Advertisement
Author: નોબત સમાચાર

પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનામાં કલેઈમ રીજેકશન રેશીયો ઘટાડવા કલેકટરનું સૂચન

જામનગર જિલ્લાની આરોગ્ય વિષયક વિવિધ સમિતિઓની કામગીરીની સમીક્ષા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬ઃ જિલ્લા કલેકટર કેતન ઠકકરની અધ્યક્ષતામાં જાહેર આરોગ્ય અંગેની મહત્ત્વપૂર્ણ સમિતિઓની સંયુકત બેઠક યોજાઈ હતી. સંચારી રોગ, તમાકુ નિયંત્રણ, રસીકરણ, માતા અને બાળ આરોગ્ય, આયુષ્માન કાર્ડ વગેરે અંગે થયેલ કામગીરીની સમીક્ષા કરી કલેકટરે જિલ્લામાં આરોગ્ય સુધારણા માટેના સૂચનો કર્યા હતા. અને જરૃરી નિર્દેશો આપ્યા હતાં.

જામનગર જિલ્લા કલેક્ટર કચેરી કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જાહેર આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ સમિતિઓની સંયુક્ત બેઠક યોજાઈ હતી. જેમાં સંચારી રોગ અટકાયત સમિતિ, જિલ્લા આરોગ્ય સોસાયટીની ગવર્નીંગ બોડી સમિતિ, તમાકુ નિયંત્રણ સમિતિ, ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇઝેશન (રસીકરણ), ક્વોલિટી એસ્યોરન્સ સમિતિ, ન્યુટ્રીશન ટાસ્ક ફોર્સ, ફાયર સેફટી સમિતિ, જન્મ-મરણ નોંધણીની સમીક્ષા કમિટી તેમજ ટીબી ફોરમના સભ્યો અને સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.બેઠકમાં કલેક્ટર ઠક્કરે જિલ્લામાં જાહેર આરોગ્યની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી અને તેના સુધાર માટે સામૂહિક પ્રયાસો પર ભાર મૂક્યો હતો.

સંચારી રોગ અટકાયત સમિતિની બેઠકમાં જિલ્લામાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો તેમજ પાણીજન્ય રોગોના નિયંત્રણ માટે લેવાયેલા પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે આરોગ્ય વિભાગને રોગચાળા અટકાવવા માટે સક્રિય દેખરેખ રાખવા, ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી નિયમિતપણે કરવા તથા સ્વચ્છતા જાળવવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવા સૂચનો કર્યા હતા. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પાણીના સ્ત્રોતોની સ્વચ્છતા અને શુદ્ધતા જાળવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

જિલ્લા આરોગ્ય સોસાયટીની ગવર્નીંગ બોડી સમિતિની બેઠકમાં માતા અને બાળ આરોગ્યની સેવાઓ, શાળા આરોગ્ય કાર્યક્રમમાં બાળકોની તબીબી તપાસ, મમતા દિવસે માતા અને બાળકોના રસીકરણની કામગીરી, માતા અને બાળ આરોગ્યની વિવિધ યોજનાઓ અંગે સમીક્ષા કરવામાં આવેલ. જેમાં લાભાર્થીઓને આરોગ્યની સેવાઓ અને યોજનાના લાભો મળી રહે તે માટે જરૃરી સૂચના આપવામાં આવેલ.

તમાકુ નિયંત્રણ સમિતિની બેઠકમાં તમાકુના સેવનથી થતા ગંભીર સ્વાસ્થ્ય જોખમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે જાહેર સ્થળોએ તમાકુના સેવન પર પ્રતિબંધના કડક અમલ, શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ તમાકુ ઉત્પાદનોના વેચાણ પર નિયંત્રણ અને યુવાનોમાં તમાકુના વ્યસન સામે જાગૃતિ લાવવા માટેના કાર્યક્રમો ઘડવા નિર્દેશ આપ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ વિભાગને આ નિયમોના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવા પણ જણાવાયું હતું.

ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇઝેશન (રસીકરણ) અંગેની ટાસ્ક ફોર્સની બેઠકમાં જિલ્લામાં બાળકો અને સગર્ભા માતાઓના રસીકરણની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમને વધુ સુદ્રઢ બનાવવા, રસીકરણથી વંચિત રહેલા બાળકો અને માતાઓને શોધી કાઢી તેમને રસીકરણ હેઠળ આવરી લેવા, અને રસીકરણ અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા માટે આરોગ્ય કાર્યકરોને સક્રિય થવા જણાવ્યું હતું. દુર્ગમ વિસ્તારોમાં રસીકરણની સુવિધા સુનિશ્ચિત કરવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો.આ ઉપરાંત ન્યુટ્રીશન કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાનો લાભ જિલ્લાના તમામ લક્ષિત લાભાર્થીઓને મળી રહે તે માટે જરૃરી સૂચના આપવામાં આવી હતી.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય) અંતર્ગત વર્ષ દરમ્યાન કેટલા લોકોના કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા, કેટલા કલેઈમ રજુ થયા અને તે પૈકી કેટલા કલેઈમ રીજેકટ થયા તે અંગે પણ ચર્ચા કરવામાં આવી. જેમાં કલેઈમ રીજેકશન રેશીઓ ઘટાડવા જરૃરી સૂચનો કરવામાં આવેલ.

કલેક્ટર કેતન ઠક્કરે તમામ સંબંધિત વિભાગોને સંકલન સાધીને કાર્ય કરવા અને જિલ્લાના નાગરિકોના સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા સંબંધીતોને ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, સ્વસ્થ સમાજ જ રાષ્ટ્રની પ્રગતિનો પાયો છે અને આ દિશામાં સૌએ સહિયારા પ્રયાસો કરવા અનિવાર્ય છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુરકુમારી પ્રસાદ, ક્વોલિટી એસ્યોરન્સ મેડીકલ ઓફિસર ડો.રાજેશ ગુપ્તા, એપેડેમીક મેડિકલ ઓફિસર તથા જિલ્લા મેલેરિયા અધિકારી ડો.જે.આર.પટેલ, જિલા ટીબી અધિકારીશ્રી ડો.ધીરેન પીઠડીયા, જી.જી. હોસ્પિટલના વિવિધ વિભાગના વડાઓ, આરોગ્યના તમામ પ્રોગ્રામ ઓફિસરો તથા તમામ તાલુકા હેલ્થ ઓફિસરો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh