Advertisement
Author: નોબત સમાચાર

કરવેરા ભરવા બધા તૈયાર છે, પણ સુખ-સુવિધાઓમાં સુધારા-વધારા ક્યારે?

રાત્રિ સફાઈ ઝુંબેશ આવકારદાયક પણ પછી શું?

જામનગરમાં રાત્રિ સફાઈ ઝુંબેશ શરૃ થઈ છે અને એકાંતરા સફાઈ થશે. આમાં 'મોટાભાગ'ના વિસ્તારોને આવરી લેવાની વાત થઈ છે, ત્યારે બાકી રહેતા 'નાના ભાગ'ના વિસ્તારોને લઈને પણ કટાક્ષ સાથે ચર્ચાઓ થઈ રહી છે.

આ ઝુંબેશ બે મહિના માટે આદરવામાં આવી છે, પરંતુ તે પછી ભલે ફોટા પડાવવા કે કાર્યક્રમો યોજવામાં આવે નહીં, પરંતુ શહેર સ્વચ્છ અને સુઘડ રહે તે માટે આ પ્રકારની કાયમી ઝુંબેશો ચાલતી રહેવી જોઈએ, ખરૃ ને?

આ વખતે વડાપ્રધાને 'સ્વચ્છતા એ જ સેવા'નો જે મંત્ર આપ્યો છે, તેનો અર્થ જ એવો થાય છે કે સ્વચ્છતા કાયમી ધોરણે જળવાવી જોઈએ- 'સેવા' હંમેશાં સાશ્વત હોય છે. તેને એકાદ-બે મહિનાની મર્યાદામાં બાંધી શકાય નહીં. તેમ પણ કહી શકાય.

પહેલી ઓક્ટોબરે સમગ્ર શહેરમાં એક સાથે સફાઈ કરાઈ અને બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. હવે દિલ પર હાથ રાખીને સંકલ્પ લઈએ કે સ્વચ્છતાને માત્ર એકાદ-બે દિવસ કે મહિના માટે નહીં, પરંતુ કાયમી ધોરણે અપનાવીશું.

જામનગરની મહાનગરપાલિકાએ ફરીથી કરવેરામાં રીબેટ યોજના જાહેર કરી છે અને વોટર ચાર્જીસ, મિલકત વેરો વગેરે કરવેરા એડવાન્સમાં ભરનારા નગરજનોને ૧૦ થી રપ ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત પણ થઈ છે. તે ઉપરાંત સોલાર ધરાવનાર ઘરો તથા સિનિયર સિટીઝનો, દિવ્યાંગો, વિધવા બહેનો, માજી સૈનિકો, સ્વતંત્રા સેનાનીઓ તથા શહીદોની વિધવા બહેનો-વૃદ્ધાશ્રમો અને દિવ્યાંગો વગેરે માટે ચાલતા આશ્રમોને પણ આ વિશેષ રીબેટ યોજનાનો લાભ મળશે, તેવી જાહેરાત થઈ છે. આ અંગે નગરજનોના પ્રત્યાઘાતો એવા છે કે લોકોને એડવાન્સ કરવેરા ભરી દેવામાં કોઈ કોઈ વાંધો નથી અને લાભ અપાય કે ન અપાય તો પણ ઘણાં લોકો એડવાન્સ કે રેગ્યુલર કરવેરા ભરે જછે. જે વેપારીઓને રાહત અપાઈ છે, તે વેપારીઓએ ઉહાપોહ છતાં કરવેરા ભરવાનો ઈન્કાર કર્યો નથી, પરંતુ ૪૦૦ ટકા જેટલા વધારા સામે લઈને જ અવાજ ઊઠાવ્યો હતો, તેની ચર્ચા પણ થઈ રહી છે.

નગરજનોના એકંદરે પ્રતિભાવો તથા પ્રત્યાઘાતોનું તારણ એવું નીકળે છે કે, મોટાભાગના લોકો કરવેરા પૂરેપૂરા અને નિયમિત ભરવા તૈયાર છે, પરંતુ સમગ્ર શહેરને આવરી લઈને તમામ પ્રકારની સુખ-સુવિધાઓમાં સુધારા-વધારા સતત થતા જ રહેવા જઈએ અને સાંપ્રત સમસ્યાઓ તદ્ન નાબુદ થવી જોઈએ. આ માટે નવા હોદ્દેદારોમાં ઉત્સાહ તો જણાય છે.

ગાંધીજીને હાલારની સ્વર્ણાંજલિ

જામનગર, ખંભાળિયા, દ્વારકા, ઓખા, ધ્રોળ, કાલાવડ, જામજોધપુર, રાવલ, સિક્કા, સહિતના શહેરો સહિત સમગ્ર હાલારમાં ગઈકાલે સ્વચ્છતા અભિયાનો ચાલ્યા અને તેમાં સરકારના મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યો સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની હોદ્દેદારો જોડાયા, અને આ રીતે ગાંધીજીને સ્વચ્છાંજલિ અર્પણ કરાઈ, તે સારી વાત છે, અને આ અભિયાનના મિશ્ર પ્રત્યાઘાતો પણ સામે આવી રહ્યા છે. આ સફાઈ અભિયાનો ચાલવા છતાં હજુ બધા સ્થળે સંપૂર્ણ સફાઈ થઈ નથી, તેવી હકીકતો ચર્ચામાં આવી, તો એક જ વોર્ડમાં સફાઈ અભિયાનો ચાલતા કેટલાક સ્થળે નિયમિત રીતે થતી સફાઈ પણ ગઈકાલે થઈ નહીં, તેવી ટીકા પણ થઈ. કેટલાક ચોક્કસ સ્થળોમાં લાંબા સમયથી થયેલા કચરાના ઢગલા, ગંદકી કે ઉકરડાઓ એમને એમ જ રહી ગયા હોવાની આલોચના પણ મીડિયા-સોશ્યલ મીડિયા-અખબારોના માધ્યમથી બહાર આવી. તેથી જ કહી શકાય કે આ પ્રકારના સ્વચ્છતા અભિયાનો માત્ર 'પ્રાસંગિક' નહીં, પરંતુ સ્થાયી (કાયમી) હોવા જોઈએ... ખરૃ કે નહીં?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh