Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૃપાલાએ મહાશ્રમદાનમાં જોડાઈને સફાઈ કરીઃ કામધેનુ ગૌશાળામાં ગાય પૂજન કર્યું
જામનગર તા. રઃ શ્રી ઉમિયા માતાજી મંદિર સીદસરમાં યોજાયેલા "બિલ્વપત્ર" ત્રિદિવસીય મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સમાજના ઉત્કર્ષ માટે કાર્યરત ઉમિયાધામ અભિનંદનને પાત્ર છે. વડાપ્રધાનના "એક દિવસ, એક કલાક શ્રમદાન'ના સંકલ્પને ચરિતાર્થ કરવા કટિબદ્ધ થઈએ, તેવો સંદેશ આપતા તેમણે કહ્યું હતું કે, શ્રદ્ધા-સેવા-સમર્પણને વરેલા પાટીદાર સમાજના નારી શક્તિને પ્રોત્સાહિત કરતા કાર્યક્રમો સરાહનીય છે.
ઉમિયા માતાજી મંદિર, સીદસરમાં યોજાયેલ *બિલ્વપત્ર* ત્રિદિવસીય મહોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ પાટીદાર સમાજના સભ્યોને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ ઉમિયા ધામની સમગ્ર કાર્ય પ્રણાલિની સરાહના કરી હતી અને કહ્યું હતું કે સમાજના ઉત્કર્ષ માટે કાર્યરત ઉમિયાધામ સંસ્થા અભિનંદનને પાત્ર છે. ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન આરંભાયેલા અને વર્ષભર ચાલુ રહેનારા સંસ્થાના સામાજિક વિકાસના કાર્યો ખૂબ સફળ થશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો, અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણ થકી જી-૨૦ સમિટનું સફળ આયોજન કરીને સમગ્ર વિશ્વને ભારતની શક્તિનો પરિચય કરાવ્યો છે ત્યારે વડાપ્રધાનના *એક દિવસ, એક કલાક શ્રમદાન*ના સંકલ્પને ચરિતાર્થ કરવા દેશના તમામ નાગરિકોએ કટિબદ્ધ થવું જોઈએ. અને રાષ્ટ્રપિતાના "સ્વચ્છતા ત્યાં પ્રભુતા" ના મંત્રને ચરિતાર્થ કરવો જોઈએ.
માં ઉમિયાના પ્રાગટ્યના ૧૨૫ વર્ષ નિમિત્તે વર્ષભર યોજાનારા ૧૨૫ આરોગ્ય કેમ્પ, ૧૨૫ બ્લડ ડોનેશન કેમ્પ, ૧૨૫ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદો, ૧૨૫ નારી શક્તિના કાર્યક્રમો, ૧૨૫ વૃક્ષારોપણના કાર્યક્રમો પાટીદાર સમાજની આગવી ઓળખ બની રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ આ તકે વ્યક્ત કર્યો હતો અને શ્રદ્ધા-સેવા-સમર્પણને વરેલા પાટીદાર સમાજના નારી શક્તિને પ્રોત્સાહિત કાર્ય કરતા કાર્યક્રમો સરાહનીય છે, તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
ઉમિયાધામ સંસ્થાના વિકાસ માટે રાજ્ય સરકારની શક્ય તમામ મદદની ખાતરી ઉચ્ચારતા તેઓએ ઉમિયાના સવાસો કાર રેલી અને સામાજિક સંમેલનમાં સહભાગી થવાની તક આપવા બદલ આયોજકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી અને તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવાયેલા નારી શક્તિ વંદન અધિનિયમ સમગ્ર સમાજમાં મહિલાઓની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો લાવવામાં સીમાચિન્હ રૂપ સાબિત થશે, તેવો વિશ્વાસ રજૂ કર્યો હતો.
આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી પુરૃષોત્તમભાઈ રૃપાલાએ બિલ્વપત્ર સમારોહમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સમાજના લોકોને સમાજિક જીવન જીવવા અને બદલાતા જતા યુગની સાથે દરેક સમાજને પોતાની પરંપરાઓ જાળવી રાખી આધુનિક યુગના રીત રિવાજો અપનાવી એકતા જાળવી રાખવાનો સામાજિક સંદેશો આપ્યો હતો. કેન્દ્રીય મંત્રી રૂપાલાએ સ્ત્રીઓને સમાજમાં પોતાનું યોગદાન આપવા અને દીકરીઓને અભ્યાસ કરવા અંગે પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો. મોટા પ્રમાણમાં ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થયા છે, તે બદલ કેન્દ્રીય મંત્રીએ ગુજરાત સરકાર તેમજ ખેડૂતોની પ્રશંસા કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રયાસોથી આ અભિગમ ન માત્ર ગુજરાતના, પર ંતુ દેશભરના ખેડૂતો અપનાવી રહ્યા છે. અને વિશ્વભરમાં ઓર્ગેનિક પ્રોડક્ટ્સની માંગ વધી છે. ખેડૂતો ખેતીમાં ક્રાંતિ સર્જી શકે તે માટે ભારત સરકારે નેનો યુરિયા ટેકનોલોજી વિકસાવી છે. જે માત્ર ગુજરાતમાં જ છે. તે બદલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેઓએ અભિનંદન પાઠવ્યા હતા.
આ મહોત્સવના અંતિમ દિવસે પાટીદાર સમાજ દ્વારા ૫૧ કારની એક એવી ૧૨૫ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતની વિવિધ જગ્યાઓ પરથી કુલ ૬૩૭૫ લોકોએ ઉમિયાધામમાં એકઠા થઈ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો, જે અંગેનું પ્રોવિઝનલ સર્ટિફિકેટ મુખ્યમંત્રીને આ પ્રસંગે અપાયું હતુ. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રિય મંત્રીશ્રી પુરુષોત્તમ રૂપાલાનું શાલ અને સ્મૃતિચિહ્ન એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.
સંસ્થાના ટ્રસ્ટી જગદીશભાઈ કોટડીયાએ સ્વાગત પ્રવચન કર્યા પછી મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. અગ્રણી જેરામભાઈ વાંસજાળીયા, જે. કે. પટેલ, મૌલેશ ઉકાણી, ચીમનભાઈ સાપરિયા વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. ઉમિયાધામ સંસ્થાને રૃા. ૫.૫૧ કરોડનું દાન કરનાર દાતા જીવણભાઈ ગોવાણીનું મુખ્યમંત્રીએ વિશેષ બહુમાન કર્યું હતું
આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનસમુદાયે છૂટાછેડા તથા અન્ન-જળનો બગાડ અટકાવવા, વ્યસન તથા સામાજિક બદિઓનો ત્યાગ કરવા તથા પ્રાકૃતિક કૃષિ અપનાવવાના શપથ ગ્રહણ કર્યા હતા. કેન્દ્રીય મંત્રી રૃપાલાએ ખેસ પહેરાવી દાતાઓનુ બહુમાન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર બી.એ. શાહ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ધારાસભ્યો સંજયભાઈ કોરડીયા, પ્રકાશભાઈ વરમોરા, અરવિંદભાઈ લાડાણી, કાંતિભાઈ અમૃતિયા, દાતાઓ, ટ્રસ્ટીઓ, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં પાટીદાર સમાજના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
સીદસરમાં મહાશ્રમદાનમાં જોડાયા કેન્દ્ર મંત્રી
મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિદસરમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણી અંતર્ગત એક તારીખ એક સૂત્ર હેઠળ પૂજ્ય બાપુને સ્વચ્છાંજલિના મહાશ્રમદાનના કાર્યક્રમમાં જોડાયા હતા. અને ગામના લોકોએ સાથે મળીને ઉમિયાધામ મંદિર પરિસર તથા ગ્રામપંચાયતની આજુબાજુ સફાઇ કરી કચરો એકત્રિત કર્યો હતો. અને સમગ્ર દેશવાસીઓને આ મહાશ્રમદાનના અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.
તેમણે આપણાં રાષ્ટ્રપિતા પૂજયશ્રી મહાત્મા ગાંધીજીએ સફાઇ પ્રત્યે લોકોમાં જાગૃતતા લાવવા અનેક પ્રયાસો કર્યા હતા.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ ગાંધીજીની જન્મજયંતી નિમિતે તેઓને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા માટે તા.૧ ઓકટોબરના રોજથી સમગ્ર દેશમાં એક તારીખ, એક કલાક મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક ગામડાઓમાં સવારના ૧૦ થી ૧૧ એક કલાક સુધી સફાઇ અભિયાન હાથ ધરાયું હતુંં. આજે જામનગર જિલ્લાના સીદસર ગામે લોકો સાથે આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને હું પણ મહાશ્રમદાનમાં સહભાગી થયો છું. મંત્રીએ શેરી વળાવી સજ્જ કરું... ગીત ગાઈને લોકોને સ્વચ્છતા અંગે સંદેશો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આપણા દેશમાં ૧૧ કરોડ ટોઇલેટ બનાવવામાં આવ્યા છે. ગાંધીજીના સફાઇ પ્રત્યેના વિચારોને અનુસરીને સફાઇ અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે. તેમજ લોકોને પણ નિયમિત રીતે પોતાનું ઘર, શેરી, ગામ સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.
આ અભિયાનમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન રબારી, જિલ્લા કલેકટર બી.એ.શાહ, અગ્રણીઓ ડો.વિમલભાઈ કગથરા, રમેશભાઈ મૂંગરા, ઉમિયામંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ અને પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયા, તાલુકા પંચાયતના પ્રમુખ, મહામંત્રી, પ્રાંત અધિકારી ગોવાણી, તાલુકા વિકાસ અધિકારી ભૂમિકાબેન, ગામના સરપંચ શ્રીમતી ઉષાબેન, અગ્રણીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી મહાશ્રમદાનમાં સહભાગી થયા હતા.
કામધેનુ ગૌશાળામાં ગૌ-પૂજનનો કાર્યક્રમ
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ સીદસર ગામે કામધેનુ ગૌશાળાની મુલાકાત લીધી હતી. મંત્રીએ ગૌશાળામાં ગૌપૂજન કર્યું હતું. અને ગૌશાળાની સ્વચ્છતા, જાળવણી અને સુવિધાઓની પ્રશંસા કરી સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. ગૌશાળામાં ૧૩૫ ગૌધનની હાલ સારસંભાળ રખાઈ રહી છે. મંત્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે સંગઠનના પ્રમુખ કૌશિકભાઈ રાબડિયા, ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જેરામભાઈ, ટ્રસ્ટી ગોવિંદભાઈ પટેલ, ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ ચીમનભાઈ સાપરિયા, ઉમિયાધામ મંદિર ટ્રસ્ટના અગ્રણીશ્રીઓ, અગ્રણી ડો. વિમલભાઈ કાગથરા, રમેશભાઈ મુંગરા, જિલ્લા ભાજપ મહામંત્રી, અધિકારીઓ તથા શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
હેલિપેડ પર મુખ્યમંત્રીનું સ્વાગત
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામજોધપુર તાલુકાના સિદસરમાં હેલિપેડ પર મુખ્યમંત્રીનું મહાનુભાવો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના સ્વાગતમાં જામનગર જિલ્લા કલેક્ટર બી.એ. શાહ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચિરાગ કાલરીયા દ્વારા સી.એમ.નું સ્વાગત
સીદસર ઉમિયાધામના મંદિરના સ્થાપક પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સ્વ. વિઠ્ઠલભાઈ કાલરીયાના પૌત્ર પાટીદાર અગ્રણી તથા કોંગી નેતા પૂર્વ ધારાસભ્ય ચિરાગ રમેશભાઈ કાલરીયાએ પણ સીદસરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત-સન્માન કરી શુભેચ્છા મુલાકાત લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial