Advertisement
Author: નોબત સમાચાર

પેટ્રોલ પંપો પર હાઈસ્પીડ ડીઝલ એક દિ'માં વધુમાં વધુ ર૦૦ લીટર જ મળશે

ઈંધણની સંગ્રહખોરી અટકાવવા કેન્દ્રનો નિર્ણય

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧રઃ કેન્દ્ર સરકારે ઈંધણની સંગ્રહખોરી અટકાવવાનો નિર્ણય લેતા હવે દરેક ગ્રાહકને ૧ દિવસમાં મહત્તમ ર૦૦ લીટર ડીઝલ જ મળશે.

મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ સંકટના કારણે ઊભા થયેલા ભયના માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે દેશમાં ઈંધણની સંગ્રહખોરી રોકવામાટે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ડીઝલની કોઈ અછત નથી, પરંતુ લોકોમાં ફેલાયેલા ડરનો સંગ્રહખોરો ફાયદો ન ઊઠાવે તે માટે આ કડક પગલું ભરવામાં આવ્યું છે. આ અંતર્ગત કેન્દ્ર સરકારે સામાન્ય પેટ્રોલ પંપો પર હાઈસ્પીડ ડીઝલના વેંચાણ પર મર્યાદા નક્કી કરી દીધી છે.

સરકાર દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા નવા આદેશ અનુસાર હવેથી કોઈપણ સામાન્ય ગ્રાહકને છૂટક પેટ્રોલ પંપ પરથી એક દિવસમાં મહત્તમ ર૦૦ લીટર ડીઝલ જ આપવામાં આવશે. એટલે કે કોઈપણ વ્યક્તિ એક દિવસમાં ર૦૦ લીટરથી વધુ ડીઝલ ખરીદી શકશે નહીં.

તાજેતરના દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ઈંધણની બિનજરૂરી વધારાની ખરીદી અને સ્ટોક જમા કરવાની આશંકાઓ જોવા મળી હતી. જો મોટી માત્રામાં ઈંધણની ખરીદી અને સંગ્રહખોરી પર નિયંત્રણ ન રાખવામાં આવે તો બજારમાં કૃત્રિમ અછત ઊભી થવાનો ખતરો વધી શકે તેમ હતો. આથી બજારમાં કાળાબજારી અને અનાવશ્યક ભંડારણ રોકવા તેમજ પેટ્રોલિયમ ઉત્પાદનોની સરળ ઉપલબ્ધતા જાળવી રાખવા સરકારે આ મર્યાદા નક્કી કરી છે.

નવા નિયમો મુજબ જે ગ્રાહકોને વ્યાવસાયિક કે ઔદ્યોગિક જરૂરિયાતો માટે મોટી માત્રામાં ઈંધણની જરૂર છે, તેઓ સામાન્ય રિટેલ પેટ્રોલ પંપ પરથી આ ખરીદી નહીં કરી શકે. આવા ગ્રાહકોએ પોતાની અધિકૃત સુવિધાઓ, નિર્ધારિત ડેપો અથવા સત્તાવાર પંપો પરથી જ ઈંધણ ખરીદવું પડશે, જેથી સામાન્ય ગ્રાહકો માટેના રિટેલ નેટવર્ક પર વધારાનું દબાણ ન આવે.

સરકારે સ્પષ્ટતા કરી છે કે આ કાયમી નિયમ નથી, પરંતુ એક અસ્થાયી વ્યવસ્થા છે, જે મહત્તમ ૯૦ દિવસ સુધી પ્રભાવી રહેશે. આગામી દિવસોમાં પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી આ આદેશમાં જરૂરી ફેરફાર કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારે તમામ ઓઈલ માર્કેટીંગ કંપનીઓ અને પેટ્રોલ પંપ સંચાલકોને આ નિયમનું કડકાઈથી પાલન કરવા આદેશ આપ્યો છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય ગ્રાહકો, વાહનવ્યવહાર સેવાઓ, કૃષિ ક્ષેત્ર અને અન્ય આવશ્યક સેવાઓ માટે ડીઝલનો પુરવઠો નિયમિત રાખવાનો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh