Advertisement
Author: નોબત સમાચાર

લોકસભાની ર૦ર૪ની ચૂંટણી પહેલા તમામ પાલિકા-મહાપાલિકા અને પંચાયતોના પદાધિકારીઓ બદલાશે

આઈએએસ અધિકારીઓનો ગંજીપો ચિપાયા પછી હવે જીએએસનો વારો?

અમદાવાદ/નવી દિલ્હી તા. ૧ઃ રાજ્ય સરકારે આઈએએસ અધિકારીઓની બદલી અને બઢતીનો ગંજીપો ચિપ્યા પછી હવે જીએએસ કેડરના અધિકારીઓની બદલીઓ પણ મોટા પાયે થશે. એટલું જ નહીં, રાજ્યમાં ભાજપ શાસિત જિલ્લા-તાલુકા પંચાયતો, નગરપાલિકાના પ્રમુખો તથા મહાનગરોમાં મેયરોને પણ આગામી લોકસભાની ચૂંટણી પહેલા બદલી નાંખે અને મોટા ઉલટફેર થાય, તેવા સંજોગો છે. બીજી તરફ કોંગ્રેસમાં પણ મોટા ઉલટફેર થવાની શક્યતાઓ જણાવાઈ રહી છે.

ગુજરાત અને રાષ્ટ્રીયકક્ષાએ મોટા ઉલટફેરની શક્યતાઓ જોવાઈ રહી છે. રાજ્ય સરકારે આઈએએસ અધિકારીઓનો ગંજીપો ચિપ્યો છે, અને હવે જીએએસ અધિકારીઓની મોટાપાયે બદલીઓ થઈ શકે છે, તેવી સંભાવનાઓ વચ્ચે રાજકીય ક્ષેત્રે પણ મોટી ઉથલપાથલો થાય, તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે, અને જામનગર સહિતની મહાનગરપાલિકાઓના મેયરો અન્ય હોદ્દેદારો, તાલુકા-જિલ્લા પંચાયતોના પ્રમુખો તથા હોદ્દેદારો અને નગરપાલિકા પરમુખો તથા હોદ્દેદારોની આખેઆખી ટીમો જ અધવચ્ચેથી બદલી નાખવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

એએફ ન્યુઝ એજન્સીના અહેવાલો મુજબ અધિકારી વર્ગોની બદલીઓનો દોર ચાલી રહ્યો છે, અને હવે પછી રાજકીય ક્ષેત્રે પણ મોટા ફેરફારો થવાના છે, તે તમામ કવાયતો આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાને રાખીને કરવામાં આવી રહી છે.

એજન્સીનો અહેવાલ વધુમાં જણાવે છે કે, જેવી રીતે રૃપાણી સરકારને વિદાય આપીને લગભગ આખી રાજ્ય સરકાર બદલી નાંખ્યા પછી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૧૮ર માંથી ૧પ૬ સીટો મળી, અભૂતપુર્વ સફળતાને ધ્યાને રાખીને આવો જ પ્રયોગ હવે લોકસભાની રાજ્યની દરેક બેઠકો જીતવા માટે વર્ષ ર૦ર૪ ની ચૂંટણી પહેલા ભાજપ કરશે તેવા સંકેતો છે.

આવું કરવા પાછળનું કારણ એવું છે કે, અત્યારે તમામ નગરો-મહાનગરો તથા મુખ્ય વિસ્તારોમાં ભાજપ શાસિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વ્યાપક એન્ટી-ઈન્કમ્બન્સી પ્રવર્તે છે. ગામડાઓમાં ખેડૂતો નારાજ છે, શહેરોમાં નાના-મધ્યમ વર્ગીય પરિવારોમાં આવેશ છે, જ્યારે રાજ્યભરમાં તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકા અને મનપામાં પણ લોકોના કામો થતા નથી અને વિધાનસભામાં પ્રચંડ બહુમતી મળ્યા પછી ભાજપના સ્થાનિક નેતાઓ હવે લોકો પ્રત્યે ઉદાસિન થઈ ગયા છે. આ એન્ટીઈન્કમ્બન્સી ખાળવા માટે હવે ભાજપ દ્વારા વિજય રૃપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને બેસાડ્યા હતાં, તેમ આ તમામ પદાધિકારીઓને બદલી નાખવામાં આવે, તેવી તૈયારીઓ ગુપ્ત રીતે થઈ રહી હોવાનું બહાર આવ્યું છે.

ભારતીય જનતા પક્ષ રાષ્ટ્રીય કક્ષાએ પણ આ જ ફોર્મ્યુલા અજમાવવા જઈ રહ્યો છે, અને કર્ણાટક પછી મધ્યપ્રદેશ-રાજસ્થાન વગેરે રાજ્યોમાં આગામી સમયમાં ચૂંટણીઓ થવાની છે, ત્યાં મુખ્યમંત્રીઓ અથવા આખુ મંત્રીમંડળ બદલીને ગુજરાત જેવો જ પ્રયોગ કરવા જઈ રહ્યો હોવાનું સૂત્રો જણાવે છે. આધારભૂત રીતે મળતી માહિતી મુજબ આ માટે દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાવા જઈ રહી છે.

બીજી તરફ કોંગ્રેસ પણ વર્ષ ર૦ર૪ ની ચૂંટણી માટે મૂળભૂત માળખું જ બદલી નાંખે તેવા સંકેતો છે. રાહુલ ગાંધીને ઉચ્ચ અદાલતોમાંથી રાહત મળે કે ન મળે, તો પણ નજીકના ભવિષ્યમાં મલ્લિકાર્જુન ખડગેના સ્થાને રાહુલ ગાંધીને ફરીથી કોંગ્રેસની કમાન સોંપાય અને પ્રિયંકા ગાંધી આગામી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનપદનો ચહેરો બને તેવી ગોઠવણો પણ થઈ રહી છે. એએફ ન્યુઝ એજન્સીના અહેવાલો મુજબ નવા નાણાકીય વર્ષથી રાજકીય ક્ષેત્રે મોટા ફેરફારો તોળાઈ રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh