Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. ૯માં આમઆદમી પાર્ટીના ઉમેદવારોને પ્રચંડ જનસમર્થન

આમઆદમી પાર્ટીના ઉમેદવારોની મીડિયા સાથેની ચર્ચામાં સ્પષ્ટ શબ્દોમાં ભાજપના ભ્રષ્ટ શાસનની આકરી ટીકા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગર શહેરમાં વર્ષોથી દરેક ચૂંટણીમાં ભાજપના ગઢ ગણાતા વોર્ડ નં.૯માં આ વખતે જોરદાર ગાબડું પડે તેવી સ્થિતિ જોવા મળી રહી હોવાનો દાવો આ વોર્ડના આમઆદમી પાર્ટીના ઉમેદવારોએ મીડિયા સાથેની ચર્ચામાં કર્યો હતો.

આ વખતની ચૂંટણીમાં આમઆદમી પાર્ટીએ અનુભવી ઉમેદવાર સુનિલ નંદલાલભાઈ આશર સાથે યુવા અને તરવરીયા ચહેરા તરીકે કૃપાલીબેન હેત રાવલ, લોકસેવાના ભેખધારી જયોત્સનાબેન પ્રફુલભાઈ સોલંકી, અનુભવી રાજીવભાઈ લાલનને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે સામા પક્ષોએ જુની બોટલમાં નવો શરાબ જેમ માત્ર ચોગઠાં બદલ્યા છે.

આ વખતની ચૂંટણીમાં વોર્ડ નં. ૯ના મતદારોએ ખૂબ જ સમજદારીપૂર્વક મતદાન કરવાની અપીલ 'આપ'ના ઉમેદવારોએ કરી છે. મતદાતાઓએ ગત ટર્મના વિતેલા પાંચ વર્ષના ભાજપના શાસનને યાદ કરીને તેમણે શું મેળવ્યું અને શું ગુમાવ્યું તેનો વિચાર કરીને આત્માના અવાજને સન્માન આપીને ફેંસલો કરવાનો સમય પાકી ગયો છે.

આમઆદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી જીતીને માત્ર નગરસેવકનું સીમ્બોલ મેળવવા ચૂંટણી લડી રહ્યા નથી...પણ વોર્ડ નં. ૯ના તમામ લોકોના તમામ વિસ્તારોના પ્રશ્નોનો ઉકેલ લાવવાના મજબૂત ઈરાદા સાથે સાચા અર્થમાં લોકપ્રતિનિધિ બનવાના સંકલ્પ સાથે મત માંગવા આવ્યા છે.

મતદાતાઓએ તેમના ગત વર્ષના અનુભવોને યાદ કરી નક્કી કરવાનું છે કે તમે જેમને નગરસેવક તરીકે ચૂંટો છો તેઓ શું પાંચ વર્ષ તમારી સાથે, તમારી વચ્ચે રહેશે ? તમારી રજૂઆત કે પ્રશ્નો સાંભળશે ખરા?

આ વોર્ડના મતદાતાઓએ પક્ષના નામે ચૂંટણી જીતી તેમના આર્થિક વિકાસ સાધવાના મનસુબા ધરાવનારાઓન, ભ્રષ્ટાચારીઓને કોઈ કાળે મત નહીં આપીએ તેવો મક્કમ નિર્ધાર કરવો પડશે.

મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં મતદાતાઓએ તેમના વિસ્તારમાં ખરેખર લાયક વ્યક્તિ હોય તેને જ મત આપવો જોઈએ, મતદાતાઓને પરંપરાગત જુના ચહેરાઓને દૂર હડસેલવાની તક મળી છે. પક્ષના નામે ભૂતકાળમાં સત્તા અને પદ ભોગવી ચૂકલા હવે પોતાના વંશજોને મેદાનમાં ઉતારી રહ્યા છે, ત્યારે તેમને પણ પાઠ ભણાવવો પડશે કે મતદાતા તમારા ગુલામ નથી કે પક્ષ ગમે તે વ્યક્તિને તમારા પ્રતિનિધિ બનાવી મેદાનમાં ઉતારી દ્યે!

આમ આદમી પાર્ટીના ઉમદવારોએ ભાજપના શાસનમાં થયેલા બેફામ ભ્રષ્ટાચાર અંગે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે એવા ઘણાં ચહેરા છે,ે જેઓ નગરસેવક ન હતાં ત્યારે આર્થિક રીતે સામાન્ય સ્થિતિના હતાં, પણ મતદાતાઓના મત પક્ષના નામે લઈને નગરસેવક બન્યા પછી એ જ ચહેરાઓ આજે અતિ ધનાઢ્ય બની ગયા છે, જે દર્શાવે છે કે કેટલા મોટા ભ્રષ્ટાચાર થયા હશે!! ભાજપની ટોચની ભ્રષ્ટાચાર નાબૂદી અને ભ્રષ્ટાચાર વિરોધી નીતિનો પણ તેજ પક્ષના સ્થાનિક નગરસેવકોએ બેશર્મ થઈ બિન્દાસપણે પક્ષની નેતાગીરીનો ડર રાખ્યા વગર ભ્રષ્ટાચાર કર્યા અન પક્ષની નેતાગીરીના શુભ સંકલ્પને રીતસર કચડી નાખ્યો છે. પક્ષના જ કેટલાક લોકો હજી પણ અહ્મમાં રાચે છે કે આ વોર્ડના મતદાતાઓ તો અમને જ મત આપવાના છે. આવી માનસિક્તા અને વહેમ ધરાવનારાઓને પણ પરાજયનો સ્વાદ ચખાડવાની જરૂર છે. આવા લોકો મતદાતાઓને પોતાની જાગીર સમજે છે.

આ તમામ બાબતો અંગે મતદાતાઓને ગંભીરતાપૂર્વક વિચાર કરવા આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ હૃદયપૂર્વકની અપીલ કરી હતી, શું આ બાબતો ખોટી છે? માત્ર છલ્લા પાંચ વર્ષના ભાજપના શાસનના લેખાજોખા કરશો એટલે બધું સમજાઈ જશે.

ચર્ચાના અંત આમ આદમી પાર્ટીના ચારે ય ઉમેદવારોએ વોર્ડ નં. ૯ ના મતદાતાઓને અપીલ કરતા જણાવ્યું હતું કે તમે તમારો નિર્ણય સ્વતંત્રતાથી લેવા સક્ષમ છો, તમારે તમારો પ્રતિનિધિ ચૂંટવાનો છે, તમે કોઈ પક્ષની જાગીર નથી તેટલી સુઝબુઝ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવારોના 'સાવરણા' નિશાન પર મતદાન કરશો તેવો વિશ્વાસ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh