Advertisement
Author: નોબત સમાચાર

ઈટ્રા પરિસરમાં આવેલ ઔષધિય વૃક્ષો પોતાના વિશેના માહિતીસભર કયુ.આર. કોડથી સજ્જ

જામનગરમાં આયુર્વેદ સાથે ટેકનોલોજીનો સંગમઃ

                                                                                                                                                                                                      

છોડમાં રણછોડ છે એ સૌ જાણે છે, પરંતુ કયા છોડમાં? શું ઔષધ છે? તે જાણવું હોય તો કોઇ ઔષધિના કે વનસ્પતિશાસ્ત્રના જાણકારની આવશ્યકતા રહે! પણ હવે કોઇપણ વ્યક્તિ ફક્ત એક મોબાઇલના સથવારે આ જાણી શકે તેવું શક્ય બન્યું છે જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન ઇટ્રા ખાતે. વર્તમાન ટેક્નોલોજીના યુગમાં આધુનિક ઉપ્લબ્ધી, આયુર્વેદ વિજ્ઞાન અને વનસ્પતિશાસ્ત્રના સંગમથી પ્રત્યેક વૃક્ષ-છોડ પર ક્યુ.આર.કોડ લગાવવામાં આવી રહૃાાં છે, જેથી ઉત્સુકો તેની ઓળખ મેળવી તેના વિષેની સંપૂર્ણ માહિતી ફક્ત પોતાના મોબાઇલ દ્વારા મેળવી શકશે.

આઇ.ટી.આર.એ.ના ડાયરેક્ટર પ્રો. ડો. તનુજા નેસરી જણાવે છે કે, આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિમાં ઔષધિયુક્ત વૃક્ષ-છોડનું અનેરૂ મહત્વ છે અને જામનગરમાં ઇટ્રા પરિસર ખાતે તેમજ સસોઇ ડેમ પાસે આવેલાં બોટાનિકલ ગાર્ડનમાં ભરપૂર માત્રામાં તેની હયાતી છે. લોકસ્વાસ્થ્ય માટે તેનો ઉપયોગ તો કરવામાં આવે જ છે પરંતું લોકો અને અભ્યાસુઓ તેને ઓળખે અને તેના વિષે જાણે તે માટે અમે તમામ વૃક્ષ અને છોડ પર ક્યુ.આર. કોડની પ્લેટ લગાવવાનું નૂતન કાર્ય શરૂ કર્યુ.

અત્યાર સુધીમાં કુલ ૯૦૦થી વધુ પ્લેટ ૧૫૦ જેટલા વિવિધ વૃક્ષ-છોડ પર લગાવવામાં આવી છે અને ટૂંકા ગાળામાં તમામ વૃક્ષ-છોડ પર લગાવવામાં આવશે.

વૃક્ષ-છોડ પર લગાવાયેલાં ક્યુ.આર. કોડ મોબાઇલમાં સ્કેન કરતાની સાથે તેની સંપૂર્ણ માહિતી હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ બનશે. વધુમાં વિશ્વભરમાં થતી તેની બોટાનિકલ નામની ઓળખ, પરિચય, મેડિકલ ક્ષેત્રમાં થતો વપરાશ, શ્લોક સહિત ક્લાસિકલ રેફરન્સ, બોટાનિકલ ડિસ્ક્રિપ્શન, નોમેનક્લેચર અને તેમાંથી પ્રાપ્ય મેડિશ્નલ પ્રોપર્ટી સહિતની માહિતી ફક્ત આંગળીના ટેરવે ઉપલબ્ધ થાય છે.

ફક્ત ૧૫ દિવસના ટૂંકાગાળાની અંદર બોટાનિકલ-દ્ર્વ્યગુણ વિભાગના વડા વૈદ્ય પ્રોફેસર ભૂપેશ પટેલના માર્ગદર્શન હેઠળ ૩૦ જેટલાં એમ.ડી., એમ.ફાર્મ. અને પી.એચડીના વિદ્યાર્થીઓએ આ કાર્ય પાર પાડ્યું છે. આયુર્વેદના ગ્રંથોમાં ઉલ્લેખાયેલા ઔષધિય છોડ-વૃક્ષની સંદર્ભ આધારિત માહિતીને સંકલન કરી, ઇટ્રા અને સસોઇ ડેમ બોટાનિકલ ગાર્ડન પરિસરમાં વૃક્ષ-છોડની વિગતો-ઓળખ મેળવી આ સમગ્ર કામગિરી કરવામાં આવી હતી. ઔષધિય વૃક્ષ-છોડની તસ્વીરો મેળવી તેની સંપોર્ણ-સચોટ માહિતી એકત્ર કરી આ તમામનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું અને ત્યારબાદ તેનો ક્વિક રિસ્પોન્સ (ક્યુ.આર.) કોડ તૈયાર કરી તમામ વૃક્ષ-છોડ પર લગાવવામાં આવ્યો.

હજૂ પણ ૮૦ થી ૧૦૦ પ્રાકારના વૃક્ષ-છોડને આ મુજબ ક્યુ.આર.એ કોડ લગાવવામાં આવશે. વૈદ્ય પ્રોફેસર ભૂપેશ પટેલ આ સંદર્ભમાં કહે છે કે આમ થવાથી લોકો પ્રચૂર માત્રામાં માહિતી-વિગતો પ્રાપ્ત કરી શકશે જેથી ઔષધિય વૃક્ષ-છોડ પ્રત્યે તેની જાગૃતિ અને તાદાત્મિયતામાં વધારો થશે. પરંતુ એક વાતનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે કે લોકોએ તેનો જાતે તબિબિ ઉપયોગ કોઇ પણ સંજોગોમાં કરવો નહીં જેમ કે ગળો એ ઉધરશ માટે અકશિર છે, પરંતુ ચોમાસાની ઋતુમાં ઉપયોગથી મોટી મુસિબત નોતરી શકે છે માટે તબિબની સલાહ મુજબ જ ચાલવું હિતાવહ છે!

આજે જ્યારે વિશ્વભરમાં વૃક્ષ-છોડનું નિકંદન થવાથી જે ગ્લોબલવોર્મિંગ અને અન્ય અણધારી આફતો આવી પડી છે ત્યારે રાષ્ટ્રના વડાપ્રધાન દ્વારા હરિયાળો દેશ અને 'એક પેડ માં કે નામ' જેવા પ્રકલ્પો માટે વૃક્ષ પર ક્યુ.આર. કોડ લગાવવાથી જાગૃતિ અને જાણકારીના સંગમની સાથે વૃક્ષો પોતાનું મહત્વ જાતે બોલે સાથોસાથ તેને ન કાપવા જોઇએ તેવો વૃક્ષ-છોડનો પાર્યાવરણીય અંતરનાદ મનુષ્યના કાને પડઘાય તેવી અપેક્ષા રાખવી યોગ્ય ગણાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh