Advertisement
Author: નોબત સમાચાર

બર્ધનચોકમાં લારી-પાથરણા હટાવવા કાલ સુધીનું અલ્ટીમેટમ

ગઈકાલે સાંજથી શરૃ કરાયેલી કામગીરી આજ બપોર સુધી ચાલીઃ અગ્રણીઓની મધ્યસ્થી કરતા હાલ મામલો થાળેઃ

જામનગર તા.૧૦ ઃ જામનગરના બર્ધનચોક વિસ્તારમાં વધુ એક વખત લારી-પાથરણાવાળાઓને હટાવવાની અને કેટલાક ઉભા થઈ ગયેલા ગેરકાયદે દબાણો તોડી પાડવાની કામગીરી ગઈકાલ સાંજથી શરૃ થઈ છે. જામ્યુકોની ટીમની સાથે પોલીસ પણ જોડાઈ છે. પાથરણાવાળાઓના વિરોધ વચ્ચે કાર્યવાહી આગળ વધારાઈ રહી છે. ત્યારે આજે સવારે નગરસેવકો, આગેવાનોએ મધ્યસ્થી કરી આવતીકાલે સવાર સુધીનો વેપારીઓને સમય અપાવ્યો છે. આ વિસ્તારમાં નાનો ધંધો કરી રોજગાર મેળવતા ધંધાર્થીઓ માટે નક્કર આયોજન કરવાનો સમય હવે પાકી ગયો છે ત્યારે તંત્રવાહકોએ આ દિશામાં વિચાર કરવો જોઈએ.

જામનગરના દરબારગઢ સર્કલથી માંડવી ટાવર વચ્ચે આવેલા બર્ધનચોકમાં લારી-પાથરણાવાળાઓનો વ્યાપ વધતો જતો હોય અને કેટલીક દુકાનોની બહાર ગેરકાયદેસર બાંધકામ કરી લેવામાં આવ્યું હોય ગઈકાલે સાંજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ પોલીસ બંદોબસ્તને સાથે રાખી તે વિસ્તારમાં દબાણ હટાવની કામગીરી આરંભી હતી.

એસ્ટેટ શાખાના અધિકારી નિલેશ દિક્ષીતના વડપણ હેઠળની ટૂકડી તેમજ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને સિટી-એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડા સહિતનો પોલીસ કાફલો બંદોબસ્તમાં જોડાયો હતો. પોલીસે બર્ધન ચોકમાં રોડની બંને તરફ ઉભા રહી ગયેલા લારીવાળા તેમજ રોડ પર પથારો કરીને છૂટક વસ્તુઓ વેચતા વ્યક્તિઓને પોતપોતાનો સામાન ઉપાડી લેવા સૂચના આપ્યા પછી કેટલાક ગેરકાયદે બાંધકામો પણ તોડવાનું શરૃ કરતા અફડાતફડી મચી ગઈ હતી.

સાંજે છએક વાગ્યે શરૃ થયેલી કામગીરી રાત્રિ સુધી ચાલુ રખાયા પછી આજે સવારે ફરીથી પોલીસ બંદોબસ્ત હેઠળ એસ્ટેટ શાખાએ બાકી રહેલી કામગીરી આગળ ધપાવી હતી. ગઈકાલની કાર્યવાહી વેળાએ એસપી પ્રેમસુખ ડેલુએ જાત નિરીક્ષણ કરી પોલીસને સૂચના આપી હતી. તે પછી રાત્રે બર્ધનચોકના કેટલાક વેપારીઓ રજૂઆત માટે જામનગર શહેરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીની કચેરીએ દોડી ગયા હતા.

આજે સવારે ફરીથી દબાણ હટાવ કામગીરી શરૃ કરાતા નગરસેવિકા રચનાબેન નંદાણીયા પણ દોડી આવ્યા હતા. તેઓએ એસ્ટેટના અધિકારી દિક્ષીત સાથે એક તબક્કે ઉગ્ર બોલાચાલી કર્યા પછી ડે. કમિશનર જાની દોડી આવતા રચનાબેને ગરીબ માણસોને મળતા ધંધા રોજગાર અંગે ઉગ્ર ચર્ચા કર્યા પછી પણ દબાણ હટાવ કામગીરી યથાવત રખાતા રચનાબેન ત્યાં લાવવામાં આવેલા જેસીબી સામે બેસી ગયા હતા. બંદોબસ્તમાં રહેલા પોલીસ કાફલાએ રચનાબેનની અટકાયત કરી છે.

આજે સવારે ઉગ્ર થઈ રહેલા વાતાવરણ વચ્ચે જામનગર મહાનગર પાલિકાના વિરોધપક્ષના નેતા ધવલ નંદા, પૂર્વ નેતા અલ્તાફ ખફી, આનંદ ગોહિલ, પૂર્વ નગરસેવિકા સહારાબેન મકવાણા પણ દોડી આવ્યા હતા. બનાવની વિગતો અપાતા જિલ્લા કલેક્ટર બી.એ. શાહ પણ આવી પહોંચ્યા હતા. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહિલા પ્રમુખ રંજનબેન ગજેરા, જેનબબેન ખફી સહિતના અગ્રણીઓ પણ આવી પહોંચ્યા હતા. તમામે એકસુરે વેપારીઓને આવતીકાલે સવારે ૧૦ વાગ્યા સુધીનો સમય આપવા માંગણી કરી હતી. ત્યાં રાખવામાં આવેલી કેટલીક ઝાળીઓ તેમજ બોર્ડ સહિતનો કિંમતી સામાન નષ્ટ ન થઈ જાય અને વેપારી પોતાની રીતે આવતીકાલે સવાર સુધીમાં તે બોર્ડ, ઝાળી હટાવી લેશે તેવી ખાતરી વેપારીઓ વતી અગ્રણીઓએ આપતા તંત્રએ આવતીકાલની સવાર સુધીમાં ત્યાંથી પોતાની જાતે દબાણ હટાવી લેવા તાકીદ કરી છે.

બર્ધનચોકમાં અધિકારીઓ દોડી ગયાઃ

કામગીરીમાં એસપી, કલેક્ટર કમિશનર સહિતના અધિકારી હાજર

ગઈકાલે સાંજથી આરંભાયેલી બર્ધનચોકની દબાણ હટાવ કામગીરીમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સતત દેખરેખ હેઠળ પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફે બંદોબસ્ત રાખ્યો હતો. તે પછી આજે સવારે પણ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૃ થયેલી કામગીરી દરમિયાન જિલ્લા કલેક્ટર બી.એ. શાહ, કમિશનર ડી.એન. મોદી, ડે. કમિશનર ભાવેશ જાની સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. અગ્રણીઓની મધ્યસ્થી પછી ત્યાંના ધંધાર્થીઓએ જાતે જ દબાણ હટાવી લેવા માટે ખાતરી આપી હતી.

નાના ધંધાર્થીઓને મળવો જોઈએ રોજગારઃ

લારી-પાથરણાવાળાઓને જગ્યા ફાળવવા તંત્રએ વિચારવું જોઈએ

થોડા થોડા મહિનાઓએ આ રીતે બર્ધનચોક વિસ્તારમાંથી દબાણ હટાવવાની અને રોડ પર પથારો કરીને બેસતા પાથરણા વાળા તેમજ લારીવાળાઓને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમ છતાં સમયાંતરે લારી-પાથરણા ફરીથી ગોઠવાઈ જતાં જોવા મળી રહ્યા છે. થોડા વખત પહેલા મોટાભાગનો બર્ધન ચોક સાફ કરી નાખવામાં આવ્યો હતો એક તબક્કે તો ત્યાંથી એસટી બસ પસાર થઈ જાય તેટલો રસ્તો થઈ ગયો હતો પરંતુ ફરીથી લારી-પાથરણા ગોઠવાઈ જતાં આ રોડ ભરચક્ક થઈ ગયો હતો. આ વિસ્તારમાં છૂટક વસ્તુ વેચી પોતાના પરિવાર માટે રોજગાર મેળવતા નાના ધંધાર્થીઓ માટે તંત્રએ કોઈ નક્કર આયોજન કરવંુ જોઈએ. તે નાના ધંધાર્થીઓ માટે શહેરની આજુબાજુમાં કોઈ એવી ખાલી જગ્યા તંત્રએ ફાળવવી જોઈએ જેથી કરીને નાના ફેરીયાઓને રોજગાર મળી રહે અને લોકોને પણ વાહન પાર્કિંગથી માંડી ખરીદીની મોકળાશ પણ મળે. કમનસીબે આ પ્રકારની કોઈ નક્કર વ્યવસ્થા આજ દિવસ સુધી કોઈ તંત્રવાહકો ગોઠવી શક્યા નથી પરંતુ હાલમાં જ્યારે ફરીથી એક વખત દબાણ હટાવ કામગીરી આ વિસ્તારમાં શરૃ થઈ છે ત્યારે આવી વ્યવસ્થા જો ગોઠવાઈ શકે તો આગામી વર્ષાેમાં ક્યારેય આ પ્રકારની દબાણ હટાવની કામગીરી નહીં કરવી પડે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh