Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ વાત હિમાલયની તળેટીના વિસ્તારની છે, વાતને સમય થયો પણ હ્ય્દયની લાગણીઓમાં ઊંચનીચ ધર્મ વગેરે એક તરફ રહી જાય છે, રહે છે તો માત્ર માનવ ધર્મ.
પ્રવાસન સ્થળના એક શહેરની પ્રતિષ્ઠિત તારાંકિત હોટલ હંમેશાં વ્યસ્ત હોય. એ હોટલનું આટલું મોટું નામ ,પ્રવાસી ગ્રાહકો ની અવર જવર સતત રહે. એ હોટલની અનેક બાબતોને કારણે લોકો અહીં રહેવાનું પસંદ કરે. અહીંનો અભિગમ વ્યવસાયિક તો ખરો જ પણ એ થી વિશેષ માનવીય અભિગમ વધુ કામ કરે. આ હોટલના મૂળ માલિક શિવનારાયણ અને એના સંચાલકનું નામ અલ્તાફ . ઘણા બધા એકરમાં આવેલી આ હોટલની વિશેષ વાત એ હતી કે કિચન ડાયનિંગ અને લીકર શોપ બાર નું મકાન બાજુમાં જુદું હતું.એક વિસ્તાર શાકાહારી કિચન અને ડાયનિંગ અને બીજો વિસ્તાર માંસાહારી કિચન અને ડાયનિંગ. અલબત્ત એવી વ્યવસ્થા હતી કે દરેક ફ્લોર પર પેસેજમાંથી આગળ જાવ એટલે ચાર લિફ્ટ હોય એ સીધી ડાયનિંગ એરિયામાં જતી હતી બે લિફ્ટ શાકાહારી ડાયનિંગ અને બે લિફ્ટ માંસાહારી ડાયનિંગ વિસ્તાર. બન્ને રૂમ સર્વિસ ઉપલબ્ધ હતી. એનું કારણ એ હતું કે માલિક શિવનારાયણ શુદ્ધ શાકાહારી અને એ ઇચ્છતા કે શાકાહારી ગ્રાહકોને તકલીફ ન પડે.સ્ટાર હોટલ હતી એટલે સુવિધા બધી જ જોઈએ.
એક સવારે હોટલના બહારના ભાગ માં ચહલપહલ મચી ગઈ, સિક્યોરિટી અને અન્ય સ્ટાફ દોડતા આવ્યા, એક ઉંમરલાયક વ્યક્તિ આ હોટલ તરફ આવતા મુખ્ય દરવાજા પર ફસડાઈ પડ્યા હતા. એ મુખ્ય દરવાજા નજીક ડ્રાઇવર રૂમ્સ હતા એમાં આ વ્યક્તિને લઇ ગયા.હોટલ ભલે ગમે તેટલી મોટી મોંઘી અને દરજ્જોવાળી હતી પણ અભિગમ માનવીય એટલે આ વડીલને ત્યાં સુવડાવ્યા. એ વ્યક્તિને આવવું હતું આ જ હોટલમાં અને દરવાજે પહોંચતા પડી ગયા. કપડાં પણ મેલાઘેલા, શરીર નંખાઈ ગયેલું. અને ભૂખ તરસ બન્ને ખુબ હશે એટલે પડી ગયા પણ અહીં જ આવવા નીકળ્યા હશે એ સ્ટાફ ને એટલા માટે લાગ્યું કે એ પલંગમાં પડતા જ બોલ્યા શિવનારાયણ, શિવનારાયણ કો બુલાવ, સ્ટાફના સભ્યો દોડતા ગયા અને અલ્તાફને કહૃાું કે સર મોટા શેઠને બોલાવો એક વડીલ આવ્યા છે અને એમનું જ નામ બોલે છે. અલ્તાફ કહે એ તો મંદિરમાં પૂજા કરે છે. હું આવું અને ત્યાં જઈ આંખ બંધ કરી પડયા પડયા બોલતા હતા શિવનારાયણ , અલ્તાફ એમને ધ્યાનથી જોતા જ મનમાં બોલ્યો *અબ્બા* અને કહૃાું કે હું કાકાને મોકલું છું. એ ત્યાંથી ગયો ત્યારે એની આંખમાં આંસુ હતા. એણે જોયું કે મારા અબ્બા એટલે કે પિતા જ છે પણ એ કેવી રીતે હોય? એ તો કેટલા વર્ષ પહેલા ટ્રક સાથે ખીણમાં ઝંપલાવી ગુજરી ગયા હતા. ટ્રક અથડાતા અથડાતા ખીણમાં ગયેલી અને દેખાયું હતું કે ટ્રકનો કુચો નીકળી ગયેલો. બહુ તપાસ પછી પણ પિતાની લાશ મળી નહોતી. એણે શિવનારાયણ કાકાને કહૃાું જલ્દી જાવ એક વડીલ છે, મારા મતે મારા અબ્બા અને તમારા મિત્ર સલીમ અલી છે. શિવ એની સામે જોવા લાગ્યા અને બોલ્યા એ કેવી રીતે? એમ કહી દોડયા ત્યાં જઈ જોયું તો એ જ હતો સલીમ. શિવ ને પણ માન્યામાં ન આવે છતાં એણે સ્વીકારી લીધું અને અલ્તાફ ને કહૃાું કે હા તારા અબ્બા જ છે ચાલ એનો ઈલાજ કરીએ. એને ઘરમાં લઈ ગયા , વૈદ્યને બોલાવી દવા પીવડાવી. પછી થોડું પોષક પ્રવાહી પીવડાવ્યું કલાકે એણે આંખ ખોલી. બંને મિત્રો ભેટ્યા પછી શિવે પૂછ્યું કે આ શું ચમત્કાર છે. તો એણે કહૃાું કે દોસ્ત મૃત્યુ તો ઈશ્વર અલ્લાહ ઈચ્છે ત્યારે જ આવે. મારી ટ્રકના દરેક પૂર્જા છુટા પડી ગયેલા પણ હું જુદી જ રીતે ફેંકાઈ એકદમ નીચે પાણીમાં પછડાયો હતો સાવ બેભાન હતો. ત્યાં એક વૈદ્ય નીકળ્યા, એ વૈદ્ય વનસ્પતિ શોધી ઓસડિયાં બનાવતા હતા. એમણે થોડી ઔષધિ લાવી મને ભાનમાં લાવ્યો અને મને ઊંચકીને એની ઝૂંપડીમાં લઇ ગયા. મારું શરીર જાણે નિષ્ચેતન થઇ ગયેલું. હું હાથ કે પગ હલાવી શકતો નહોતો પણ એમણે ઘણા સમય ઔષધિઓથી મને સરખો કર્યો. એ વૈદ્યરાજ થાક્યા નહિ. એમણે મને નામ પણ ના પૂછ્યું. શરૂઆતમાં એ એમના હાથે ઔષધ અને પોષક પીણાં પીવડાવતા અને પછી ઢીલું ઢીલું ભોજન ખવડાવતા, હું સુઈ રહેતો હતો અને એ ઔષધિ શોધવા નીકળી પડતા. ક્યારેક કોઈ વૈદ્ય આવી એમની પાસેથી ઔષધો લઇ જતા. એ પૈસા નહોતા લેતા પણ આવનાર વ્યક્તિ એમને અનાજ તેલ ઘી કપડાં વગેરે આપી જતા હતા. ઘણા વર્ષ થયા, કેટલા એ તો યાદ નથી પણ એમણે મને સ્વસ્થ કરી દીધો. એ પછી એક દિવસ એમણે મને કહૃાું કે આજે નાહી ધોઈ લ્યો. એ પછી એમણે મને ખવડાવ્યું. આટલા વખતમાં મારા વાળ અને દાઢી વધી ગયેલા. હા કપડાં એમણે મારા માટે રાખેલા એ પહેરાવ્યા. એ પછી એ મને ઝાડીઓમાં ફેરવતા ફેરવતા ચાલતા બેસતા આરામ કરતા છેક ક્યાં સુધી લઇ આવ્યા . એ પછી એમણે કહૃાું કે મારી ફરજ પૂરી થઇ હવે તમે તમારી દુનિયામાં પાછા જાવ. આ કેડીએ સીધા સીધા નાકની દાંડીએ ચાલ્યા જજો તમને દિશા મળી જશે. જય ભગવાન , એમ કહી એ પાછા વળી ગયા. એ ઝાડીઓમાં ચાલતા ક્યાં ગયા ખબર નહિ અને હું આગળ ચાલવા લાગ્યો લગભગ ત્રણ ચાર કલાકે રસ્તો દેખાયો.મને સુજે જ નહિ કે હું ક્યાં છું. રસ્તા પર આવી મેં ઘણા ને પૂછ્યું. કોઈ પાસે વાત કરવા જઈએ તો મારા દીદાર જોઈ આઘા ભાગે. ન કોઈ ખાવાનું આપે કે ન મને કોઈ પાસે માગવાનો જીવ ચાલે. હું ચાલ્યા જ કરું ,એક સજ્જને મને આ જગ્યાની દિશા બતાવી ચાલતા આરામ કરતા હું એક ગામ પહોંચ્યો ત્યાં મેં કોઈને આ શહેરનું પૂછ્યું તો એ લોકોએ કહૃાું કે એ તો ઘણું દૂર છે, હું દિશા સમજી ચાલવા લાગ્યો. કેટલા દિવસ રાત થયા મને ખબર નથી પણ ઘણા દિવસે હું આ શહેરના નાકે પહોંચ્યો. ઈશ્વર અલ્લાહ નો શું સંકેત હશે કે મને રસ્તામાં પહેલી વ્યક્તિ મળી એ જુલી હતી. એને જોતા જ હું એને ઓળખી ગયો. મારા પગ થંભી ગયા. આંખમાં આંસુ આવી ગયા પણ મેં મારી જાતને સાંભળી અને સ્વસ્થ થઇ પૂછ્યું કે શિવનારાયણની હોટલ ક્યાં? જુલી આ સાંભળી મારી સામે જોવા લાગી. મને ઓળખી ન શકી. હું એને તરત ઓળખી ગયો કારણ પ્રેમ મેં કર્યો હતો એને અને માત્ર એને જ . થોડી વાર પછી એણે દિશા બતાવી અને ચાલી નીકળી પણ જતા જતા પણ પાછું વળી જોયા કરતી હતી.મને એને પૂછવાનું મન થયું કે અલ્તાફ ક્યાં છે? કેમ છે? પણ ના પૂછ્યું કારણ એ મને ઓળખવા પ્રયત્ન કરે, મેં વિચાર્યું કે શિવ મળી જાય પછી એને જ પૂછીશ. શહેરના નાકેથી અહીં પહોંચતા મને આખી રાત ગઈ. પૂછતાં પૂછતાં અહીં પહોંચ્યો પણ મારામાં જરાય હોશ નહોતા. અલ્તાફ ક્યાં છે? શિવ કહે અહીં મારી સાથે જ છે. બધું કહીશ તને. પહેલા તું સ્વસ્થ થા. આ ઘર તારું જ છે તારી ભાભી તને સાચવશે. હમણાં હજામ આવશે. જરા માણસમાં આવ ખાઈ પી પોષણ મેળવ પછી રાત્રે બેસીએ, અલ્તાફ પણ હશે. બાજુમાં જ ઘર એનું છે. એ તને ડ્રાઇવર કોટેજમાં જોઈને ગયો ઓળખી ગયો. દીકરો તારો છે ને? સલીમ બોલ્યો કે જુલી ન ઓળખી શકી, શિવ કહે કે હવે તો જુલી ને ભૂલી જા, જેને કારણે તું મોતના ખોળે પહોંચી ગયો હતો એને શું યાદ કરવાની. તારો દીકરો પણ એને ભૂલી ગયો છે, નામ લેવા નથી માંગતો એને તું હજી યાદ કરે છે?
(વધુ આવતા શનિવારે)
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial