Advertisement
Author: નોબત સમાચાર

શહેરની ફૂટપાથો ગાયબ... પાર્કિંગના પટ્ટાની અંદર દબાણકર્તાઓની બિંદાસ દાદાગીરી!

જામનગરના મનપા તંત્રના ભ્રષ્ટ શાસનમાં

જામનગરના હાલના રસ્તાઓ હવે વધારે પહોળા થઈ શકે તેવી શક્યતા દેખાતી નથી. વાહનોની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. આવી સ્થિતિમાં અમુક વેપારીઓ પોતાના ધંધાની જાહેરાત અર્થે વાહન પાર્ક કરવાની જગ્યાએ પ્લાસ્ટિકના બોક્સ મૂકી તેના ઉપર પૂતળા ઊભા રાખીને જાહેર માર્ગને વધારે સાંકડા બનાવવામાં કારણભૂત બની રહ્યા છે.

આપણા શહેરની ફૂટપાથો ઉપર તો આમેય બાયસિકલો, ફર્નિચર, ખાણીપીણીના લારી-ગલ્લાવાળાઓએ પોતાનો હક્ક હોય તેમ કબજો જમાવી દીધો છે. તેમાં બાકી રહી જતું હોય તેમ હવે વાહન પાર્કિંગ કરવાની સમસ્યાથી ત્રસ્ત વાહનચાલકો માટેની સત્તાવાળાઓ દ્વારા જાહેર માર્ગની બન્ને સાઈડમાં પીળા રંગના પટ્ટા દોરેલી જગ્યામાં પૂતળા ઊભા રાખીને સમસ્યાને ઔર વકરાવી રહ્યા છે.

ભૂલેચૂકે પણ કોઈ વાહનચાલક પોતાનું વાહન જરાક પણ પીળા રંગના પટ્ટાની બહાર રાખી દે તો 'ટોઈંગ કરવાવાળા' તો ગમે ત્યાંથી પ્રગટ થઈ જાય છે. વાહન સીધું જ હેડકવાર્ટરમાં અને ચાંદલો લટકામાં! રસ્તા ઉપર પૂતળા ઊભા રાખનારા ધંધાર્થીઓને કશું પણ નહીં. આવી વેદના જામનગર રીટેલ વેપારી મહામંડળના પ્રમુખ શશીકાંત મશરૂ સહિત અનેક નાગરિકોએ વ્યક્ત કરી છે.

જામનગરમાં ફૂટપાથો ઉપર અને પાર્કિંગની જગ્યામાં લગભગ તમામ સથળે કોઈને કોઈ દબાણો છે. જેના તસ્વીરો સાથેના અહેવાલો અખબારોમાં નીયમિત પ્રસીદ્ધ કરી પ્રજાની પીડા પ્રદર્શિત કરવામાં આવે છે. મનપા તંત્રને ઢંઢોળવામાં આવે છે, પણ ભ્રષ્ટાચાર/હપ્તાખોરીના પડદાથી મનપા તંત્ર અને શાસકોના આંખો-મોઢા બંધ કરી દેવાયા હોય તેમ લાગે છે.

અહીં માત્ર બે કે ત્રણ ઉદાહરણો પ્રસ્તુત છે. ખાદીભંડાર સામે રણજીત રોડ પર આવેલ સાયકલ સ્ટોરવાળા ફૂટપાથ અને પાર્કિંગની જગ્યામાં સવારે દુકાન ખોલી પ૦-૬૦ સાયકલો 'ડીસપ્લે'ના બહાને બહાર રાત્રિ સુધી ખડકી દ્યે છે. કહેવાય છે કે આ દુકાનવાળાઓ મનપાના વિભાગને દરરોજ મોટી રકમનો હપ્તો ચૂકવે છે.

આવી જ હાલત ત્રણબત્તીથી બેડીગેઈટ સુધીના માર્ગની છે. જ્યાં સ્ટેટ બેંકની સામે પાર્કીંગની જગ્યામાં એક માથાભારે શખ્સ દ્વારા ખુલ્લેઆમ ગંજી-જાંગિયાના પથારા કરી રીતસર અતિ વ્યસ્ત રસ્તા પર મોટું દબાણ કરી 'કોલર ઊંચા કરી' બિન્દાસ્તપણે ધંધો કરે છે. મનપા તંત્ર આ શખ્સને હાથ પણ અડાડી શક્યું નથી! (હપ્તાખોરી!) એટલું જ નહીં, આ જ માર્ગ ઉપર સ્ટેટ બેંકની લાઈનમાં જ સવારથી રાત્રિ સુધી ફ્રૂટવાળા છેક કે.વી. રોડની ગોલાઈ સુધી રસ્તા વચ્ચે દબાણો કરી ઉભા રહે છે. જેથી અવારનવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે. અકસ્માતનો ભય રહે છે.

એક વધુ વરવું ઉદાહરણ દિ. પ્લોટ વિસ્તારમાં ઓશવાળ હોસ્પિટલ આસપાસ સતત ટ્રાફિક રહે છે. પાર્કિંગની સમસ્યા છે ત્યાં દુકાનદારો અને પેથોલોજિકલ લેબોરેટરીની ફૂટપાથ ઉપર લગભગ ર૪ કલાક ચાવાળાનો માંચડો અને મોટાપાયે દબાણ કરાયું છે. જ્યાં ચા-પીવાળાની ભીડ, વાહનોના ખડકલાના કારણે લોકો દુકાનોમાં જઈ શકતા નથી કે દર્દીઓ લેબોરેટીમાં જઈ શકતા નથી.  આ દબાણ અંગે તો ચોંકાવનારી બાબત ચર્ચાઈ રહી છે તે પ્રમાણે આ ચા-નો ધંધાર્થી દરરોજ ૬૦૦-૮૦૦ નો હપ્તો ચૂકવે છે! આસપાસના નાના ધંધાર્થી અને અન્ય દબાણકર્તાઓ દ્વારા પણ ર૦૦ થી ૩૦૦ જેવા દૈનિક હપ્તાની ગોઠવણ થઈ હોવાથી દબાણો હટાવાતા નથી અને લોકો પરેશાનીનો ભોગ બની રહ્યા છે.

મનપા તંત્ર ભલે પીળા પટ્ટા દોરે, પણ પીળા પટ્ટાની અંદરની પાર્કિંગ માટેની જગ્યા વાહનોને મર્જ કરવા માટે ખુલ્લી રહે, ફૂટપાથો પર પૂતળા કે ચીજવસ્તુઓ, ડીસ્પલેના ખડકલા ન થાય તે માટે કાયમી ધોરણે ઉકેલ આવે તેવી કડકમાં કડ કાર્યવાહી કરવાની જરૂર છે. નહીંતર આવા હપ્તા ચૂકવી બિન્દાસ દબાણકર્તાઓની દાદાગીરી ચાલુ રહેશે અને નિર્દોષ ટુ-વ્હીલરવાળા મધ્યમ વર્ગના લોકો ટોઈંગ અને દંડનો શિકાર બનતા રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh