Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉનાળાની અંગ દઝાડતી ગરમી અને ધોમધખતા તડકા વચ્ચે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં વરસાદ અને તોફાની પવનની આગાહીઓ થઈ રહી છે. આગામી આખુ અઠવાડીયુ વરસાદ પડશે અને ૨૨ તથા ૨૩મી મે ના ભારે વરસાદ પડશે, તેવી આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. આ કારણે જયાં જયાં વરસાદ વહેલો પડશે, ત્યાં ત્યાં પ્રિ-મોન્સુન કામગીરીને પણ માઠી અસર થશે, પરંતુ તે અંગે તંત્રને બહુ ચિન્તા-ફિકર હોય તેમ જણાતું નથી.
રાષ્ટ્રીય કક્ષાએ પણ આજે કેટલાક રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી થઈ છે, અને કેટલાક રાજ્યોમાં ભીષણ ગરમીની સંભાવના જણાવાઈ રહી છે, આ બળબળતા ઊનાળા વચ્ચે ભયંકર જીવલેણ આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે, તો બીજી તરફ વીજપુરવઠાની માંગ પણ વધી રહી છે, આમ ઋતુચક્રની બદલતી તાસીરના કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. બીજી તરફ ભારત-પાક. વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ તથા પુનઃ સરહદી સંઘર્ષની પ્રબળ સંભાવનાઓ વચ્ચે ચીન, તુર્કીયે અને બાંગ્લાદેશ જેવા પાકિસ્તાન પ્રેમી દેશો સામે ભારત સરકાર દ્વારા ઉઠાવાઈ રહેલા ડિપ્લોમેટિક એક્સન્સ ઉપરાંત લોકો તથા બિઝનેસ-એજ્યુકેશન-ટુરિઝમ સહીતનાં ક્ષેત્રો સાથે સંકળાયેલી સંસ્થાઓ, એસોસિએશનો, યુનિવર્સિટીઓ તથા સામાન્ય જનતા પણ આ ત્રણેય દેશોનો વ્યાપક બહિષ્કાર કરવાની ચળવળો પણ શરૂ થઈ ગઈ છે.
આ પ્રકારની ચળવળો આ પહેલા પણ ચીન સામે થઈ હતી, પરંતુ તે ખોખલી નિવડી અને ચીનનો બહિષ્કાર માત્ર ચીન સાથે સરહદી સંઘર્ષ હતો, ત્યાં સુધી જ થોડો -ઘણો સફળ રહ્યો હતો, પરંતુ તે પછી સરકાર દ્વારા એ સ્થિતિમાં ઉઠાવેલા કદમની સાતત્યતા ભૂલી ગઈ અને જનતા પણ ભૂલી ગઈ હતી. આ વખતે શરૂ થયેલો બહિષ્કાર હવે આતંકવાદ ખતમ ન થાય, પાકિસ્તાન પરાસ્ત ન થાય, પી.ઓ.કે. પાછું ન મળે અને ચીનની શાન પણ ઠેકાણે ન આવે ત્યાં સુધી ચાલતો જ રહે, તો જ આ પ્રકારની ચળવળો યથાર્થ ઠરે, અન્યથા જોસેફ ફેઈમ પ્રોપાગન્ડા જ પુરવાર થશે. હવે તુર્કીયે સાથે સંકળાયેલા કેટલાક ગુજરાત સહિત પ્રોજેકટો તથા કરારો પણ રદ્દ કરવા જ પડે ને ?
આપણા દેશમાં પણ ઘણાં ગદ્દારો મોજુદ છે, જેને ભારતીય સેનાના વિજયી પરાક્રમો કે પાકિસ્તાનની ઓપરેશન સિંદૂરમાં થયેલી બરબાદીમાં મજા નથી આવતી, પરંતુ દેશવિરોધી પ્રચાર અને પ્રવૃત્તિઓ વધુ પસંદ આવે છે. કેટલાક ગદ્દારો તો પકડાયા પણ છે, તાજેતરમાં જ ઝડપાયેલી પાક.ની જાસુસી સંસ્થા આઈ.એસ.આઈ.ની જાસુસ ગણાતી જયોતિ મલ્હોત્રા તથા શાહજાદ નામનો શખ્સ તેનું તાજુું દૃષ્ટાંત છે. જો કે, આ બન્નેની તપાસ ચાલી રહી છે, અને અદાલતે જયોતિ મલ્હોત્રાને રિમાન્ડ આપ્યા પછી પોલીસ પુછપરછ કરી રહી છે, તેથી આ કિસ્સો અત્યારે અન્ડર ઈન્વેસ્ટીગેશન ગણાય.
પોલીસ તપાસ પૂરી થયા પછી જો આક્ષેપો સાચા પુરવાર થશે, તો આ બન્ને શંકાસ્પદોને કાયદો તો અદાલતી કાર્યવાહી કર્યા પછી સજા કરશે જ, પરંતુ આ પ્યાદાઓની પાછળ રહેલા સીમાપારના કાવતરાખોરો નાબૂદ નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાનના જાસૂસો, પાક પ્રેરિત આતંકવાદીઓ તથા સ્લીપર સેલ્સના સ્વરૂપમાં આપણા જ દેશમાં રહીને દુશ્મનને મદદ કરતા ગદ્દારો ગાંડા બાવળની જેમ વધતા જ રહેવાના છે, તેથી ઓપરેશન સિંંદૂર હેઠળ સીમાપાર આક્રમણ કરીને આતંકી પર પ્રહાર કરવા અને તેને પ્રેરણા અને ખુલ્લેઆમ સમર્થન આપતી પાકિસ્તાનની શાન ઠેકાણે લાવવાની જરૂર છે, અને તેમાં અમેરિકા કે કોઈપણ ત્રીજા દેશનો હસ્તક્ષેપ હવે દેશની જનતા પણ સ્વીકારે તેમ નથી.
દુનિયામાં શાંતિ ફેલાવવાની ડંફાસો મારતા ટ્રમ્પ રશિયા-યુક્રેન વચ્ચે સમાધાન કરાવવાના ફાંકા મારતા હતા પરંતુ, પુતિને ભાવ આપ્યો નહીં, અને યુક્રેન પર નવેસરથી હૂમલો કરી દીધો. અમેરિકાનું પાક્કું દોસ્ત ગણાતુ ઈઝરાયેલ ગાઝાપટ્ટી પર સતત હૂમલા કરી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ ગમે ત્યારે સંગ્રામ શરૂ થઈ શકે તેવી સ્થિતિ છે, તેથી એક તરફ તો વિશ્વયુદ્ધ થઈ જાય, તેવી ભયંકર અને ડરામણી સ્થિતિ ઊભી થઈ રહી છે, તો બીજી તરફ "ટ્રેડ ટ્રેડ" કરતા ટ્રમ્પે શરૂ કરેલા ટેરિફવોરના કારણે વૈશ્વિક માર્કેટ તથા અનેક દેશોમાં અર્થતંત્ર (અમેરિકા અને ચીન સહિતના) પણ ડગમગવા લાગ્યા છે, તેથી આખું વિશ્વ બરબાદી તરફ ઢસડાઈ રહ્યું હોય તેમ જણાય છે.
આપણો દેશ આતંકવાદ સામે એકજૂથ છે, અને પાકિસ્તાનને પછાડીને હવે પી.ઓ.કે. પાછું લેવું જોઈએ તથા પાકિસ્તાનથી આઝાદ થવા ઈચ્છતા બલુચિસ્તાન ઉપરાંત બાલ્ટિસ્તાન અને ગિલગીટ સહિતનાં પ્રદેશોને મદદ કરીને પાકિસ્તાનના પાંચ ટૂકડા કરી નાખવા જોઈએ, તેવી જનભાવનાઓ ઉછળી રહી છે, તો બીજી તરફ ઓપરેશન સિંંદૂરના પ્રથમ તબક્કાની સફળતા પછી તેનો યશ લેવાની હોડ લાગી છે. આપણા દેશની ગરિમા ઝળહળતી રહે, તે માટે અત્યારે શાસકપક્ષ અને વિપક્ષોની સાત ટીમો વિદેશ જઈ રહી છે તે સારી વાત છે પરંતુ તેમાં પણ આંતરિક રાજનીતિના ખેલ ચાલી રહ્યા હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે. બીજી તરફ પાકિસ્તાનના પી.એમ. શાહબાઝ અને તેની સરકાર પણ જાણે ભારતની નકલ કરતી હોય તેમ વિશ્વ સમુદાય સમક્ષ જવાની છે.
આપણા દેશમાંથી વિદેશી જાસૂસો પકડાતા હોય, આઈ.એસ.આઈ.ના આતંકીઓ દબોચાતા હોય અને હૈદ્રાબાદમાં આતંકી હૂમલા કરવાના કાવતરાખોરો ઝડપાતા હોય, તો તે એક તરફ તો આપણી ચૂસ્ત-દૂરસ્ત સુરક્ષા વ્યવસ્થાને પુરવાર કરે છે, તો બીજી તરફ એવો સંકેત પણ આપે છે કે આપણે જરા પણ ગાફેલ રાખવું પોસાય તેમ નથી, કારણ કે દેશમાં જ પાકિસ્તાન પ્રેમીઓ તથા ચીનના ચાહકો પણ ઓછા નથી !
કેન્દ્ર સરકારે પણ એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી કે અત્યારે આખો દેશ એકજૂથ થયો છે તે રાજકીય રીતે શાસકપક્ષ કે ગઠબંધનના સમર્થનમાં છે, પછી અત્યારે આખો દેશ આતંકવાદ અને દુશ્મન દેશો સાથે એકજૂથ થયો છે, અને તે માટે સરકાર દ્વારા લેવાતા નિર્ણયો અને ભારતની બહાદૂર સેનાની પાસે અડીખમ ઊભો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial