Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓપરેશન સિંદૂરની જવલંત સફળતા પછી
જામનગર તા. ર૯: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતીય સેનાએ જડબાતડ જવાબ આપી ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનની હદમાં આવેલા આતંકવાદીઓના અડ્ડા નષ્ટ કરી દીધા... એકસો જેટલા આતંકીઓનો ખાત્મો કરી નાંખ્યો, જેમાં ચાર-પાંચ મોટા આતંકી આકાઓ પણ માર્યા ગયા.
ઓપરેશન સિંદૂરની આવી જવલંત સફળતા અને ભારતીય સેનાની અદ્ભુત કુનેહભરી કાર્યવાહીને સમગ્ર દેશવાસીઓએ ઉમંગભેર બિરદાવી છે.
જેમાં ભારતીય સેનાની બહાદુરીને બિરદાવવા ગુજરાત સહિત સમગ્ર દેશમાં તિરંગાયાત્રાઓ નીકળી, ખાસ કરીને ગુજરાતમાં તો દરેક મહાનગર, શહેર, ગામ, મહોલ્લામાં તિરંગા યાત્રા, સિંદૂર યાત્રાઓ નીકળતા દેશભક્તિનો અભૂતપૂર્વ માહોલ સર્જાયો હતો. તેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાતમાં બે દિવસનું રોકાણ થયું, તેમના ભવ્ય રોડ શો યોજાયા અને તેમની જનસભામાં આતંકવાદને મૂળિયાથી ઉખેડી ફેંકવાનો પડકાર વડાપ્રધાને ફેંક્યો છે. આમ અત્યારે તો ચારે તરફ ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાને મળેલી સફળતાને દેશવાસીઓ દિલથી વધાવી રહ્યા છે.
આ સંજોગોમાં જ ગુજરાતમાં વરસાદ, વાવાઝોડાની આગાહીઓ થઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં નુક્સાનકર્તા વરસાદ પણ પડ્યો છે, તો બીજી તરફ કોરોના વાયરસે ચિંતાજનક રીતે પુનઃ એન્ટ્રી કરી છે. દિન-પ્રતિદિન તેના કેસોની સંખ્યા વધી રહી છે, જો કે તંત્રના જણાવ્યા પ્રમાણે લોકોને ડરવાની નહીં પણ સાવચેત રહેવાની તાકીદ કરવામાં આવી છે. આમ છતાં કોરનાના અગાઉના અતિભયાનક સ્વરૂપના અનુભવતા કારણે ચિંતા પ્રવર્તે જ છે.
આવી સ્થિતિમાં ગુજરાતમાં તો વળી વિધાનસભાની બે બેઠકો માટે પેટાચૂંટણી યોજનાર છે. એટલું જ નહીં, સમગ્ર રાજ્યની અંદર ૮૩૦૦ થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર હોય, આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને રાજ્યમાં ચૂંટણીનો ગરમાવો પણ વર્તાઈ રહ્યો છે.
આ દરમિયાન ભાજપ તો હંમેશની જેમ ઈલેક્શન મોડમાં આવી ગયું છે. ભાજપના મોવડી મંડળ દ્વારા દિલ્હીથી આગામી દિવસોમાં દેશભરમાં 'જનસંપર્ક યાત્રાઓ કાઢવાનું ફરમાન થયું છે જેમાં ભાજપના સાંસદોએ ફરજિયાત ર૦-રપ કિ.મી.ની પદયાત્રા કરવાની, તેમની સાથે જે તે વિસ્તારના ધારાસભ્યો, મંત્રીઓ, ભાજપના હોદ્દેદારો, કોર્પોરેટરો, ચૂંટાયેલા સભ્ય પ્રતિનિધિઓ, કાર્યકરોએ ઘરે ઘરે જઈને સિંદૂરના ઘટનાક્રમ અંગે રજેરજની માહિતી આપવાની સૂચના આપવામાં આવી છે.'
આ જનસંપર્ક યાત્રા ભાજપની અર્થાત્ રાજકીય પક્ષની હશે, પણ ભાજપ સત્તાધારી પક્ષ હોવાથી સંભવતઃ આ યાત્રામાં કદાચ સરકારી તંત્રને પણ જોડવામાં આવે, કારણ કે આ પક્ષના પ્રચાર માટે નહીં, પણ દેશવાસીઓમાં જાગૃતિ અર્થેનું આયોજન છે. જો કે ગુજરાતમાં તો ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ગઈ હોવાથી રપ મી જૂન સુધી જનસંપર્ક યાત્રાઓ નહીં યોજી શકાય.
આમ જુઓ તો પહલગામમાં આતંકી હુમલો થયો ત્યારથી આ લખાય છે ત્યાં સુધી ટીવીની દરેક ન્યૂઝ ચેનલો, પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા પર ઓપરેશન સિંદૂરની કાર્યવાહી, તેના ફોટા, તેના વીડિયો સહિતની લગભગ તમામ બાબતો દર્શાવાઈ રહી છે. સેનાના સત્તાવાર પ્રવક્તાઓ દ્વારા તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે ત્યારે હવે ઘરે ઘરે જઈને ભાજપવાળા લોકોને કઈ વધારાની વિગતો આપે છે તે જોવાનું રહ્યું. અલબત્ત ઓપરેશન સિંદૂરની સફળતાના પ્રતીક રૂપે દરેક ઘરમાં સિંદૂરની ડબ્બી આપવામાં આવશે. એટલું જ નહીં, સિંદૂરના રોપાનું પણ વિતરણ કરવામાં આવનાર છે.
ભાજપની સ્ટાઈલ મુજબ આ જનસંપર્ક યાત્રાના માધ્યમથી ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓને ઘરે ઘરે મોકલવાનો ઈરાદો હોય શકે... અને બિહારમાં યોજાનાર ચૂંટણી પહેલા ભાજપનું નામ ઘરે ઘરે ગૂંજતુ કરવાનો અને ઓપરેશન સિંદૂરની સફળતા માટે ભારતીય સેના ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ત્વરિત કડક નિર્ણય વગેરેની વિગતો લોકો સમક્ષ રજૂ કરવાનો પણ ઈરાદો હોય શકે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દરેક આફતને અવસર બનાવી છે, તેમ આ બહાદુરીભર્યા કાર્યને તો સૂવર્ણ અવસર બનાવવાની તેમનામાં ગજબનાક સૂઝ છે જ...
બાકી... ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનની સેનાના ડ્રોન-મિસાઈલ તોડી પાડવા, પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓના અડ્ડા નેસ્તનાબૂદ કરવામાં સફળતા તો મળી જ છે, પણ હજી સુધી પુલવામા અને પહલગામમાં હત્યા કરનારા મૂળ આતંકીઓ પકડાયા નથી કે નથી માર્યા ગયા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial