Advertisement
Author: નોબત સમાચાર

કાશ્મીરમાં દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજનું તિરંગો લહેરાવી વડાપ્રધાને કર્યું ઉદ્દઘાટન

ભારતીય રેલવે માટે એક ગૌરવપૂર્ણ ઉ૫લબ્ધિ સમો આ પુલ આર્કિટેક્ચરલ અજાયબી છે, જે નદીની સપાટીથી ૩૫૯ મીટર ઊંચો છે

                                                                                                                                                                                                      

જમ્મુ તા. ૬ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા ચીનાબ રેલવે બ્રિજનું તિરંગો લહેરાવી ઉદ્દઘાટન અને એન્જિનમાં બેસીને કેબલ સ્ટે અંજી બ્રિજનું ઉદ્દઘાટન કર્યું હતું, અને કાશ્મીરમાંથી આતંકવાદ અને તેને પોષનારા પાકિસ્તાનને ચિમકી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે જમ્મુમાં ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે આર્ચ બ્રિજનું તિરંગો લહેરાવીને ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેઓ રેલવે અધિકારીઓ અને બ્રિજ બાંધકામ કામદારોને મળ્યા અને શ્રમિકો સાથે સંવાદ પણ કર્યો હતો.

તેઓ એન્જિનમાં બેસીને ચિનાબ આર્ચ બ્રિજથી કેબલ સ્ટે અંજી બ્રિજ પર પહોંચ્યા હતા, જયાં તેમણે અંજી બ્રિજનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

આ પછી પીએમ કટરા રેલવે સ્ટેશન પહોંચ્યા અને કાશ્મીરને દેશના બાકીના ભાગ સાથે જોડતી કટરા-શ્રીનગર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ઉપરાંત ૪૬ હજાર કરોડ રૃપિયાથી વધુના અન્ય વિકાસ પ્રોજેકટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યા પછી તેઓએ કટરા સ્ટેડિયમમાં જાહેર સભાને સંબોધી હતી, અને તે દરમિયાન ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને આતંકવાદીઓ અને તેનો પોષનારા પાકિસ્તાનનો ગર્ભિત ચિમકી આપતા કહ્યુ હતું કે જો પાકિસ્તાન આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ નહી કરાવે, તો ભારત ચૂપ નહીં બેસે.

આ ઐતિહાસિક પળ ભારતીય રેલવે માટે એક મોટી ઉપલબ્ધિ છે. ઉદ્ઘાટન અને નિરીક્ષણ પછી વડાપ્રધાન મોદીએ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહ સાથે મુલાકાત કરી હતી.

વડાપ્રધાન મોદીએ ચેનાબ બ્રિજની સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં અન્ય ઘણા રેલવે પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કર્યું. તેમણે ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (યુએસબીઆરએલ) પર કટરાથી શ્રીનગર સુધીની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલીઝંડી બતાવી. આ ૨૭૨ કિલોમીટર લાંબો પ્રોજેક્ટ ૪૩,૭૮૦ કરોડ રૃપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે, જેમાં ૧૧૯ કિલોમીટર લાંબી ૩૬ સુરંગો અને ૯૪૩ પુલનો સમાવેશ થાય છે.

આર્કિટેક્ચરલ અજાયબી સમા ચેનાબ રેલવે બ્રિજ નદીની સપાટીથી ૩૫૯ મીટરની ઊંચાઈ પર સ્થિત છે, જે તેને વિશ્વનો સૌથી ઊંચો રેલવે કમાન પુલ બનાવે છે. આ ૧,૩૧૫ મીટર લાંબો સ્ટીલ આર્ચ બ્રિજ ધરતીકંપ અને પવનની તીવ્ર પરિસ્થિતિઓનો સામનો કરવા માટે વિશિષ્ટ રીતે એન્જિનિયર કરવામાં આવ્યો છે. આ પુલનો એક મુખ્ય પ્રભાવ જમ્મુ અને શ્રીનગર વચ્ચેની કનેક્ટિવિટી વધારવાનો રહેશે.

આ પુલ પર દોડતી વંદે ભારત ટ્રેન દ્વારા કટરા અને શ્રીનગર વચ્ચેની મુસાફરીમાં માત્ર ૩ કલાક જેટલો સમય લાગશે, જે હાલના મુસાફરીના સમયમાં ૨-૩ કલાકનો ઘટાડો કરશે. આ ઉપરાંત, અંજી બ્રિજ ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ બ્રિજ છે જે પડકારજનક ભૂપ્રદેશમાં દેશની સેવા કરશે.

વડાપ્રધાને ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (યુએસબીઆરએલ) પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કર્યો. આ ૨૭૨ કિલોમીટર લાંબો યુએસબીઆરએલ પ્રોજેક્ટ, લગભગ ૪૩,૭૮૦ કરોડ રૃપિયાના ખર્ચે નિર્મિત થયો છે, જેમાં ૩૬ સુરંગો (૧૧૯ કિલોમીટર લાંબી) અને ૯૪૩ પુલ શામેલ છે.

આ પ્રોજેક્ટ કાશ્મીર ખીણ અને દેશના બાકીના ભાગ વચ્ચે તમામ ઋતુઓમાં અવિરત રેલ કનેક્ટિવિટી સ્થાપિત કરે છે, જેનો ઉદ્દેશ પ્રાદેશિક ગતિશીલતા વધારવા અને સામાજિક-આર્થિક એકીકરણને પ્રોત્સાહન આપવાનો છે. વડાપ્રધાન શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી શ્રીનગર અને પરત જતી બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને પણ લીલીઝંડી બતાવશે. આ ટ્રેનો રહેવાસીઓ, પ્રવાસીઓ અને યાત્રાળુઓ સહિત અન્યો માટે ઝડપી, આરામદાયક અને વિશ્વસનીય મુસાફરીનો વિકલ્પ પૂરો પાડશે.

દસ કલાકની મુસાફરી લગભગ ૩ કલાકમાં પૂર્ણ થશે

આઝાદીના ૭૭ વર્ષ પછી પણ હિમવર્ષાની મોસમમાં કાશ્મીર દેશના અન્ય ભાગોથી કપાયેલું રહેતું હતું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૪ બંધ થવાને કારણે ખીણ સુધી પહોંચ અવરોધિત હતી. આ ઉપરાંત, જમ્મુ કાશ્મીર સુધી રોડ માર્ગે મુસાફરી કરવામાં ૮ થી ૧૦ કલાક લાગતા હતા. હવે આ ટ્રેન શરૃ થતાં આ યાત્રા લગભગ ત્રણ કલાકમાં પૂર્ણ થશે.

આવતીકાલથી શરૃ થશે કટરા-શ્રીનગર વંદેભારત ટ્રેન સેવા

ઉત્તરી રેલવે ૭ જુનથી કટરા-શ્રીનગર રૃટ પર વંદે ભારત ટ્રેન સેવા શરૃ કરશે. ટિકિટ બુકિંગ આઈઆરસીટીસી વેબસાઈટ પર કરી શકાય છે. કટરા અને શ્રીનગર વચ્ચે અઠવાડિયામાં ૬ દિવસ બે ટ્રેન દોડશે.

ઉત્તરી રેલવેએ જણાવ્ય હતું કે, ટ્રેનમાં બે ટ્રાવેલ કલાસ છે. ચેર કારનું ભાડું રૃા. ૭૧૫ અને એકિઝકયુટિવ કલાસનું ભાડું રૃા. ૧૩૨૦ છે. હાલમાં ટ્રેનો ફકત બનિહાલમાં જ રોકાશે. અન્ય સ્ટોપેજ અંગેનો નિર્ણય પછી લેવામાં આવશે.

વડાપ્રધાનના પ્રવચનના મુખ્ય અંશ

આ નવા ભારતનો જયઘોષ છે.

કાશ્મીર હવે રેલવે નેટવર્કથી જોડાયું.

જમ્મુ-કાશ્મીરને બે નવી વંદે ભારત ટ્રેનો મળી.

આ કાર્યક્રમ ભારતની શક્તિઓ અને એકતાનો ઉત્સવ છે.

કોરોનાથી ઘણી મુશ્કેલી આવી, પણ આપણે મક્કમતાથી સામનો કર્યો.

આપણે પડકારોને પડકાર કર્યો.

આ પુલ એફિલ ટાવરથી પણ ઊંચો છે.

ચિનાબ બ્રિજ ભારતના બુલંદ ઈરાદાઓની તસ્વીર.

વિકસિત ભારતનું સપનું પણ ઊંચુ અને ઈરાદાઓ પણ બુલંદ.

જમ્મુ-કાશ્મીર માઁ-ભારતીનો મુકુટ છે.

જમ્મુ-કાશ્મીરનો તેજીથી વિકાસ થઈ  રહ્યો છે.

આ પહેલથી ઉદ્યોગ-વ્યવસાયને ગતિ મળશે.

રિયાસી જિલ્લાને મળશે નવી મેડિકલ કોલેજ.

જમ્મુ-કાશ્મીર માં સાત નવી મેડિકલ કોલેજો ખૂલી.

ચિનાબ બ્રિજ આકર્ષક ટુરિસ્ટ સ્પોટ છે.

કેન્દ્રીય યોજનાઓના લાભો કરોડો લાભાર્થીઓને મળ્યા.

પાકિસ્તાન માનવતાનું વિરોધી છે.

પડોશી દેશે કાશ્મીરીયત પર પ્રહાર કર્યો.

પડોશી દેશ પ્રવાસનના વિરોધી છે.

પાકિસ્તાન ભારતમાં હુલ્લડો કરાવવા માંગતું હતું. પરંતુ ભારતીયોની એકતા સાથે હારી ગયું.

અમે કાશ્મીરના યુવાનોના સપના પૂરા કરી રહ્યાં છીએ.

જમ્મુ-કાશ્મીરના લોકોએ આતંકીઓને મક્કમ જવાબ આપ્યોઃ કડક સંદેશ આપ્યો.

પાકિસ્તાને ગરીબોને નિશાન બનાવ્યા.

પાકિસ્તાની આતંકવાદીઓએ હોસ્પિટલો પર પણ હૂમલો કર્યો.

આજ નવા કાશ્મીરની તસ્વીર લોકો જોઈ રહ્યાં છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh