Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યની જામનગર સહિતની ૧પ મહાનગરપાલિકાઓ, ૮૪ પાલિકાઓ, ૧૪ જિલ્લા અને ર૬૦ તાલુકા પંચાયતોની ચૂંટણી માટે
જામનગર/અમદાવાદ તા. ર૪: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત થશે. બીજી તરફ ઉમેદવારોએ છેલ્લી ઘડીએ રાત ઉજાગરા કરી રહ્યા છે, તો તંત્ર પણ આખરી ઘડીની તૈયારીઓ કરી રહ્યા છે રવિવારે મતદાન માટ તંત્રો-ઉમેદવારો-પક્ષો સજ્જ છે.
ગુજરાતમાં મહાનગરપાલિકાઓ, ૮૪ પાલિકાઓ, ર૬૦ તાલુકા અને ૩૪ જિલ્લા પંચાયતો મળી ૩૯૩ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે રવિવારે મતદાન થવાનું છે, અને આજે સાંજે જાહેર પ્રચાર પડઘમ શાંત થઈ જશે. રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે કાલે કતલની રાત બનવાની છે. આજે સાંજે પ્રચાર પૂરો થાય તે પૂર્વે ભાજપ-કોંગ્રેસ-આપ વગેરે પક્ષે એડીચોટું જોર લગાવી પૂરી તાકાતથી પ્રચાર કરી મતદારોનેે પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા તેર દિવસથી ચાલતો જાહેર પ્રચાર શુક્રવારે સાંજે પાંચ વાગ્યે પૂરો થઈ રહ્યો છે.
અસહ્ય ગરમી અને નક્કર જાહેર મુદ્દાઓના અભાવ વચ્ચે રાજકીય પક્ષો વિકાસ, આરોપો, પ્રત્યારોપો અને અનેક ઠેકાણે શાસન વિરોધી સૂરના માહોલમાં મતદારોનું મન કળી શકાયું નથી. તેનાથી ઉમેદવારોની ઊંઘ હરામ થઈ ગઈ છે. પ્રચાર પડઘમ શાંત થાય એ પહેલા કોંગ્રેસ, ભાજપ અને આપ તથા અપક્ષો, અન્ય પક્ષો જાહેર શક્તિપ્રદર્શન, રેલીઓ યોજીને મતદારોને ઢંઢોળવાનો અંતિમ પ્રયાસ કરવા માટે તૈયારીઓ કરી છે.
ભાજપ અમદાવાદ સહિત રાજ્યભરમાં કેસરિયા રેલીઓ યોજનાર છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મતદારોને આકર્ષી ભાજપના ગઢમાં ગાબડા પાડવા મથામણ કરશે. રવિવારે સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા દરમિયાન મતદારોને મતદાન મથક સુધી લાવવાની બધી જવાબદારી હવે કાર્યકરો અને સ્થાનિક નેતાઓની રહેવાની છે.
રાજ્યમાં આજે ધમાકેદાર પ્રચારના કાર્યક્રમો જેમાં અમદાવાદ મહાનગરપાલિકામાં ૪૮ વોર્ડમાં શુક્રવારે અલગ અલગ સ્વરૂપમાં ઉમેદવારો આખરી જાહેર પ્રચાર કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સંયુક્ત રોડ શો યોજનાર છે. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ર૯ એપ્રિલના મતદાન થશે. અંદાજે દસ હજાર જેટલી બેઠકો માટે ઉમેદવારોની પસંદગી ભાજપ અન કોંગ્રેસ માટે માથાના દુઃખાવા સમાન રહી હતી. ભાજપે મહનગરો, નગરપાલિકા અને અને પંચાયતોમાં ૬૦ વર્ષથી ઉપરના અપવાદ સિવાયના ચહેરાને પડતા મૂક્યા છે. આ જ રીતે અગાઉ હોદ્દા ભોગવ્યા હોય એમને પણ ટિકિટ આપી નથી. જિલ્લા સ્તરેેથી આવેલા સર્વસંમત નામોમાં છેલ્લી ઘડીએ અનેક ફેરફારો થતા જમીની સ્તરે પરસેવો પાડતા કાર્યકરોમાં ભારે નારાજગી છે. ભાજપેે નારાજગીને ઠારવા ડેમેજ કંટ્રોલ હાથ ધર્યું હતું.
મુખ્યમંત્રી, પ્રમુખ, નાયબ મુખ્યમંત્રીએ રાજ્યભરમાં પ્રચાર પ્રવાસની સાથોસાથ સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી હતી. કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા, ડો. તુષાર ચૌરી, શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ પ્રચારસભાઓ ગજવી હતી. આપમાંથી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કજરીવાલ સહિતના નેતાઓએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સભાઓ કરી હતી.
આ વખતની ચૂંટણી તેના નિર્ધારિત સમય કરતા મોડી યોજાઈ રહી છે અને મોસમનો મિજાજ પણ બદલાયો છે. સામાન્ય નાગરિક આ પ્રકારની મુશ્કેલીઓ, સમસ્યાઓથી ઝઝુમી રહ્યા છે, તેવા માહોલ વચ્ચે રાજકીય પક્ષોના પ્રચાર મુદ્દાઓ સાંભળવા ભીડ કેટલાક સ્થળે દેખાતી હોય, પરંતુ મતદારો પોતાનું વલણ હજુ સ્પષ્ટ કર્યું નથી. હવે રવિવારે રાજ્ય ચૂંટણી પંચ ૪ કરોડ મતદારો માટે ૪૯,પ૯૧ મતદાન મથકના મતદાનની વ્યવસ્થા કરી છે. મોટાભાગેે મતદાન મથકો પર મતદારોને ગરમીનો સામનો ન કરવો પડે એ માટે શેડ, મંડપ, તંબુ વ્યવસ્થાઓ ગોઠવી હોવાનો દાવો કરાયો છે, પરંતુ પહેલી વખત અનેક વિસ્તારોમાં પરંપરાગત મતદાન ફરી ગયા હોવાથી તંત્રો અન રાજકીય પક્ષો તથા ઉમદવારોની દોડધામ અને ચિંતામાં વધારો થયો છે.
એ પણ ઉલ્લખનિય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા પછી બહું જ ટૂકો સમય મળ્યો હતો. તેમાં પણ ઉમેદવારોના નામ પણ છેલ્લી ઘડીએ જાહેર કર્યા હતાં. આમ રાત થોડી અને વેઢક જાજા તેવો ઘાટ ઘડાયો હતો.
જામનગર જિલ્લો જામનગરમાં પણ ક્યાંય ઉત્સાહનો માહોલ જોવા મળતો નથી. આમ છતાં ઉમેદવારોએ ચૂંટણી જંગ જીતવા નાની-મોટી સભા કે ડોર-ટુ-ડોર સંપર્ક ચાલુ રાખ્યા છે. આજે સાંજે જાહેર પ્રચાર-પડઘમ શાંત થયા પછી ઉમેદવારો રૂબરૂ સંપર્ક કરશે, બેઠકો યોજશે અને ચૂંટણી જીતવા તમામ પ્રયાસો કરશે.
આ ઉપરાંત હાલારનું વહીવટી તંત્ર પણ મતદાન માટે તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. આગામી તા. ર૬ અને રવિવારે સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થશે.
આ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય ત માટે પોલીસ વિભાગ પણ ચૂસ્ત બંદોબસ્ત જાળવશે. આ માટે બંદોબસ્ત પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે, અને મંગળવારે મતગણતરી હાથ ધરાશે અને કોણ કોણ સેવક ચૂંટાઈ આવે છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial