Advertisement
Author: નોબત સમાચાર

આઝાદ ભારતના છાત્ર અને યુવા આંદોલનો

મુખ્યમંત્રીઓ-મંત્રીઓની ખુરશીઓ ડગમગાવતા પરિણામલક્ષી ચળવળો

                                                                                                                                                                                                      

તાજેતરમાં જ એક છાત્ર આંદોલન જંતર-મંતર પર સફળ થયું અને નીટના પેપરલીક પછી ઊઠતા પ્રશ્નો તથા પરીક્ષા પદ્ધતિ બદલવાની છાત્રોની માંગણી અને લાગણીના દેશવ્યાપી પડઘા પડ્યા. આ કારણે કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અંતે રાજીનામું આપવું પડ્યું. આ આંદોલન પછી આઝાદ ભારતમાં થયેલા કેટલાક છાત્ર આંદોલનો તથા યુવા આંદોલનોની યાદ તાજી થઈ ગઈ. ભૂતકાળમાં પણ કેટલાક આંદોલનોએ મંત્રીઓ-મુખ્યમંત્રીઓની ખુરશીઓ હચમચાવી દીધી હતી અને કેટલાક મુખ્યમંત્રીઓના રાજીનામા પણ પડ્યા હતાં. હવે આ શ્રેણીમાં ધર્મેન્દ્ર પ્રધાનનું નામ પણ જોડાઈ ગયું છે, અને સામૂહિક ઉદ્દેશ્યો તથા સંગઠન શક્તિની તાકાતનું એક વધુ દૃષ્ટાંત સામે આવ્યું છે. ચાલો, કેટલાક ભૂતકાળના સફળ છાત્ર-યુવા આંદોલનો વિષે ચર્ચા કરીએ...

છાત્ર આંદોલનો શિક્ષણ કે શિક્ષણ સુવિધાઓના હોય છે, જ્યારે યુવા આંદોલન આ વિષયો ઉપરાંત બહુહેતુક અને બહુવિષયક હોય છે.

એવા ઘણાં આંદોલનો ઈતિહાસના પાને અંકિત થયા છે, જેમાં છાત્રો અને યુવાનોને સફળતા મળી હોય. આઝાદ ભારતમાં પણ એવા કેટલાક છાત્ર આંદોલનો થયા છે, તથા યુવા આંદોલનો પણ થયા છે, જેનો એક અનોખો ઈતિહાસ લખાયો છે.

બિહારમાં બસભાડા

વિરોધી આંદોલન

વર્ષ ૧૯પપ માં બિહારમાં બસભાડા વિરોધી આંદોલન દરમિયાન એક વિદ્યાર્થી દીનાનાથ પાંડેનું મૃત્યુ પોલીસ ગોળીબારમાં થયું હતું, અને તે સમયે વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને પટણા દોડી જવું પડ્યું હતું. તે સમયે રાજ્યના પરિવહન મંત્રી મહેશ પ્રસાદસિંહે રાજીનામું આપવું પડ્યું હતું. તે સમયે બિહારના મુખ્યમંત્રી ડો. શ્રીકૃષ્ણાસિંહ હતાં. આ આંદોલનમાં થયેલા પોલીસ ગોરીબારની તપાસ માટે દાસ કમિશનની રચના થઈ હતી. આ કમિટીને પછીથી પોલીસ ગોળીબારને ક્લીનચીટ અપાયા પછી જનાક્રોશના કારણે જ બિહારમાં વર્ષ-૧૯૬૭ માં સત્તાપરિવર્તન થયું હોવાનું કહેવાય છે.

મદ્રાસનું હિન્દી એજિટેશન

વર્ષ ૧૯૬પ માં દક્ષિણ ભારતમાં અધિકૃત ભાષા તરીકે રાષ્ટ્રભાષા હિન્દી લાગુ કરવા સામે યુવા આંદોલન થયું હતું, જેનો પ્રભાવ ક્ષેત્રિય અને રાષ્ટ્રકક્ષાની રાજનીતિ પર પડ્યો હતો, જેની અસરો આજપર્યત જોવા મળી રહી છે. આ આંદોલન દરમિયાન કોલેજિયનોએ સડકો પર ઉતરીને જોરદાર વિરોધ-પ્રદર્શન કર્યા હતાં. તે સમયે એમ. ભક્તવત્સલમ્ મદ્રાસ (હાલના તામિલનાડુકક) ના મુખ્યમંત્રી હતાં. તે સમયે ઘર્ષણ તથા પોલીસ ગોળીબારમાં ૭૦ જેટલા લોકોના મૃત્યુ થયા હોવાનો અંદાજ છે. આ આંદોલન એટલું ઉગ્ર બન્યું હતું કે પેરામિલ્ટ્રી ફોર્સ પછી સેનાને એલર્ટ કરવી પડી હતી. વ્યાપક હિંસા પછી તે સમયના વડાપ્રધાને રેડિયો પર જાહેરાત કરીને ગેરહિન્દીભાષી રાજ્યોમાં અંગ્રેજીને પણ સહભાષા (એસોસિએટ ઓફિશ્યલ લેંગ્વેજ) તરીકે માન્ય રાખવાની ખાતરી આપી હતી. તે પછી વર્ષ ૧૯૬૭ માં મદ્રાસમાં પહેલી દ્રવીડ સરકાર સી.એન. અન્નાદુરાઈના નેતૃત્વમાં બની હતી. આમ, એવું કહેવાય છે કે વર્ષ ૧૯૬પ ના આંદોલને રાજ્ય સરકારના પાયા હચમચાવીને સત્તાપલટો કરાવ્યો હતો.

ગુજરાતના નવનિર્માણ આંદોલને મુખ્યમંત્રીની ખુરશી છોડાવી (૧૯૭૪)

ગુજરાતનું નવનિર્માણ આંદોલન વર્ષ ૧૯૭૪ માં એક સામાન્ય ગણાય તેવા વિવાદમાંથી ઉત્પન્ન થયું હતું. અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજના છાત્રોએ મેસના ભોજન ખર્ચની ફીમાં ર૦ ટકાનો વિરોધ કયો, અને તેમાંથી એક વિરાટ છાત્ર આંદોલને આકાર લીધો હતો. આ છાત્ર આંદોલન તે પછી યુવા આંદોલન બની ગયું અને મોંઘવારી, ભ્રષ્ટાચાર વિરોધી જનઆંદોલન બની ગયું હતું. આ આંદોલન ડિસેમ્બર ૧૯૭૩થી માર્ચ ૧૯૭૪ સુધી ચાલ્યું હતું. એક અંદાજ મુજબ આ આંદોલન દરમિયાન ઓછામાં ઓછા ૧૦૦ જેટલા મૃત્યુ થયા હતાં, અને ત્રણેક હજાર સુધીના લોકોને ઈજા પહોંચી હતી. હજારો આંદોલનકારીઓની ધરપકડ થઈ હતી. આ આંદોલનનું નેતૃત્વ નવનિર્માણ યુવક સમિતિએ કર્યું હોવાથી તેને નવનિર્માણ આંદોલન તરીકે ઓળખવામાં આવે છે.

આ આંદોલન એટલું વ્યાપક બન્યું કે તે સમયના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે અંતે રાજીનામું આપવું પડ્યું હતું. રપ મી જાન્યુ. ૧૯૭૪ ના દિવસે ૩૩ શહેરોમાં આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. ૪૪ શહેરોમાં કર્ફયુ લદાયો અને ર૮ જાન્યુઆરીના દિવસે અમદાવાદ શહેર સેનાના હવાલે મૂકવું પડ્યું. એ પછી તે સમયના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલને રાજીનામું આપવાનું કહ્યું. મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું અને વિધાનસભા સ્થગિત થઈ. તે પછી મોરારજી દેસાઈએ અચોક્કસ મુદતની ભૂખ હડતાલ શરૂ કરી તેથી વિધાનસભાનું વિસર્જન કરાયું. નવનિર્માણ યુવક સમિતિની માંગણી તથા મોરારજી દેસાઈના ઉપવાસ આંદોલનના કારણે વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ. ચીમનભાઈએ કિસાન મજદુર લોકપક્ષ સ્થાપીને કોંગ્રેસ છોડી. તે સમયના ભારતીય જનસંઘ, કોંગ્રેસ (ઓ), પીએસપી અને લોકદળે મળીને જનતા મોરચો રચ્યો અને બાબુભાઈ જશભાઈ પટેલના નેતૃત્વમાં બિનકોંગ્રેસી સરકાર રચાઈ, જો કે એ સરકાર નવ મહિના ચાલી ત્યાં કટોકટીકાળમાં વર્ષ ૧૯૭૭ માં ગઠબંધન તૂટ્યું અને ફરીથી કોંગ્રેસની સરકાર રચાઈ અને મુખ્યમંત્રી તરીકે માધવસિંહ સોલંકી પર કળશ ઢોળાયો હતો. આમ, છાત્ર અને યુવા આંદોલને મુખ્યમંત્રીના રાજીનામા ઉપરાંત વિધાનસભા વિખેરવાની તથા પુનઃ ચૂંટણી કરવાની ફરજ પણ ભૂતકાળમાં પાડી હતી. અહીં રજૂ કરેલી વિગતોમાં ઉપલબ્ધ માહિતીના આધારે સંક્ષિપ્ત વર્ણન કરાયું છે, પરંતુ આ આંદોલનના આખા દેશમાં તથા વિદેશ સુધી પડઘા પડ્યા હતાં.

બિહાર આંદોલન/જે.પી. આંદોલન

નવનિર્માણ આંદોલનને સમકાલીન બિહારના આંદોલન રાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કર્યું હતું. બિહારના છાત્રોએ બેરોજગારી સામે આંદોલન શરૂ કર્યું અને તેમાં ભ્રષ્ટાચાર તથા મોંઘવારીના વિરોધમાં અન્ય યુવાઓ સામેલ થયા અને આ આંદોલનનું નેતૃત્વ જયપ્રકાશ નારાયણે લીધુ. શિક્ષણ વ્યવસ્થાની ખામી, હોસ્ટેલમાં ખરાબ ભોજન તથા ફી માં વધારો જેવા કારણો સામે આંદોલનનું નેતૃત્વ જયપ્રકાશ નારાયણે એ શરતે સ્વીકાર્યું હતું કે આ આંદોલન અહિંસક અને રાષ્ટ્રવ્યાપી હશે. પાંચમી જૂન ૧૯૭પ ના જે.પી.એ ગાંધી મેદાનમાંથી 'સંપૂર્ણ ક્રાંતિ'નો નારો આપ્યો, અને બિહાર વિધાનસભાનો ઘેરાવ કરાયો. તે સમયે જ તે સમયના વિદ્યાર્થી નેતાઓ તરીકે નીતિશકુમાર, લાલુપ્રસાદ યાદવ, રવિશંકર પ્રસાદ, સુશિલ કુમાર મોદી, શિવાનંદ તિવારી વિગેરે પણ અહિંસક આંદોલનમાં ઝંપલાવ્યું. તે પછી વર્ષ ૧૯૭પ માં કટોકટી પછી વર્ષ ૧૯૭૭ માં સત્તાપરિવર્તન થયું અને દેશમાં પહેલી બિનકોંગ્રેસ સરકાર રચાઈ. આમ, આ બન્ને આંદોલનોએ રાષ્ટ્રીય કક્ષાએ પણ સત્તાપરિવર્તન કર્યું.

આસામ આંદોલન

એ પછી વર્ષ ૧૯૭૯ થી ૧૯૮પ વચ્ચે ઓલ આસામ સ્ટુડન્સ યુનિયનના નેતૃત્વમાં ગેરકાનૂની પ્રવાસીઓને (ઘૂસણખોરોને) રાજ્યમાંથી બહાર કાઢવાની માંગણી સાથે આંદોલન ચાલ્યું હતું, અને લાંબા સમય પછી આસામ સમજુતિ થઈ હતી. એ પછી થયેલી ચૂંટણીમાં છાત્ર નેતાઓએ બનાવેલી 'આસામ ગણ પરિષદ'ની રાજ્યમાં સરકાર રચાઈ. તે સમયે રાજીવ ગાંધી વડાપ્રધાન હતાં

અને આસામના મુખ્યમંત્રી હિતેશ્વર સૈકિયા હતાં, જેના સ્થાને ચૂંટણી પછી આંદોલન છાત્ર નેતા પ્રફુલ્લકુમાર મહંત મુખ્યમંત્રી બન્યા હતાં.

અનામત આંદોલન-

મંડલ આંદોલન

આ આંદોલન ૧૯૯૦ માં થયું હતું, પરંતુ વર્ષ ૧૯૭૯ માં જનતા પાર્ટીની મોરારજી દેસાઈની સરકારે રચેલા બી.પી. મંડલ આયોગે વર્ષ ૧૯૮૦ માં સોંપેલ રિપોર્ટ વર્ષ ૧૯૯૦ માં તે સમયના વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહે લાગુ કરી, જેવા વિરોધમાં ઉ. ભારતમાં ઉચ્ચ જ્ઞાતિઓએ આંદોલન કર્યું હતું. તે પહેલા પણ ગુજરાતમાં જ્યારે અનામત વિરોધી અને અનામત તરફી આંદોલનો થયા હતાં ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રીપદ છોડવું પડ્યું. તે પછી અમરસિંહ ચૌધરી સામે પણ પડકારો ઊભા થયા હતાં. અન્ય પછાત વર્ગોની અનામતની સુપ્રિમ કોર્ટમાં સુનાવણી પછી વર્ષ ૧૯૯ર માં આરક્ષણની મહત્તમ મર્યાદા પ૦ ટકા નક્કી થઈ હતી. તે સમયે પણ વી.પી. સિંઘની સરકારને ભાજપ અને ડાબેરીઓનો ટેકો હોવા છતાં બહુવિધ કારણોસર વિદાય લેવી પડી હતી.

વર્ષ ૧૯૯૦ પછીના આંદોલન

વર્ષ ૧૯૯૦ પછી શ્રેણીબદ્ધ આંદોલનો થયા. તેલંગાણાની અલગ રાજ્યની માંગણી, વર્ષ ર૦૬ માં ઓબીસી આરક્ષણનો વ્યાપ વધારવા સામેનું આંદોલન ઉચ્ચ શિક્ષણમાં અનામત વિરોધી આંદોલનો થયા.

અન્ના આંદોલન

ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન પછી લોકપાલ બિલ કેન્દ્ર સરકારે પાસ કરવું પડ્યું, અને તેમાંથી નીકળેલી આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ-ભાજપને હરાવીને દસ વર્ષ સુધી દિલ્હીમાં રાજ કર્યું અને શરાબ કૌભાંડના આરોપો પછી વર્ષ ર૦રપ ની ચૂંટણીમાં પરાજય થયો.

નાગરિક્તા સંશોધન અધિનિયમ

વર્ષ ર૦૧૯-ર૦ માં નાગરિક્તા કાનૂન અને દેશવ્યાપી પ્રદર્શનો થયા. એનઆરસી અને સીએએ વિરોધી આંદોલનોએ જે-તે સમયે કેન્દ્ર સરકારને હચમચાવી હતી.

કિસાન આંદોલન

આમ તો નાગરિક્તા સંશોધન અધિનિયમ આંદોલન તથા કિસાન આંદોલનો યુવા કે છાત્ર આંદોલનો નહોતા, પરંતુ તેમાં પણ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતાં. વર્ષ ર૦ર૦-ર૧ માં થયેલા કિસાન આંદોલને પણ કેન્દ્ર સરકારને ત્રણ કૃષિકાયદો પરત ખેંચવાની ફરજ પાડી હતી. તે પછી વર્ષ ર૦ર૪-રપ માં થયેલા કિસાન આંદોલને પણ પડકાર ઊભો કર્યો હતો.

ગુજરાતના પાટીદાર

આંદોલનના પડઘા

પાટીદાર અનામત આંદોલન વર્ષ ર૦૧પ ની ૬ઠ્ઠી જુલાઈથી શરૂ થયું અને ૧૪ જાન્યુઆરી ર૦૧૯ સુધી ચાલ્યું. પાટીદાર આંદોલને અન્ય પછાત વર્ગ (ઓબીસી) માં સમાવવા શરૂ થયેલા આ આંદોલન હિંસક બનતા જાહેર મિલકત-સરકારી વાહનોને કરોડોનું નુક્સાન થયું હતું. આંદોલનકારીઓ પર અનેક કેસો થયા પછી ધરપકડો થઈ. રાજદ્રોહના કેસો થયા, ઘણાં શહેરોમાં કર્ફયુ લગાવાયો, લાલજી પટેલ અને હાર્દિક પટેલ પછી ઘણાં યુવાનેતાઓ કન્વીનર તરીકે જોડાયા. એસપીજી અને પાટીદાર આંદોલનકારીઓના જીવ ગયા હતાં. ગામો અને શહેરોમાં ક્રાંતિકારી આંદોલનો પછી અંતે મુખ્યમંત્રી પદેથી આનંદીબેન પટેલને હટાવીને વિજયભાઈ રૂપાણી મૂકાયા. સંસદમાં આર્થિક (૧૦ ટકા) અનાતમ લાગુ કરતા ૧૦૩ નો સુધારો કરાયો, જેને પછીથી સુપ્રિમ કોર્ટમાં પણ માન્યતા મળી.

મોટભાગે સત્તા કે

ખુરશીનો ભોગ

આ તમામ આંદોલનો પૈકી મહત્તમ કિસ્સાઓમાં મંત્રી, મુખ્યમંત્રી કે સત્તાધીશોની ખુરશી ગઈ અને કેટલાક કિસ્સાઓમાં આખેઆખી સરકારો જ બદલી ગઈ હતી.

વિનોદ કોટેચા, એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh