Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાની ૧૮૭ ગ્રામપંચાયતો માટે રવિવારે મતદાનઃ ચૂંટણી તંત્ર સજ્જઃ ૨૫ જૂને ગણતરી

૪.૪૨ લાખ મતદારો, ૧૫૦૦ પોલીસકર્મી-અધિકારીઓ તૈનાતઃ ૪૨૬ મતદાન મથકોઃ ૨૨૪૪નો સ્ટાફઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦ઃ ગ્રામ પંચાયત ચૂંટણી અન્વયે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે. તા. ૨૨ જુનના જામનગર જિલ્લાની ૧૮૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. ૪.૪૨ લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એએસપી તથા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સહિત ૧,૫૦૦ જેટલા જવાનોની નિમણૂક કરવામાં આવી છે. ૬ તાલુકાના ૪૨૬ મતદાન મથક ખાતે ૨,૨૪૪ જેટલા સ્ટાફને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. જિલ્લામાં વિવિધ ૬ કેન્દ્રો પર તા. ૨૫ જુનના રોજ મતગણતરી હાથ ધરાશે. આ માહિતી પત્રકાર પરિષદ દરમિયાન જિલ્લાના ચૂંટણી તંત્રે આપી હતી.

જામનગર જિલ્લામાં આવેલ ધ્રોલ, કાલાવડ, જામજોધપુર, જામનગર, લાલપુર તથા જોડિયા તાલુકાઓની સામાન્ય/વિભાજન/ મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ આગામી તા. ૨૨/૦૬/૨૦૨૫ રવિવારના યોજાનાર છે. આ અંગેની વિગતો જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર તથા જિલ્લા પોલિસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ પત્રકાર પરિષદના માધ્યમથી રજૂ કરી હતી.

ગ્રામ પંચાયત ચૂંટણી - ૨૦૨૫ અન્વયે જામનગર જિલ્લામાં ૨૫૪-સામાન્ય, ૧૦-વિભાજનવાળી, ૨-મધ્યસત્ર તથા ૬૦-પેટા ચૂંટણી એમ કુલ-૩૨૬ ગ્રામ પંચાયતોના જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તે પૈકી, હરીફાઈમાં રહેલ ગ્રામ પંચાયતોમાં ૧૭૪-સામાન્ય, ૬-વિભાજનવાળી, ૧-મધ્યસત્ર તથા ૬-પેટા ચૂંટણી એમ કુલ-૧૮૭ ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાનાર છે.

જામનગર જિલ્લામાં કુલ ૬૦ ગ્રામ પંચાયતો સંપૂર્ણ સમરસ થયેલ છે, જ્યારે ૭૯ ગ્રામ પંચાયતોમાં અમુક બેઠકો બિનહરીફ થવાથી તેમજ અમુક બેઠકો ખાલી રહેવાથી મતદાન યોજાનાર નથી. હરીફાઈમાં યોજાનાર ગ્રામ પંચાયતોની સરપંચ તથા વોર્ડની બેઠક માટે અંદાજીત ૨,૨૬,૩૮૬ પુરુષ મતદારો તથા ૨,૧૬,૧૭૮ સ્ત્રી મતદારો મળી કુલ ૪,૪૨,૫૭૭ મતદારો મતદાન કરશે. હરીફાઈ યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેના કુલ ૪૨૬ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે, જે પૈકી ૧૦૧ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી અન્વયે કુલ ૫૮ ઝોનલ રૃટ નક્કી કરવામાં આવેલ છે, જેમાં રિઝર્વ સહિત ૬૯ ઝોનલ/મદદનીશ ઝોનલની નિમણૂક કરવામાં આવેલ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ચૂંટણી આચારસંહિતાનું અસરકારક અમલીકરણ થાય તે માટે કુલ-૧૮ જાહેરનામાઓ બહાર પાડવામાં આવેલ છે. જામનગર જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૬ તાલુકાના ૪૨૬ મતદાન મથક ખાતે કુલ ૨૨૪૪ જેટલા સ્ટાફને ચૂંટણી ફરજ સોંપવામાં આવેલ છે. મત ગણતરી કેન્દ્ર ખાતે કુલ-૩૪૦ સ્ટાફને મત ગણતરી ફરજ સોંપવામાં આવનાર છે.

ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોની મતદારયાદીમાં નોંધાયેલ કુલ-૧૨૩ સેવા મતદારોને ટપાલ મતપત્રો ઇસ્યુ કરવામાં આવેલ છે. ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોના મતદાન મથકો તથા સ્ટ્રોંગરૃમ તેમજ મત ગણતરી કેન્દ્ર પોલીસ ફોર્સ તથા હોમગાર્ડ મળી આશરે ૧૯૧૫ જવાન તૈનાત કરવામાં આવશે. જિલ્લામાં નક્કી કરવામાં આવેલ ૬ સ્ટ્રોંગરૃમ તથા ૬ મત ગણતરી કેન્દ્ર અંદાજે ૨૪૦ પોલીસ ફોર્સ તથા ૩૦૦ હોમગાર્ડ તૈનાત કરવામાં આવેલ છે. મતદાનનો સમય સવારે ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી નક્કી કરવામાં આવેલ છે. મતદાનના દિવસે તા. ૨૨/૦૬/૨૦૨૫ (રવિવાર)ના જિલ્લા કક્ષાએ ચૂંટણી અંગેની ફરિયાદો માટે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૃમ કાર્યરત કરવામાં આવેલ છે. જિલ્લા કક્ષાના કંટ્રોલરૃમના સંપર્ક નં. (૦૨૮૮) ૨૫૪૧૯૬૦ છે. મતદાન તા. ૨૨/૦૬/૨૦૨૫ ના રોજ રજા જાહેર કરવા અંગેનો આદેશ કરવામાં આવેલ છે.

પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ વિગતો આપતા જણાવ્યું કે દરેક તાલુકામાં એએસપી તથા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સહિત ૧૫૦૦ જેટલા જવાનોની નિમણુક કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ એલસીબી એસ.ઓ.જી., કયુ.આર.ટી.ની ખાસ ટીમોને પણ ફરજ સોંપવામાં આવી છે. અત્યાર સુધીમાં ૨૦૦૦ જેટલા અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસતંત્રએ અટકાયતી પગલા લીધા છે સાથે જ બે લોકોને તડીપાર કરવામાં આવ્યા છે જ્યારે ૨૦ લાખ જેટલો પ્રોહિબિશનનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે.

મતગણતરી તા. ૨૫/૦૬/૨૦૨૫ના હાથ ધરવામાં આવશે. આ મતગણતરી જામનગર તાલુકા માટે ડી.કે.વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, જામનગરમાં કાલાવડ તાલુકા માટે જે.પી.એસ. સ્કૂલ, કાલાવડ ખાતે; લાલપુર તાલુકા માટે સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, લાલપુરમાં; જામજોધપુર તાલુકા માટે એ.વી.ડી.એસ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, જામજોધપુરમાં; ધ્રોલ તાલુકા માટે હરધ્રોલ હાઈસ્કૂલ, ધ્રોલમાં; જ્યારે જોડિયા તાલુકા માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જોડિયામાં યોજાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh