Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાણીના ઉદ્યોગોમાં રૃા. ર૦ હજાર કરોડ કોના છે?
નવી દિલ્હી તા. રપઃ સંસદનું સભ્યપદ રદ્ થયા પછી રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને સવાલ ઊઠાવ્યો હતો કે અદાણીજીની શેલ કંપનીઓમાં કોણે નાણા રોક્યા છે? અદાણીના ઉદ્યોગમાં ર૦ હજાર કરોડ કોના છે? તેમણે કહ્યું કે મોદી-અદાણીના સંબંધો જુના છે, અને હું દેશ હિત માટે સવાલો ઊઠાવતો જ રહીશ, હું જેલમાં જવાથી ડરતો નથી.
મેં સંસદમાં પુરાવા આપીને રજૂઆત કરી છે. મેં સ્પીકરને વિગતવાર પત્ર લખ્યો હતો. અદાણીને નિયમો તોડી એરપોર્ટ અપાયાની વિગતો આપી હતી. તેમ છતાં કોઈ પગલાં ન લેવાયા.
રાહુલ ગાંધીએ કહ્યું કે, મારા વિશે સંસદમાં નેતાઓ ખોટું બોલ્યા, મેં વિદેશમાં કોઈ ખોટી વાત કરી જ નથી. મેં સંસદમાં આ અંગે નિવેદન કરવાની ચિઠ્ઠી લખી, બે ચિઠ્ઠીનો જવાબ ન મળતા હું સ્પીકરની ચેમ્બરમાં ગયો, મેં સંસદમાં બોલવાની અનુમતિ માગી, પણ ન મળી.
તેમણે કહ્યું કે, મને ગેરલાયક ઠેરવીને મારો અવાજ બંધ ન કરી શકાય. હું કોઈથી ડરતો નથી. સસદમાં મારૃ ભાષણ કાઢી નાખવામાં આવ્યું. ધમકીઓ આપીને ચૂપ નહીં કરી શકાય. હું ભારતના લોકતંત્ર માટે લડી રહ્યો છું અને લડતો રહીશ. ભારત જોડો યાત્રામાં સાડાચાર મહિના જનતા વચ્ચે રહ્યો. વિપક્ષી રાજકીય પક્ષોને સહકાર નથી મળતો. તમામ સમાજ એક છે, તમામને સાથે મળીને ચાલવું જોઈએ.
રાહુલ ગાંધીએ કહ્યું કે, 'હું કોઈ વાતથી ડરતો નથી. તમે મને જેલમાં નાખીને મને ડરાવી શકતા નથી. આ મારો ઈતિહાસ નથી. હું ભારત માટે લડતો રહીશ. મને સંસદમાં બોલવા દેવામાં ન આવ્યો. સંસદમાંથી મારૃ ભાષણ હટાવી દેવામાં આવ્યું, પરંતુ હું સવાલ પૂછવાનું બંધ નહીં કરૃ.'
રાહુલ ગાંધીએ કહ્યું, 'મેં પહેલા પણ કહ્યું છે કે, તમામ સમાજ એક છે, બધાએ સાથે મળીને ચાલવું જોઈએ, ભાઈચારો હોવો જોઈએ, બધામાં પ્રેમ હોવો જોઈએ, નફરત ન હોવી જોઈએ, હિંસા ન હોવી જોઈએ, પણ આવું નથી. ઓબીસીની વાત છે તે મોદીજી અને અદાણીજી વચ્ચેના સંબંધોની વાત છે. મારે જવાબ જોઈએ છે કે અદાણીજી પાસે ર૦ હજાર કરોડ ક્યાંથી આવ્યા?'
મેં સંસદમાં પુરાવા આપ્યા તે મીડિયા રિપોર્ટમાંથી કાઢ્યો. અદાણીજી અને મોદીજી વચ્ચેના સંબંધો વિશે વાત કરી. સંબંધ નવો નથી પણ જુનો છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ બન્યા ત્યારથી એક સંબંધ છે. મેં પ્લેનનો ફોટો બતાવ્યો. નરેન્દ્ર મોદીજી તેમના મિત્ર સાથે ખૂબ જ આરામથી બેઠા હતાં. મેં સંસદમાં જે ફોટો બતાવ્યો તે ઘણું બધુ કહી જાય છે.