પણ લગાવવામાં આવી હતી. સાથે બેરેકના કેદીઓ દ્વારા સૂત્રોચાર અને વિરોધ પણ કર્યો હતો.
લાજપોર જેલમાં પોલીસના સર્ચ ઓપરેશનના દરોડા દરમિયાન લાજપોર જેલની અંદર કેદીઓ દ્વારા લગાવાયેલી આગનો વીડિયો સામે આવ્યો છે. સુત્રો પાસેથી મળતી વિગત મુજબ તેમને અડચણરૃપ થવા માટે ખૂબ જ પ્રયત્ન લાજપોર જિલ્લાના કેદીઓ દ્વારા કરવામાં આવ્યા હતાં. જેલના બીજા માળે કેદીઓ દ્વારા આગ લગાવીને તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
ઓપરેશન દરમિયાન લાજપોર જેલમાં કેદીઓ પાસેથી મોબાઈલ તો મળ્યા જ હતા પરંતુ સાથે સાથે ચરસ અને ગાંજાનું પણ સેવન કરતા હોય એવું બહાર આવ્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે જેલની અંદર હાઈ સિકયોરીટી હોવા છતાં પણ તેમના સુધી મોબાઈલ તેમજ ચરસ અને ગાંજા જેવા નશાકારક પદાર્થો કેવી રીતે પહોંચતા હતાં. નશીલા પદાર્થો મળી આવતા એનડીપીએસ એકટ હેઠળ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાશે તેમ જાણવા મળે છે.
રાજ્યભરની જેલોમાં ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું બહાર આવતાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ૩ દિવસ અગાઉ અમદાવાદની સાબરમતી જેલની ઓચિંતી મુલાકાત લીધી હતી. ત્યારપછી શુક્રવારે રાત્રે વડોદરા જેલમાં ૧૦૦ જેટલા પોલીસકર્મી સાથે ઉચ્ચ અધિકારીઓએ ઓચિંતો દરોડો પાડ્યો હતો, જેમાં બીડી, સિગારેટ, ગુટકા મળ્યા હતાં. બીજી તરફ મોડી રાત્રે મહિલા પોલીસને બોલાવીને મહિલા બેરેકસની તપાસ હાથ ધરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag