Advertisement
Author: નોબત સમાચાર

સિક્કાના દરિયાકાંઠે જમીન પર મોટાપાયે ગેરકાયદેસર દબાણો કરી ચાલતા બાર્જના કામ અંગે કાનૂની કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી

સિક્કા પર્યાવરણ અને માચ્છીમાર હિતરક્ષક એસો. દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગર તાલુકાના સિક્કા ગામના દરિયા કાંઠે જમીન પર ખૂબ જ મોટાપાયે ગેરકાયદેસર દબાણો કરી ૩૦ જેટલી કંપનીઓ દ્વારા કાયદા-કાનૂન અને નિયમોનો સરેઆમ ભંગ કરી બાર્જના રીપેરીંગના કામ ચાલી રહ્યા છે. આ કામો તાકીદે બંધ કરાવવા અને દબાણો દૂર કરી દબાણકર્તાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવા સિક્કા પર્યાવરણ અને માચ્છીમાર હિત રક્ષક એસોસિનેશનના પ્રમુખ અજીજ ઈસ્માઈલ ગંઢાર તેમજ શૌકતહુસેન સોહરાવદી, ઈશાક ઈબ્રાહીમ હુંદડા, સંદીપ રાઠોડે વિસ્તુત આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે.

સિક્કા ગામે દરિયાકાંઠે ડી.સી.સી. કંપનીની હદ્ પૂરી થતી હોય ત્યાર પછીનો આથમણો દરિયા કાંઠો આવેલ છે. ડી.સી.સી. કંપનીએ લીઝ ઉપર જમીન લઈને બાર્જ રીપેરીંગનું કામ ઘણાં વર્ષો પહેલા થતું હતું. ત્યારપછી સચાણા તથા બેડી વિસ્તારમાં દરિયાઈ કાંઠે આવું જ બાર્જ રીપેરીંગનું કામ થયું હતું, જેને એકાએક બંધ કરાવી સંપૂર્ણ જમીન ખાલી કરેલ. ત્યારપછી આ લોકો ધીમે ધીમે એક પછી એક સિક્કામાં બાર્જ રીપેરીંગનો દર વર્ષે વધારો થતા હાલમાં ૩૦ કે તેનાથી વધુ કંપનીઓ પોતાની મરજી મુજબ કાયદાની કોઈપણ દરકાર કર્યા વગર પોતાના કામો ચાલુ રાખે છે અને જમીનને નુક્સાન પહોંચાડે છે.

દરિયાઈ કાંઠે જ્યાં રેલની રેતી હોય છે ત્યાં વિશાળ બાંધકામો, ઓફિસો, શેડ વિગેરે ખુલ્લેઆમ બનાવેલ છે, તેમાં પણ ફોરેસ્ટ ખાતુ સંપૂર્ણ મૌન છે. આ દરિયા કાંઠાની સંપૂર્ણ જવાબદારી ફોરેસ્ટ ખાતાની હોવા છતાં ફોરેસ્ટ ખાતુ ફક્ત આ બાર્જવાળાઓ સામે અંગત સંબંધનો લાભ લઈને કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતા નથી.

ગુજરાત મેરીટાઈમ બોર્ડને દરેક પ્રકારના દરિયાઈ વાહનો બાર્જ રીપેરીંગમાં આવેલ હોય કે ખાલી પડેલ હોય, અન્ય કોઈ દરિયાના વાહનો હોય તેને તમામ કાયદેસર પાર્કિંગ પૂરતી તેની પાસેથી રકમ લઈ પહોંચ આપવાનો અધિકાર છે. આ પહોંચ ફક્ત કોઈપણ દરિયાઈ વાહન કાઠામાં આવે, શીપ હોય અથવા કાર્ગો વિસલ પાસેથી પાર્કિંગના ખૂટોની રકમ વસુલ કરવાના અધિકારી છે. આ પહોંચ પાર્કિંગ પૂરતી જ મર્યાદિત છે તેથી આ પહોંચનો દુરૂપયોગ થાય છે.

આ બાર્જવાળા ખુલ્લેઆમ ચોવીસે કલાક ખુલ્લી જગ્યામાં રાહદારીઓનો માછીમારોનો રસ્તો છે અને બાજુમાં રહેણાંક છે ત્યાં આવી જગ્યામાં ખુલ્લેઆમ વેલ્ડીંગ થતું હોય ગેસ કટીંગ થતું હોય જેને અટકાવવાની કોઈ કાર્યવાહી આ ખાતાવાળા કરતા નથી.

આ બાર્જોના પ્લેટ ઉપર ખુલ્લેઆમ સનબ્લાસ્ટીંગ ચોવીસે કલાક થાય છે. દરેક કાટમાળ તથા એમાંથી જુનો કલર દરિયામાં જતો હોય છે. દરિયામાં પ્રદૂષણ થતું હોય છે જેની કોઈ કાર્યવાહી કરતા નથી.

આ બાર્જોમાંથી જુનું પડતર ડીઝલ તથા ઓઈલ વિગેરે દરિયામાં નાશ કરે છે તેથી પણ આ ખાતુ આ ગંભીર પ્રદૂષણ અંગે કોઈ પગલાં લેતું નથી.

આ પ્રદૂષણ ખાતાવાળા જામનગર બેડી બંદર તથા સચાણા વિસ્તારમાં સ્થાનિક લોકો કોર્ટ સમક્ષ ગયેલ હતાં ત્યારે સચાણા તથા જામનગર બેડી બંદરના બાર્જની જગ્યા આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડવાળાએ ખાલી કરાવેલ હતી ત્યારે સિક્કામાં સંપૂર્ણરીતે મૌન છે.

આ બાર્જવાળા પોતાની મરજી મુજબ અંદાજે ૧ કિ.મી. જેટલા વિસ્તારમાં તેનું બાર્જ બનાવવાનું કામ ચાલતું હોય ત્યાં ગેરકાયદેસર પોતાની મરજી મુજબ ગમે તેવા નાના-મોટા પોલ ઊભા કરી પાઈપના અનેક જગ્યાએ સાંધાવાળા કેબલો ઊભા કરી લાઈટના કનેક્શનો દરેક બાર્જ ઉપર ચાલુ રાખે છે તેમજ અલગથી જનરેટર રાખવામાં આવે છે. તેના પણ આ રીતે ગેરકાયદેસર થાંભલા ઊભા કરી ગેરકાયદેસર કનેક્શન આપેલ છે. આ જગ્યા પાણીવાળી છે. અવારનવાર શોક સર્કિટ થતું હોય જેની દરકાર આ બાર્જ રીપેરીંગાળા કરતા નથી તેમજ પી.જી.વી.સી.એલ.વાળા આ અંગે કોઈ વાંધો લેતા નથી.

આ રીતે ગેરકાયદેસર થાંભલા ઊભા કરે છે તેમાં આ બાર્જના કામદારો તેમજ રાહદારીઓ તથા માછીમારોને પણ ગમે ત્યારે ગંભીર નુક્સાન થઈ શકે છે. તે તાત્કાલિક બંધ કરવા માંગણી કરવામાં આવી છીે.

અનેક જગ્યાએ ચેરના ઝાડ આવેલ છે જેનો ખુલ્લેઆમ નાશ કરવામાં આવે છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સંપૂર્ણ રીતે મૌન છે. કાંઠા ઉપર દરિયાઈ વનસ્પતિ તેમજ નાની માછલીઓનો સંપૂૃણ નાશ કરે છે. દરિયા કાંઠે ઈલેક્ટ્રીકના અનેક જગ્યાએ ફોલ્ડીંગ પેલા ઊભા કરી દ્યે છે તે સંબંધે પણ ફોરેસ્ટ ખાતુ મૌન છે.

સિક્કામાં ડી.સી.સી. કંપનીના આથમણા ભાગે જી.એસ.એફ.સી. જેટ્ટીના રોડની બાજુથી સિક્કા થર્મલ પાવર સ્ટેશનનો દરિયાઈ પાણી લેવાની કેનાલ સુધીના વચ્ચેનો દરિયાઈ વિસ્તાર તેમજ દરિયા કાંઠાનો રેલ વિસ્તાર ઉપર આ તમામ બાર્જવાળા, એજન્સીવાળી લાખો મીટર જમીન ઉપર દબાણ કરેલ છે.

કાયદાની હકીકતે આ જમીનની માલિકી હક્ક તથા લીઝ ઉપર સરકારી કાર્યવાહીથી આપી શકાય છે ત્યારે આ બાર્જવાળા અનેક આસામીઓ દ્વારા કચેરીઓવાળો સાથે મેલમિલાપ કરી દબાણ કરેલ છે જેથી આ તમામ જમીનમાંથી તાત્કાલિક દબાણ દૂર કરવાની માંગણી છે.

આ બાર્જવાળા સંપૂર્ણ કાયદાનો ભંગ કરી પોતાની મરજી મુજબ જમીનો ઉપર દબાણ કરી પ્રદૂષણ ફેલાવે છે, દરિયાઈ વનસ્પતિને ગંભીર પ્રકારનું નુક્સાન પહોંચાડે છે, રાહદારીઓ તથા રહેણાંકવાળા વિસ્તારોને નુક્સાન કરતા હોય છે. આ તમામ સંપૂર્ણ ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ ચાલુ હોય, ઉપરાઉપર વધારો થાય છે અને ધાર્મિક લાગણી દુભાય છે ત્યારે આ બાર્જવાળાઓ પોતાની મરજી મુજબ ગેરકાયદેસર સરકારી કર્મચારીઓને લાભ આપીને પોતાનું ધાર્યું કરતા હોય, જે સંપૂર્ણ ગેરકાયદેસર સરકારી કર્મચારીઓને લાભ આપીને પોતાનું ધાર્યું કરતા હોય જે સંપૂર્ણ કાયદા વિરૂદ્ધ હોય, જેથી તાત્કાલિક આ જમીન ખાલી કરાવવા, દબાણ દૂર કરાવવા અને સમગ્ર સામે કાયદા મુજબની થતી તમામ કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

સિક્કા નગરપાલિકા દ્વારા તા. ૧-૬-ર૦રર ના બંદર સાઈડવાળાઓને નોટીસ મોકલેલ છે તે નોટીસની પણ આ ગેરકાયદે દબાણકારો દ્વારા કોઈ દરકાર કરેલ નથી અને કોઈને પણ જવાબ આપતા નથી કે દાદ દેતા નથી અને ખોટા પુરાવા આપે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh