Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નર, માદા, પાઠડા અને બચ્ચા સહિત સિંહોની વસ્તી ગણતરીના સત્તાવાર આંકડા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યા જાહેરઃ
ગાંધીનગર તા. ૨૧: ગુજરાતમાં સિંહની વસ્તીનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સત્તાવાર આંકડો જાહેર કર્યો છે તે મુજબ ગુજરાતમાં હાલ ૮૯૧ એશિયાઈ સિંહો નોંધાયા છે. વર્ષ ૨૦૨૦માં ગુજરાતમાં અંદાજે ૬૭૪ સિંહ હતા. વર્ષ ૨૦૨૫માં ૮૯૧ નોંધાયા છે. ૫ વર્ષમાં સિંહોની વસ્તીમાં ૨૧૭નો વધારો થયો છે.
ગુજરાતમાં ૧૧ મે થી ૧૩ મે વચ્ચે થઈ હતી એશિયાઈ સિંહોની વસ્તી ગણતરી હાથ ધરાઈ હતી. ગુજરાતની શાન ગણાતા એશિયાઈ સિંહોની વસ્તી ગણતરીનો ૧૬મો તબકકો પૂર્ણ થયો છે, આ ગણતરીએ રાજ્યના ૧૧ જિલ્લાઓના ૫૮ તાલુકાઓમાં ૩૫,૦૦૦ ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારને આવરી લીધો, જેમાં ૩,૨૫૪ લોકોની ટીમે અથાગ પ્રયાસો કરીને ૮૯૧ સિંહોની હાજરી નોંધી છે. આ આંકડો ગુજરાતના સિંહ સંરક્ષણના પ્રયાસોની સફળતાનું પ્રતીક છે અને રાજ્યના વન્યજીવ સંરક્ષણના ઈતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરે છે.
આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાના ૩૫ હજાર ચો.કિમી. વિસ્તારમાં 'ડાયરેક્ટ બીટ વેરીફીકેશન' પદ્ધતિથી કરવામાં આવ્યો હતો.
સરકારે '૧૬મી સિંહ વસ્તી ગણતરી - ૨૦૨૫'ના આંકડા જાહેર કર્યા હતા. ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીની કુલ સંખ્યા ૮૯૧ થઈ છે, જેમાં ૧૯૬ નર,૩૩૦ માદા, ૧૪૦ પાઠડા,૨૨૫ બચ્ચા નોંધાયા છે. છેલ્લે ૨૦૧૫માં થયેલી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા ૨૭%ના વધારા સાથે ૫૨૩ નોંધાઈ હતી.
કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા મેક ઈન ઇન્ડિયાના લોગોમાં એશિયાઇ સિંહ સ્થાન પામ્યો છે, ત્યારે વન વિભાગે પણ સિંહોના આશ્રયસ્થાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત ગત વર્ષથી સિંહોને વૈકલ્પિક આશ્રયસ્થાનરૂપે બરડા અભ્યારણ્યમાં વસાવવા તેનો વિકાસ કરવામાં આવી રહૃાો છે.
વન વિભાગ દ્વારા નિયમિત રીતે કરવામાં આવતી સિંહની વસ્તી અંદાજની કામગીરી, મૂલ્યાંકન અને સંરક્ષણના પરિણામે રાજ્યમાં ઉત્તરોત્તર સિંહની વસ્તીમાં વધારો થઈ રહૃાો છે. રાજ્યમાં સૌપ્રથમ વર્ષ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ ૧૯૯૫માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને કુલ ૩૦૪ જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ ૨૦૦૧માં કુલ ૩૨૭, વર્ષ ૨૦૦૫માં કુલ ૩૫૯, વર્ષ ૨૦૧૦માં કુલ ૪૧૧, વર્ષ ૨૦૧૫માં કુલ ૫૨૩ અને છેલ્લે વર્ષ ૨૦૨૦માં કુલ ૬૭૪ જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે.
એશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે 'ડાયરેક્ટ બીટ વેરીફીકેશન' ખુબ ઉપયોગી પદ્ધતિ છે. આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ ૧૦૦ ટકા ચોકસાઈ મળે છે તેમજ માનક ભૂલનો અવકાશ લગભગ શુન્ય રહે છે. ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તારો, રેવન્યુ વિસ્તારોમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે.
સમગ્ર વિસ્તારને રિજિયન, ઝોન, સબ ઝોન જેવા એકમોમાં વિભાજીત કરીને રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ, ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો, નિરીક્ષકો સહિત લગભગ ૩,૦૦૦ જેટલા સ્વયંસેવકો દ્વારા સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. તેમને સિંહોની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત પત્રકો અને તેમના સોંપાયેલ વિસ્તારોના નકશા આપવામાં આવ્યા હતા. આ પત્રકોમાં અવલોકનનો સમય, હિલચાલની દિશા, લિંગ, ઉંમર, શરીર પરના કોઈ અન્ય ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવી હતી.
સિંહોની વ્યક્તિગત ઓળખ કરવા માટે હાઈ રીઝોલ્યુશન કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. કેટલાક સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા છે, જેથી સિંહ તેમજ તેના ગ્રુપનું લોકેશન મેળવવામાં મદદ મળે છે. સિંહ અવલોકનના રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થાય તે માટે ઈ-ગુજફોરેસ્ટ એપ્લિકેશનનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જી.આઇ.એસ. સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા તથા સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial