Advertisement
Author: નોબત સમાચાર

નોકરીનો કરારઃ કર્મચારી અને કંપની બંનેના હિતોનું રક્ષણ કરતો કાનૂની આધાર

                                                                                                                                                                                                      

આજના સ્પર્ધાત્મક વ્યવસાયિક યુગમાં રોજગારનો કરાર માત્ર નિમણૂકનો દસ્તાવેજ રહૃાો નથી. તે કંપની અને કર્મચારી વચ્ચેના અધિકારો, ફરજો, વિશ્વાસ અને જવાબદારીઓનું કાનૂની માળખું બની ગયો છે. તેમ છતાં વાસ્તવિકતા એ છે કે મોટાભાગના લોકો નોકરી સ્વીકારતી વખતે કરારમાં દર્શાવેલ પગાર, હોદ્દો અને રજાની શરતો વાંચવામાં જ સંતોષ માને છે, જ્યારે ગોપનીયતા જાળવવાની, નિશ્ચિત સમય સુધી સેવા આપવાની, ગ્રાહકો અથવા અન્ય કર્મચારીઓને પ્રલોભન ન આપવાની તથા પૂર્વ સૂચના જેવી મહત્વપૂર્ણ કલમો પર પૂરતું ધ્યાન આપતા નથી. ઘણી વખત આ જ કલમો ભવિષ્યમાં કંપની અને કર્મચારી વચ્ચેના વિવાદોનું મુખ્ય કારણ બને છે. તેથી રોજગારના કરારને માત્ર ઔપચારિક કાર્યવાહી નહીં, પરંતુ બંને પક્ષના હિતોનું રક્ષણ કરતા મહત્વપૂર્ણ કાનૂની દસ્તાવેજ તરીકે સમજવાની જરૂર છે.

કોઈપણ કંપની પોતાના વ્યવસાયને વિકસાવવા માટે વર્ષો સુધી મહેનત કરે છે, ગ્રાહકોનો વિશ્વાસ મેળવે છે, વ્યવસાયિક માહિતી એકત્રિત કરે છે, કર્મચારીઓને વિશિષ્ટ તાલીમ આપે છે અને પોતાની કાર્યપદ્ધતિ વિકસાવે છે. બીજી તરફ કર્મચારી પોતાનું જ્ઞાન, કૌશલ્ય અને સમય કંપનીને અર્પણ કરે છે. આ બંને હિતોની સુરક્ષા થાય તે માટે રોજગારના કરારમાં કેટલીક વિશિષ્ટ કલમોનો સમાવેશ કરવામાં આવે છે. જો આ કલમો યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે અને બંને પક્ષ તેની સમજ સાથે સ્વીકારે તો ભવિષ્યના અનેક વિવાદો ટાળી શકાય છે.

ગોપનીયતા જાળવવાની કલમ

રોજગારના કરારમાં સમાવિષ્ટ સૌથી મહત્વપૂર્ણ કલમોમાંની એક ગોપનીયતા જાળવવાની કલમ છે. દરેક કંપની, સંસ્થા કે રોજગારદાતા પાસે એવી માહિતી હોય છે કે જે તેના વ્યવસાય, સ્પર્ધાત્મક સ્થાન અને સફળતાનો પાયો ગણાય છે. ગ્રાહકોની વિગતો, ભાવ નક્કી કરવાની પદ્ધતિ, ઉત્પાદન કે સેવા અંગેની વિશિષ્ટ માહિતી, સંશોધન, વ્યાવસાયિક વ્યૂહરચના, નાણાકીય માહિતી તેમજ અન્ય આંતરિક દસ્તાવેજો અથવા માહિતી જાહેર થઈ જાય તો સંસ્થાને ગંભીર આર્થિક તેમજ પ્રતિષ્ઠાકીય નુકસાન થઈ શકે છે. આ કારણસર રોજગારના કરારમાં કર્મચારી પાસેથી આવી માહિતીની ગોપનીયતા જાળવવાની કાનૂની ખાતરી લેવામાં આવે છે. બીજી તરફ, કર્મચારીએ પણ એ સમજવું એટલું જ જરૂરી છે કે કઈ માહિતી ગોપનીય ગણાશે, ગોપનીયતા જાળવવાની જવાબદારી કેટલા સમય સુધી રહેશે, તેની મર્યાદાઓ શું છે અને તેના ભંગથી કયા કાનૂની પરિણામો આવી શકે છે. આવી કલમ કર્મચારીને પણ સ્પષ્ટતા આપે છે કે કઈ માહિતીનો ઉપયોગ અથવા જાહેર કરવું યોગ્ય નથી, જેથી અજાણતા થયેલી ભૂલ, ગેરસમજ અથવા માહિતીના અયોગ્ય ઉપયોગને કારણે ભવિષ્યમાં કરારભંગ અથવા અન્ય કાનૂની કાર્યવાહીનો સામનો કરવો ન પડે.

સેવા-બંધનની કલમ

(લોક-ઇન કલમ)

રોજગારના કરારમાં સમાવિષ્ટ બીજી એક મહત્વપૂર્ણ કલમ સેવા-બંધનની કલમ છે, જેને સામાન્ય ભાષામાં 'લોક-ઇન' કલમ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી સંસ્થાઓ પોતાના કર્મચારીઓને વિશેષ તાલીમ આપે છે, તેમના કૌશલ્યના વિકાસ માટે નોંધપાત્ર ખર્ચ કરે છે અથવા તેમને વ્યવસાયની વિશિષ્ટ કાર્યપદ્ધતિ સાથે પરિચિત બનાવવામાં લાંબો સમય અને સંસાધનો ખર્ચે છે. આવા સંજોગોમાં જો કર્મચારી ખૂબ જ ટૂંકા ગાળામાં નોકરી છોડી દે, તો સંસ્થાને માત્ર આર્થિક નુકસાન જ નહીં, પરંતુ કાર્યક્ષમતા, સમય અને માનવસંસાધનના આયોજન પર પણ અસર પડે છે. આ કારણસર કેટલીક સંસ્થાઓ કર્મચારી પાસેથી ચોક્કસ સમયગાળા સુધી સેવા આપવાની શરત સ્વીકારાવે છે.

બીજી તરફ, કર્મચારીએ પણ આવી કલમને માત્ર ઔપચારિક શરત સમજીને સ્વીકારી લેવી જોઈએ નહીં. કરાર પર હસ્તાક્ષર કરતાં પહેલાં સેવા-બંધનનો સમયગાળો કેટલો છે, સમય પહેલાં સેવા છોડવામાં આવે તો તેની શું કાનૂની અથવા આર્થિક જવાબદારી ઊભી થઈ શકે, વળતરની જોગવાઈ વાજબી અને પરિસ્થિતિને અનુરૂપ છે કે નહીં, તેમજ તે કઈ પરિસ્થિતિમાં લાગુ પડશે જેવી બાબતો સમજવી અત્યંત જરૂરી છે. જો આવી કલમનું ઉલ્લંઘન થાય તો રોજગારદાતા નુકસાનની ભરપાઈ અથવા અન્ય કરારજન્ય ઉપાયોની માંગણી કરી શકે છે. તેમ છતાં, દરેક સેવા-બંધનની કલમ આપોઆપ અમલમાં આવી જાય એવું જરૂરી નથી; તેની વાજબીતા, કરારની શરતો અને દરેક કેસની વિશિષ્ટ પરિસ્થિતિના આધારે તેની કાનૂની માન્યતા નક્કી થતી હોય છે.

ગ્રાહકો અને કર્મચારીઓને પ્રલોભન ન આપવાની કલમ

આજના સ્પર્ધાત્મક વ્યવસાયિક વાતાવરણમાં ગ્રાહકો તથા કર્મચારીઓને પ્રલોભન ન આપવાની કલમ પણ વિશેષ મહત્વ ધરાવે છે. કોઈપણ સંસ્થા વર્ષો સુધીની મહેનત, સમય અને મૂડીના રોકાણ દ્વારા પોતાના ગ્રાહકોનો વિશ્વાસ મેળવે છે તથા અનુભવી અને કુશળ કર્મચારીઓની ટીમ તૈયાર કરે છે. જો કોઈ કર્મચારી સેવા પૂર્ણ થયા પછી પોતાના પૂર્વ રોજગારદાતાના ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવાનો, તેમના વ્યવસાયને અન્યત્ર વાળવાનો અથવા પૂર્વ સહકર્મચારીઓને નોકરી છોડવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરે, તો તે સંસ્થાના વ્યવસાય, પ્રતિષ્ઠા અને સ્પર્ધાત્મક સ્થિતિ પર સીધી અસર કરી શકે છે. આ કારણસર આવી કલમનો મુખ્ય હેતુ કર્મચારીના રોજગારના અધિકારને મર્યાદિત કરવાનો નથી, પરંતુ રોજગારદાતાના વાજબી વ્યાવસાયિક હિતોનું રક્ષણ કરવાનો છે.

કર્મચારીએ પણ સમજવું જોઈએ કે નોકરી પૂર્ણ થયા પછી પૂર્વ રોજગારદાતાના ગ્રાહકો, વેપાર સંબંધો અથવા સહકર્મચારીઓ સાથેનો વ્યવહાર કઈ મર્યાદામાં કરવો યોગ્ય છે અને કરારમાં સ્વીકારેલી જવાબદારીઓ શું છે. ઘણી વખત કર્મચારીઓ અજાણતા પૂર્વ ગ્રાહકોનો સંપર્ક કરે છે અથવા સહકર્મચારીઓને નવી સંસ્થામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે, જેના પરિણામે કરારભંગનો વિવાદ ઊભો થઈ શકે છે. બીજી તરફ, રોજગારદાતાએ પણ આવી કલમનો ઉપયોગ કર્મચારીને જીવનનિર્વાહથી વંચિત રાખવા માટે નહીં, પરંતુ માત્ર પોતાના વાજબી વ્યવસાયિક હિતોના રક્ષણ માટે જ કરવો જોઈએ. તેથી આવી કલમોનો વ્યાપ, સમયગાળો અને મર્યાદા વાજબી તથા સ્પષ્ટ હોય તે બંને પક્ષોના હિતમાં રહે છે.

     નોટિસ અવધિની કલમ

રોજગારના કરારમાં સમાવિષ્ટ નોટિસ અવધિની કલમ પણ અત્યંત મહત્વપૂર્ણ છે અને ઘણી વખત વિવાદનું કારણ બને છે. કોઈપણ કર્મચારી અચાનક નોકરી છોડી દે તો રોજગારદાતાને વૈકલ્પિક કર્મચારીની નિમણૂક, કાર્યનો હવાલો, ગ્રાહકો સાથેના સંબંધો અને સંસ્થાના દૈનિક સંચાલનમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તે જ રીતે, જો કોઈ યોગ્ય કારણ વિના કર્મચારીની સેવા તાત્કાલિક સમાપ્ત કરવામાં આવે, તો તેના જીવનનિર્વાહ, આર્થિક સ્થિરતા અને કારકિર્દી પર ગંભીર અસર પડી શકે છે. આથી નોટિસ અવધિની જોગવાઈ બંને પક્ષોને પૂરતો સમય અને યોગ્ય તક પૂરી પાડવાના હેતુથી રાખવામાં આવે છે.

કર્મચારીએ કરાર સ્વીકારતાં પહેલાં નોટિસનો સમયગાળો કેટલો છે, નોટિસના બદલે વેતન ચૂકવવાની જોગવાઈ છે કે નહીં, તેમજ નોટિસની શરતોનું પાલન ન કરવામાં આવે તો તેના શું પરિણામો આવી શકે તેની જાણકારી મેળવવી જોઈએ. બીજી તરફ, રોજગારદાતાએ પણ નોટિસ અવધિની કલમનો ઉપયોગ કર્મચારી પર અનાવશ્યક દબાણ લાવવા અથવા તેને અન્યાયી રીતે બંધનકારક સ્થિતિમાં રાખવા માટે કરવો જોઈએ નહીં. આવી કલમનો હેતુ બંને પક્ષોના હિતોનું સંતુલન જાળવવાનો છે, કોઈ એક પક્ષને અયોગ્ય લાભ પહોંચાડવાનો નહીં.

નિષ્કર્ષ

અંતમાં એટલું યાદ રાખવું જરૂરી છે કે રોજગારનો કરાર માત્ર ઔપચારિક દસ્તાવેજ નથી, પરંતુ તે વિશ્વાસ, પારદર્શિતા અને પરસ્પર જવાબદારીઓ પર આધારિત કાનૂની સંબંધનું પ્રતિબિંબ છે. ગોપનીયતા જાળવવાની, સેવા-બંધનની, ગ્રાહકો અને કર્મચારીઓને પ્રલોભન ન આપવાની તેમજ નોટિસ અવધિ જેવી કલમોનો હેતુ કોઈ એક પક્ષને પ્રાધાન્ય આપવાનો નથી, પરંતુ બંને પક્ષોના વાજબી હિતોનું રક્ષણ કરવાનો છે. રોજગારદાતાએ આવી શરતો વાજબી, સ્પષ્ટ અને કાયદાને અનુરૂપ રાખવી જોઈએ, જ્યારે કર્મચારીએ પણ કરારને માત્ર વેતન અથવા હોદ્દા સુધી મર્યાદિત ન રાખી તેની દરેક મહત્વપૂર્ણ જોગવાઈ સમજીને જ સ્વીકારવી જોઈએ. થોડો સમય કાઢીને કરારને સમજવાની સાવચેતી ભવિષ્યમાં લાંબા કાનૂની વિવાદો, આર્થિક નુકસાન અને વ્યવસાયિક સંબંધોમાં ઊભી થનારી અનિશ્ચિતતાઓથી બચાવી શકે છે. ખરેખર, સારો રોજગાર કરાર માત્ર અધિકારો અને ફરજો નક્કી કરતો દસ્તાવેજ નથી, પરંતુ રોજગારદાતા અને કર્મચારી વચ્ચે વિશ્વાસપૂર્ણ, પારદર્શક અને દીર્ઘકાલીન વ્યવસાયિક સંબંધનો મજબૂત પાયો છે.

ધ્વનિ લાખાણી, એડવોકેટ, ગુજ. હાઈકોર્ટ

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh