Advertisement
Author: નોબત સમાચાર

મને ઝેન-ઝેડ બનવાના જાગ્યા કોડ (ઈચ્છા)....

                                                                                                                                                                                                      

કોઈપણ વડીલોને તેમની ઈચ્છા પૂછો તો તરત જ કહેશે કે ઈશ્વર એકવાર રિવર્સ ગિયર મારવાનું કહે તો ગાડી ૩૫ વર્ષ પાછળ લઈ લઉં.

ચાલો ત્યારે ગાડી રિવર્સ લ્યો.

થોડા ફેરફાર કરવા પડશે આર યુ રેડી કાકાઝ એન્ડ કાકીઝ?

હેલો, ચિયર્સ એન્ડ વાઇબ્સ!

સૌપ્રથમ તો શબ્દો જાણો.

તમારા બધાનો 'આભાર' (સોરી, આ જુનો શબ્દ છે... 'થેન્ક્સ અ મિલિયન' કે 'તમે તો પ્રો છો' એવું કહેવું પડે!). આજકાલ તમે બજારમાં, સોશિયલ મીડિયા પર કે ઘરમાં ૧૫ થી ૨૫ વર્ષના જુવાનિયાઓને જોયા છે? એમના હાથમાં ૨૪ કલાક સ્માર્ટફોન ચોંટેલો હોય, આંખો પર સ્ટાઇલિશ ચશ્મા હોય, અને મોઢામાંથી એવી ભાષા નીકળે કે આપણને થાયઃ ''અરે ભાઈ, આ ગુજરાતી બોલે છે કે કોઈ ઉચ્ચ ગેલક્સીની એલિયન ભાષા?''

જો તમને પણ ૯૦ના દાયકાના કે એના પહેલાના હોવાનો 'અફસોસ' થતો હોય, અને તમને એમ લાગતું હોય કે તમે આ નવી પેઢી એટલે કે ઝેન-ઝીમાં ફીટ નથી બેસતા, તો ચિંતા ના કરો! તમારી આ 'અંકલ' કે 'આંટી' ટાઇપની છાપ ભૂંસી નાખવા માટે આજે હું તમારા માટે લાવ્યો છું: 'ઝેન-ઝી બનવાના ગુપ્ત કોડ્સ!'જે તમારા કોડ કહેતા ઈચ્છા પૂરી કરશે.

બસ, આ લેખ વાંચીને અમલમાં મૂકી દો, પછી જુઓ કમાલ! ૧૫ વર્ષનો છોકરો પણ તમને જોઈને કહેશેઃ ''અંકલ નથી, આ તો એકદમ લિટ છે!''

'ગુજરાતી+ઈંગ્લિશ'નો ખીચડો કરો.

ઝેન-ઝી બનવાનો પહેલો નિયમ છે. તમારે ક્યારેય પણ પૂરા વાક્યો બોલવાના નથી. આ પેઢી પાસે સમય નથી (કેમ કે બધો સમય રીલ્સ જોવામાં જતો રહે છે!). એટલે શબ્દો ટૂંકા કરો અને ટ્રેન્ડી બનાવો.

હવેથી તમારે કોઈ કામ બહુ સરસ લાગે તો 'સરસ' કે 'ઉત્તમ' નથી કહેવાનું. તમારે કહેવાનું: ''આ તો એકદમ ફ્લેમ છે ભાઈ!'' કે પછી ''ઈટ્સ સો સ્લે!''

જો કોઈ તમારો મિત્ર બહુ ફેંકતો હોય, તો એને એમ ના કહેવાય કે ''તૂ ખોટું બોલે છે.* તમારે મોઢું બગાડીને કહેવાનું: ''નો કેપ, બ્રો!'' અથવા ''આ બધું કેપ છે!''

તમારા જમાનામાં જેને ''ચિંતા' કે ''ટેન્શન' કહેતા, એને હવે ''એંગ્ઝાઇટી'' કહેવાય છે. અને જો કોઈ તમને નકામી શિખામણ આપે તો તરત કહી દેવાનું: ''પ્લીઝ બ્રો, તું મને 'સોલ્ટી' ના બનાવ!''

લૂક અને ફેશન થોડા કેચી એટલે કે ન સમજાય તેવા રાખવા. 'બાપાના જમાનાના કપડાં ફેશન બની ગયા છે!'

અરે હા! ઝેન-ઝી બનવા માટે કપડાંની પસંદગી બહુ મહત્ત્વની છે. ૯૦ના દાયકામાં જે કપડા આપણને 'ઢીલાંઢાલાં' કે 'માપ વગરના' લાગતા, એ જ આજે સૌથી મોટો ટ્રેન્ડ છે. એને આ લોકો 'ઓવરઝાઇઝ્ડ' ફેશન કહે છે!

ટી-શર્ટઃ તમારે એવા સાઈઝનું ટી-શર્ટ પહેરવાનું જેમાં તમારા જેવા બીજા બે માણસો સળંગ સમાઈ જાય! ટી-શર્ટના ખભા તમારા કોણી સુધી લટકતા હોવા જોઈએ.

જીન્સઃ 'સ્કિની જીન્સ' પહેરવાનો અર્થ છે કે તમે મોહેં-જો-દડોના જમાનાના છો. ઝેન-ઝી બનવું હોય તો 'કાર્ગો' કે 'બગી પેન્ટ્સ' પહેરો, જે નીચેથી બે-ત્રણ રસ્તા બુરી દે એટલા પહોળા હોય!

સ્નિકર્સ (સૂઝ) એટલે કે બુટ તો એવા પહેરવાના જે જોઈને લાગે કે તમે મંગળ ગ્રહ પર ચાલવા જવાના છો. વજનમાં ભારે અને કદમાં હાથીના પગ જેવા!

સોશિયલ મીડિયાનો 'રિચ્યુઅલ' કોડ

જો તમે હજુ પણ ફેસબુક પર 'ગુડ મોર્નિંગ' ના ફૂલો વાળા ફોટા મૂકો છો, તો માફ કરજો, તમે ઝેન-ઝી નથી પણ 'જેન-ઝીના દાદા' છો!

ઇન્સ્ટાગ્રામ જ સર્વસ્વ છેઃ ઝેન-ઝી લોકો ફેસબુકને 'ઘરડાઓનું આશ્રમ' માને છે. તમારે ફક્ત ઇન્સ્ટાગ્રામ પર જ રહેવાનું.

ડમ્પ પોસ્ટ મુકો. હવે તમારે સિંગલ ફોટો નથી મૂકવાનો. આખા અઠવાડિયામાં તમે જે જે નકામા ફોટા પાડ્યા હોય (જેમ કે અડધો ખાધેલુ સમોસુ, રસ્તા પરનું કૂતરૂ કે ચશ્મા વગરનો સેલ્ફી), એ બધાનો ભેગો કરીને 'સંડે ડમ્પ' કે 'રેન્ડમ ડમ્પ' કરીને કેપ્શન લખવાનું.

ફોટો ભલે સવારના ચા-ભજીયાનો હોય, પણ એની પાછળ વાગતું મ્યુઝિક કોઈ જાસૂસી હોલીવુડ મુવીનું કે ઈંગ્લિશ રેપ હોવું જોઈએ. અર્થ બેસે કે ના બેસે, 'વાઇબ' બેસવી જોઈએ!

રિલેશનશિપ અને ડાયલોગ્સ બહુ અગત્યના છે.'સિચ્યુએશનશિપ'નો જાદુ!

અમારા જમાનામાં કાં તો દોસ્તી હોય, કાં સગાઈ હોય કે લગ્ન હોય. પણ ઝેન-ઝી પાસે વચ્ચેનો એક રસ્તો છે.

જો તમે કોઈની સાથે ફરો છો પણ નક્કી નથી કે પ્રેમ છે કે નહીં, તો એને કહેવાય 'સિચ્યુએશનશિપ'.

જો કોઈ તમને અચાનક મેસેજ કરવાનો બંધ કરી દે, તો એમ ના સમજતા કે એનો ફોન બગડ્યો છે. એણે તમને 'ગોસ્ટ' કરી દીધા છે!

અને જો કોઈ તમને બહુ ઇમ્પ્રેસ કરી જાય, તો એ માણસ પાસે 'રિઝ' (રીઝ-ચાર્મ/આકર્ષણ) છે એવું માનવું! જો તમે શાકભાજી વાળા પાસેથી રૂ।. ૨૦ માંથી રૂપિયા ઓછા કરાવી લો, તો તમારી પાસે પણ 'બાર્ગેનિંગ રિઝ' છે એવું કહી શકાય!

ઝેન-ઝી બનવા માટે તમારો એટીટ્યુડ પણ બદલવો પડશે.

ક્યારેય બહુ ઉત્સાહ ન બતાવવો! જો તમને કોઈ લોટરી પણ લાગી જાય, તો તમારે બહુ કુદકા નથી મારવાના. બસ ચશ્મા સરખા કરીને બોલવાનું: ''ઓહ નાઇસ, ડ્યુડ! દેટ્સ કૂલ.''

તમારે વાતવાતમાં ''આઈ એમ સો ડેડ'' બોલવું પડશે (જ્યારે તમને બહુ હસવું આવે ત્યારે). જો તમને કોઈ રમુજી જોક સંભળાવે તો હસવાને બદલે કહેવાનું: ''આઈ એમ ડેડ, ભાઈ!'' સાંભળનાર ચમકી જશે કે આ જીવતો છે કે ભૂત, પણ એ જ તો ઝેન-ઝીનો રિયલ કોડ છે!

નો કેપ, ઓન્લી વાઇબ્સ! બાય બ્રો!

આટલું વાચીને થાકી જવાય તો આવું વર્તન તો કેવું થકવાડે?

વિચારવાયુઃ ૫૫ એ પહોંચેલાને પણ પડોસણ સ્માઈલ આપે એટલે દિલ દિમાગ ઝેન્ઝી ઝેન્ઝી જ થઈ જાય.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh