Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કાલે ભૂપેન્દ્રભાઈ પસાર થવાના છે, તે માર્ગોની રાતોરાત કાયાપલટઃ તંત્રો ઉંધા માથે

રાજયના મુખ્યમંત્રીને સત્કારવા થનગનતુ નગરઃ તડામાર તૈયારી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગમન પહેલાં જામનગર શહેરના અનેક વિસ્તારો અને માર્ગોની ભારે કાયા પલટ થઈ રહી છે અને મહાનગરપાલિકાનું તંત્ર ઉંધા માથે છે. મુખ્યમંત્રીના સમગ્ર રૃટ પર ચો-તરફ કલરકામ થયુ છે. ડામરના રોડ અદ્યતન બન્યા છે અને સ્પીડ બ્રેકર ગાયબ થઈ ગયા છે. રેકડીના જંગલો પણ સાફ થઈ ગયા છે.

જામનગર શહેરની મુલાકાતે આવતીકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પ્રવાસ કાર્યક્રમ છે, ત્યારે મુખ્યમંત્રીના આગમનથી લઈને તેઓના રોકાણ સુધીના તમામ રૃટ પર જામનગર મહાનગરપાલિકાનું તંત્ર ઊંધા માથે થઈને કામે લાગ્યું છે, અને સમગ્ર રોડ રસ્તા પર નવા કલર કામ કરીને સાફ સુથરા અને ચમકતા ચોખ્ખા ચણક બનાવાઈ રહૃાા છે.

જામનગરના એરપોર્ટથી લઈને ટાઉનહોલ સુધીના માર્ગે, ઉપરાંત સંભવિત કાર્યક્રમને અનુરૃપ સરૃ સેક્શન રોડ, કલેક્ટર કચેરી, તેમજ જામનગરના ગુલાબનગર સહિતના રોડ પર યુદ્ધના ધોરણે દિવસ અને રાત સાફ-સફાઈની કામગીરી ચાલી રહી છે. જેના માટે જામનગર મહાનગરપાલિકાનું સમગ્ર તંત્ર ઊંધા માથે થયું છે.

ગૌરવ પથ માર્ગ પરની રેલિંગ તાત્કાલિક અસરથી વિકાસ કાર્યો થતા તૂટી ગઈ હોય, ત્યાં નવા સાંધા મારીને ઉપરથી રંગ રોગાન કરી દેવામાં આવી રહૃાું છે, અને જ્યાં રોડ પર ખાડા ખડબા હોય, અને નગરની પ્રજા રોજ ટીચાતી હોય ત્યાં ડામર પાથરીને નવા રોડ રસ્તા ઉભા કરી દેવાય છે. જ્યારે ક્યાંક નડતર રૃપ સ્પીડબ્રેકરોને ગાયબ કરી દેવામાં આવ્યા છે, અને તાત્કાલિક અસરથી ડામર પાથરીને ઇમરજન્સી પેવર રોડ પણ બની રહૃાા છે.

 મુખ્યમંત્રીના રૃટ વાળા માર્ગે ગઈકાલથી એક પણ પ્રકારનું જાહેરાતનું હોર્ડિંગ, બોર્ડ વગેરેના દબાણો હટી ગયા છે, અને સમગ્ર માર્ગ ખુલ્લો બન્યો છે. ઉપરાંત જામનગર મહાનગર પાલિકાના ચુંટાયેલા પદાધિકારીઓ અને કેટલાક સ્ટાફ વગેરેની ભલામણને લઈને જાહેર માર્ગો પર અનેક સ્થળે રેકડી- કેબીન પથારા, મંડપ સામિયાણા વગેરે ખડકાયેલા રહે છે, પરંતુ મુખ્ય મંત્રીના આગમનને પગલે આવા તમામ દબાણો તાત્કાલિક અસરથી દૂર કરાવી દઇ સમગ્ર રસ્તા ને સાફ સુથરા બનાવી દેવાયા છે. આડેધડ પાર્ક કરવામાં આવેલા વાહનો પણ ઉઠાવી લઈ રસ્તો ખુલ્લો બનાવ્યો છે. કે જાણે નગરજનો માટે નવી સુવિધા પ્રાપ્ત બની ગઈ હોય, અને રેકડી વગેરેના જંગલોથી પણ મુક્તિ મળી રહી છે.

 જામનગર શહેરમાં  સમયાંતરે વીઆઇપીઓનું આગમન થતું હોય છે, ત્યારે ત્યારે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આવી હંગામી સાફ સફાઈ કરવામાં આવે છે, અને ટૂંકા સમય માટે નગરજનોને પણ આવી બધી સુવિધાનો લાભ મળે છે. જેથી રાજ્યના મુખ્યમંત્રીના પ્રવાસ કાર્યક્રમને પણ શહેરીજનો સહર્ષ આવકાર આપી રહૃાા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh