Advertisement
Author: નોબત સમાચાર

મોબાઈલ ફોનને કારણે મુઘલો અને અંગ્રેજો કરતાં અનેક ગણું વિધ્વંસક આક્રમણ થઈ રહ્યું છે!

મોબાઈલ સતત ચૂંથવાની કે ઘસવાની ટેવ હોય તો ચેતી જજો

                                                                                                                                                                                                      

શું તમને પણ કારણ વગર સતત મોબાઈલ ચૂંથવાની કે ઘસવાની કુટેવ છે? ચેતી જજો. કારણ કે.. સમાજ અને પરિવારોમાં વિખવાદનું પ્રથમ મોટું કારણ સંપત્તિ કે રૂપિયા હોય છે, હવે બીજા ક્રમે મોબાઈલ પણ આવે છે. ૨૧ મી સદીની સુવિધા મોટી દુવિધા બની રહી છે. આપણાં સાંસ્કૃતિક અને પારિવારિક તાણાવાણા બહુ ઝડપથી વીખાઇ રહ્યા છે. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ મગજ સુધી પંહોચી ગયો છે.  વિચારો ભ્રષ્ટ થઈ રહ્યા છે. યુવા વર્ગને ડ્રગ્સ કરતાં પણ વધુ મોબાઈલનો નશો બરબાદ કરી રહ્યો છે. મોબાઇલના ઉપયોગને જો કંટ્રોલમાં કરવામાં નહીં આવે તો મુઘલ અને અંગ્રેજોના આક્રમણ કરતા પણ વધુ ગંભીર પરિણામો ભોગવવા પડશે. મોબાઈલ તો આ બન્નેની સયુંકત વિલનગીરીના લક્ષણો ધરાવે છે.

મુઘલોએ આપણી ધરોહર, સંસ્કૃતિને લૂંટી અને નાશ કર્યો. આ પ્રક્રિયા સદીઓ સુધી ચાલી. ભારતમાં આજે પણ મુઘલોના આક્રમણના નિશાનો જોવા મળે છે. અંગ્રેજો આવ્યા અને ૨૦૦ વર્ષ સુધી આપણને ગુલામો બનાવી ચૂસે રાખ્યા. અંગ્રેજોએ આપણાં વિચારો અને માનસિકતાને ગરીબ બનાવી દીધી હતી. આજે પણ આપણી માનસિક હાલત અસ્તવ્યસ્ત છે. મોબાઈલ સુવિધા મટી દુવિધા બની રહ્યો છે. મોબાઈલ ફોન મુઘલ અને અંગ્રેજો, બન્નેના અપલક્ષણો ધરાવે છે.

દુવિધા

કરોડો લોકો લગભગ આખી કે પોણી રાત પથારીમાં મોબાઈલ ઘસતા સ્ટેટસમાં જોવા મળે છે. લાસ્ટ સીન માનસિક બીમારીનું પણ મીટર કહી શકાય! રાત્રે દોઢ, બે કે અઢી વાગે મોબાઈલ શા માટે ખંખોળો છો? અંબાણી, અદાણી, મોદી, કેટરીના કે આલિયાના મેસેજ આવે છે? નથી આવતા, તો પછી ગોદડું ઓઢીને મીઠી નિંદર માણો! જુના જમાનામાં પડખું ઘસવું બહુ પ્રચલીત શબ્દ હતો. હવે મોબાઈલ ઘસે છે! મધ્ય રાત્રિએ મોબાઈલ ઘસુઓ જ માનસિક બીમાર હોય તેવું નથી, ધોળે દિવસે પણ પાંચ ઈંચના સ્ક્રીન ઉપર આળોટતા લોકો પણ લગભગ ગાંડા જ કહેવાય. વારંવાર મોબાઈલ ખોલી જોવાની માનસિકતાને બીમારની વ્યાખ્યામાં મૂકવામાં આવે છે. એક મોટા અધિકારી મળ વિસર્જન સમયે પણ મોબાઈલમય હોય તેવા દૃશ્યો મેં જોયા છે. કારણ કે, આવે સમયે પણ તે સતત ઓનલાઈન જ દેખાતા હોય! યુવાન પુત્ર કે પુત્રી ખૂણામાં કે એકાંતમાં મોબાઈલ પકડી બેઠાં હોય તો માં બાપને ચિંતા થાય. મોબાઈલને કારણે સીધા સંબંધો ક્યારે આડા સંબંધો થઈ જાય તે ખબર પડતી નથી.

વર્તમાન સમયની મોટી દુવિધા એ છે કે, આ નાનકડો રાક્ષસ બહુ ઝડપથી આપણું બાળપણ, યુવાની અને નિર્દોષતા ગ્રસી રહ્યો છે. એક જમાનામાં કુંડાળામાં પગ પડી જવો તેવી ઉક્તિ હતી, હવે મોબાઇલમાં જો પગ પડી જાય તો જિંદગી બરબાદ થઈ જાય છે. આ નર રાક્ષસ આપણો કિમતી સમય અને સંપતિ બન્ને ગળી જાય છે. શાળા કોલેજમાં ભણતાં વિદ્યાર્થીઓ દોઢ કે બે લાખના મોબાઈલ શા માટે વાપરતા હશે? માં બાપ પણ તેના માટે જવાબદાર છે. આપણે વર્તમાન સમયમાં જવાબદાર બનવાને બદલે બેફામ બની રહ્યા છીએ. નજીકના ભવિષ્યમાં કોઈ સદબુદ્ધિ આવે તેવું લાગતું નથી.

પરિવાર

મોબાઈલ નામનો રાવણ પરિવારની સીતા સમાન શાંતિને હણી લે છે. આજે તો જાકે કે અહીં આખું અયોધ્યા મોબાઈલમય થયું હોય તેવી સ્થિતિ છે ત્યારે રાવણ દહન કોણ કરે તે મોટી સમસ્યા છે. માતા, પિતા, ભાઈ, બહેન, વહુ, ભાભી, નણંદ, સાસુ, સસરા સૌ મોબાઇલમાં વ્યસ્ત રહે, પછી બાળક બિચારું શું કરે? તે પણ પોગો અને ડોનાલ્ડ ડક માટે સ્ક્રીન ફંફોળે. ૧૫ થી ૨૦ વર્ષની વય લપસી જવા માટે બહુ જોખમી હોય છે. મોબાઈલ આવ્યા પછી તો કોઈ પણ ઉમરના લોકો લપસીને હાડકા ભાંગે છે. ડિજિટલ દુનિયામાં પ્રેમ, જુગાર અને સેક્સ મફતમાં, સરળતાથી, વિપુલ પ્રમાણમાં અને ૨૪ કલાક મળે છે.

પરિવારોમાં વિખવાદનું કારણ મોબાઈલ બની રહ્યો છે. મોબાઈલ ટ્રેકર કે જીપીએસ દ્વારા સભ્યોની જાસૂસી પણ કરવામાં આવે છે.

ડિજિટલ ડિટોક્સ

નવી પેઢી હવે ડિજિટલ ડિટોક્સના રવાડે ચડી છે. સારી વાત છે. નિશ્ચિત સમયે કે દિવસે મોબાઈલથી દૂર રહેવાની ક્રિયાને ૨૧ મી સદીમાં ડિજિટલ ડિટોક્સ કહેવામાં આવે છે. મોબાઇલમાં ઇન્ટરનેટ બંધ રાખવું અથવા ફોન જ સ્વિચ ઓફ રાખવો તે ઉપવાસ જ કહી શકાય. અમેરિકા કે બ્રિટન જેવા આધુનિક દેશમાં પાંચ દિવસનું સપ્તાહ હોય છે. શનિવાર અને રવિવારે કર્મચારીઓ કે બોસ કોઈ, કોઈને ફોન કે મેસેજ કરતાં નથી. કામના સ્થળે પણ મોબાઈલ લોકરમાં જમા કરાવવો પડે છે. આ લેખકને અનુભવ છે કે, બોસ રજાના દિવસે રાત્રે ૯ વાગે ફોન કરી આડી અવળી વાતો કરી આડકતરી રીતે જાણે કે, કર્મચારી રજાના દિવસે ફોન ઉપાડે છે કે નહીં? ફોન ન ઉપાડે તો.. ખખડાવે!

ભારતના લોકોએ હવે મોબાઈલ એટિકેટ શીખવાનો સમય આવી ગયો છે. ગુજરાતીમાં તેને મોબાઇલ શિષ્ટાચાર કહી શકાય છે. કારણ વગર લાંબી વાતો ન કરવી, મુદ્દાસર વાત કરવી, સમય અનુસાર ફોન કરવો, મોટે અવાજે ન બોલવું, માન સન્માન પૂર્વક બોલવું તે પણ ડિજિટલ ડિટોક્સ જ છે. અમારા એક મિત્ર કારણ વગર લાંબી.. લાંબી વાતો કરે. આ પણ એક પ્રકારની અસભ્યતા જ છે.

મફત

હવે ન્યુનત્તમ ભાવમાં આઉટગોઈગ કોલ થઈ શકે છે. આપણે ગુજરાતીઓ તેને મફત કહીએ છીએ. કોલ મફત છે, પરંતુ તે કોલ તમારી જિંદગીની અમૂલ્ય ક્ષણો ખાઇ જાય છે તે આપણે ભૂલી જઈએ છીએ. મોબાઇલમાં કોલ, વૉટ્સએપ, ફેસબુક, ઇંસ્ટા, રીલ આપણને મફત લાગે છે, પરંતુ આપણી શાંતિને હણી લે છે. આપણને આ લત એટલી હદે લાગી છે કે, એક મોટા રાજકારણીના મૃત્યુ બાદ તેના પરિવારના લોકો મૃત નેતાનો ફોન અને તેનું જ સોશિયલ મીડિયા વાપરી રહ્યા છે! મૃત વ્યક્તિ કેવી રીતે મેસેજ કરી શકે? આ આપણી માનસિક બીમારી છે. મફતમાં માનસિક પ્રદૂષણ મળી રહ્યું છે.

ભારતમાં ૧૪૦ કરોડની વસ્તીમાં ૯૦ કરોડ સીમ ધારકો છે. જેમાના ૯૯ ટકા લોકો ૯૯ ટકા અર્થ વગરના સંદેશા અને કોલ કરી રહ્યા છે! કારણ કે મફત છે અથવા અતિશય સસ્તા છે. મારી વાત કરૃં તો ૯૦ના દશકમાં હું આખા મહિના દરમિયાન એક અથવા દોઢ જીબી ઇન્ટરનેટ વપરતો હતો, આજે ટીવીમાં એક હજાર જીબી અને મોબાઇલમાં ૪૫ જીબી નેટ વાપરી રહ્યો છું!!

કમાણી

ભારતમાં જે મોબાઈલ ગાંડપણ છે, તેમાંથી કોણ કમાઈ રહ્યું છે? ૯૯ ટકા રકમ વિદેશીઓ કમાય છે. મોબાઈલ હેન્ડસેટ, સીમ કાર્ડ, ચિપ, મોબાઈલ ટાવરના કોમ્યુનિકેશન સાધનો.. બધું અમેરિકા, ચીન અને કોરિયા બનાવે છે. ૧૦ હજારની પડતર કિમતનો મોબાઈલ ૨૫, ૫૦ હજાર કે લાખ રૂપિયામાં આપણને વેચે છે! એક એન્ડ્રોઇડ મોબાઈલ ઓપરેટિંગ સીસ્ટમ એક ડોલર કરતાં પણ ઓછા ભાવમાં પડે છે, તે આપણને ૧૨ થી ૧૫ ડોલરમાં વળગાડવામાં આવે છે. ગુજરાતીમાં કહીએ તો ૧૦૦ રૂપિયાની વસ્તુ ૧૨૦૦ થી ૧૫૦૦ રૂપિયામાં ખરીદીએ છીએ! વૉટ્સએપ, ફેસબુક કે ઇંસ્ટા જેવી એપ જે આપણે મફત ગણીને વાપરીએ છીએ તેના નાણા ફોન ખરીદતે સમયે કિમત સાથે જ વસૂલ કરી લેવામાં આવે છે. તેથી તે વાસ્તવમાં મફત નથી. ચીન, અમેરિકા અને કોરિયાના ઉત્પાદકો આપણાં ગાંડપણથી મબલખ રૂપિયા રળી રહ્યા છે.

સોફ્ટવેર અને હાર્ડવેરમાં આપણે સંપૂર્ણ ગુલામ છીએ. મુઘલ અને અંગ્રેજો કરતાં પણ ભયંકર લૂંટ ચાલી રહી છે. ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન (આઈસીઈએ) માર્ચ ૨૦૨૬ સુધીમાં કુલ મોબાઇલ ફોન ઉત્પાદન ઇં૭૫ બિલિયન સુધી પહોંચવાનો અંદાજ ધરાવે છે. ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન વધીને રૂ।. ૧૧.૩ લાખ કરોડ (૧૩૩ બિલિયન ડોલર) થયું, જેમાં મોબાઇલ ફોનનો હિસ્સો આશરે રૂ।. ૫.૪૫ લાખ કરોડનો મોટો હિસ્સો છે. ભારત સરકાર કહે છે કે, હવે ૯૫ ટકા હેન્ડસેટ ભારતમાં જ બને છે, પરંતુ નક્કર વાસ્તવિકતા એ છે કે, તે તમામ વિદેશી કંપનીઓ છે. ઓપો, વિવો, વન પ્લસ, એપલનો આઈ ફોન, સેમસંગ જેવી કંપનીઓ ભારતમાં ધાણી-મમરાની જેમ ફોન વેચે છે! ભારતમાં ક્રૂડ, ઑટોમોબાઇલ પછી ત્રીજા ક્રમે મોબાઈલને કારણે આપણું કિમતી વિદેશી હૂંડિયામણ વિદેશ તરફ વહી રહ્યું છે.

મનોરોગી

મોબાઇલના ગાંડપણ ભર્યા વળગણને કારણે પ્રચ્છન્ન મનોરોગીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. બહારથી સ્વસ્થ દેખાતા લોકો માનસિક રીતે ચિતભ્રમ હોય છે. કારણ વગર ગુસ્સે થવું, અનિંદ્રાનો ભોગ બનવું, કાલ્પનિક વિચારોમાં મગ્ન રહેવું, દિશાહીન બનવું, છેતરાઈ જવું, લાલચમાં ફસાઈ જવું, દેખાદેખીનું પ્રમાણ વધી જવું, આર્થિક જોખમો વધી જવા, ગાંડપણ જેવા રોગોનો સમાવેશ થાય છે. આ રોગ સીધી રીતે દેખાતા નથી, પરંતુ શારીરિક અને માનસિક રીતે કંગાળ બનાવી દે છે. ભારતમાં માનોચિકિસ્તક તબીબોની સલાહ કે સારવાર લેવાનું ચલણ હજુ બહુ છે નહીં. ભવિષ્યમાં આ તબીબોને તડાકો પડશે તે નક્કી છે.

ઉકેલ

મોબાઈલ એક ઇમરજન્સી સાધન છે. બહુ મહત્વની બાબત હોય ત્યારે જ ઉપયોગ કરો. બિનજરૂરી ફોન કે મેસેજ ના કરવા. બહુ ટૂંકમાં વાતો કરવી. પારિવારિક કે સામાજિક કૂથલી કરવા માટે કલાકો સુધી ફોન ઉપર ચોટયાં ન રહેવું. મોડી રાત્રિ સુધી ફોનને વળગ્યા ન રહેવું. સમય પસાર કરવાની સમસ્યા હોય તો ફોન સિવાઈની પ્રવૃત્તિ શોધી લેવી. રજાના દિવસોમાં નીચેના કર્મચારીઓને મોટા કારણ વગર ફોન ન કરવા. શનિવાર અને રવિવારે શક્ય હોય તો ઇન્ટરનેટ બંધ રાખવું. નવી પેઢી હવે સપ્તાહમાં એક દિવસ ડિજિટલ ડિટોક્સ કરે છે. એટલે કે, ફોન, ટેબ, લેપટોપ, ટીવી સંપૂર્ણ બંધ રાખે છે.

'નોબત'ના વાચકો અને ચાહકોને મોબાઈલનો લઘુતમ ઉપયોગ કરવા અને વધુ પડતો ઉપયોગ કરતા હોય તેના ફોન કે મેસેજનો પ્રત્યુત્તર ન આપવા હાર્દિક અનુરોધ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh