Advertisement
Author: નોબત સમાચાર

સંસદમાં અદાણી અને ચીનના મુદ્દે જોરદાર હંગામા પછી બન્ને ગૃહો સ્થગિત

અદાણી ગ્રુપે એફપીઓ રદ્ કર્યોઃ કોંગ્રેસે હિંડનબર્ગના મામલે જેપીસી રચવાની માંગણી ઊઠાવીઃ આરબીઆઈએ બેંકોનો માંગ્યો જવાબ

નવી દિલ્હી તા. રઃ અદાણી ગ્રુપે એફપીઓ રદ્ કર્યા પછી તેમનું નિવેદન સામે આવ્યું છે, તો બીજી તરફ આરબીઆઈએ આ સંદર્ભે બેંકોનો જવાબ માંગ્યો હોવાના અહેવાલો છે. બીજી તરફ ચીન અને અદાણીના મુદ્દે સંસદમાં હોબાળો થતાં બન્ને ગૃહો બપોર સુધી સ્થગિત કરાયા છે.

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદના રજૂ કરેલા બજેટ સત્રના આજે ત્રીજા દિવસે વિપક્ષી દળોએ સંસદની કાર્યવાહી શરૃ થતાની સાથે જ જોરદાર હંગામો કર્યો હતો. વિરોધ પક્ષોના હંગામાથી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરના ર વાગ્યા સુધી બંધ કરવાની ફરજ પડી હતી. કોંગ્રેસના સાંસદ મનિષ તિવારીએ અદાણી ગ્રુપ મામલે હિંડનબર્ગ રિપોર્ટ મામલે જેપીસીની રચના કરવાની માંગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આ પ્રશ્ન માત્ર કોઈ એક પ્રમોટર પૂરતો નથી, પરંતુ સંપૂર્ણ નિયામક તંત્રની સિસ્ટમની કાર્યક્ષમતાનો છે.

આ ઉપરાંત કોંગ્રેસ સાંસદ મણિકમ ટૈગોર અને મનિષ તિવારીએ આજે ગુરુવારે લોકસભામાં અદાણી ગ્રુપના મુદ્દે અને સીમા પર થયેલા ચીનના આક્રમણો બાબતે પણ ઘણી ચર્ચાઓ થઈ હતી અને તેના માટે નોટીસ આપવામાં આવી હતી. જેથી વિરોધ પક્ષોના હંગામાના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરના ર વાગ્યા સુધી બંધ કરવામાં આવી હતી.

પ્રશ્નકાળ શરૃ થતાં જ હોબાળો થયો હતો. સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોને કહ્યું કે તમે ગૃહની હદ વટાવી રહ્યા છો, જ્યારે તેમણે તમામ સભ્યોને પોતપોતાની બેઠકો પર જવા કહ્યું ત્યારે હોબાળો વધી ગયો. બિરલાએ કહ્યું કે પ્રશ્નકાળ એ ગૃહનો મહત્ત્વનો સમય છે.

સંસદ પહોંચતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોચના મંત્રીઓ સાથે બેઠક કરી હતી. વિપક્ષના હુમલાને રોકવા માટે આ રણનીતિ બનાવવામાં આવી હોવાનું સમજાય છે. બીજી તરફ વિરોધ પક્ષોના નેતાઓએ પણ આજની રણનીતિ ઘડી કાઢી હતી.

આરબીઆઈએ અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડને આપવામાં આવેલી લોન અંગે તમામ બેંકો પાસેથી માહિતી માંગી છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર આરબીઆઈના અધિકારીઓએ આ અંગે કંઈ જ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. સંપૂર્ણ સબ્સ્ક્રાઈબલ કરેલો એફપીઓ રદ્ કર્યા પછી ગુરુવારે ગ્રુપના શેરમાં પણ ૧૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે, અને એકંદરે પ૦ ટકા જેવો ઘટાડો નોંધાયો હોવાનું જાણવા મળે છે.

બુધવારે રાત્રે અદાણી ગ્રુપે ર૦ હજાર કરોડ રૃપિયાના સંપૂર્ણ સબ્સ્ક્રાઈબ કરેલા એફપીઓને રદ્ કરી દીધો હતો. કંપનીએ કહ્યું હતું કે, રોકાણકારોના પૈસા પરત કરવામાં આવશે. આ પહેલા બુધવારે અદાણી એન્ટર-પ્રાઈઝીસના શેર ર૬.૭૦ ટકા ઘટીને ર,૧૭૯,૭પ પર બંધ રહ્યા હતાં. આ જ કારણ હતું કે અદાણી ગ્રુપે એફપીઓ પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો.

અદાણી એન્ટરપ્રાઈઝીસ ર૦ હજાર કરોડ રૃપિયા સુધીના ઈક્વિટી શેરના એફપીઓ સાથે આગળ વધશે નહીં. રોકાણકારોને પૈસા પરત કરશે. મંગળવારે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ નિર્ણય લીધો. ઈક્વિટી શેર આંશિક રીતે પઈડ-અપ આધારે ૧ રૃપિયાની ફેસ વેલ્યુ ધરાવે છે. આ એફપીઓ સંપૂર્ણપણે સબ્સ્ક્રાઈબ થયો હતો.

એફપીઓ રદ્ કર્યા પછી ગૌતમ અદાણીએ એક વીડિયો સંદેશ આપ્યો હતો. જેમાં રોકાણકારોનો આભાર માન્યો હતો. અદાણીએ કહ્યું હતું, ગયા અઠવાડિયે સ્ટોકમાં ઉતાર-ચઢાવ હોવા છતાં કંપનીનો બિઝનેસ અને તેના મેનેજમેન્ટમાં તમારો વિશ્વાસ અમને આશ્વાસન આપતો રહે છે. મારા માટે મારા રોકાણકારોનું હિત સર્વોપરિ છે. બાકીનું બધુ એ પછી આવે છે. તેથી રોકાણકારોને સંભવિત નુક્સાનથી બચાવવા માટે અમે એફપીઓ રદ્ કર્યો છે. બોર્ડને લાગ્યું કે એફપીઓ સાથે આગળ વધવું નૈતિક રીતે યોગ્ય નથી.

અદાણી ગ્રુપના શેરમાં સતત ઘટાડાને કારણે જાહેર ક્ષેત્રની બેંકો અને એલઆઈસીના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હિંડનબર્ગના અહેવાલ પછી જ્યાં અદાણીના શેરમાં એકંદરે લગભગ પ૦ ટકાનો ઘટાડો થયો છે. ત્યાં એસબીઆઈ, બેંક ઓફ બરોડા, પીએનબી જેવી જાહેર ક્ષેત્રની બેંકોના શેરમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે આરબીઆઈ પણ એક્શનમાં આવી છે. બેંક રેગ્યુલેટર આરબીઆઈએ અદાણી કેસમાં તમામ બેંકો પાસેથી જવાબ માંગ્યા છે. અદાણી ગ્રુપે બેંકોને પૂછ્યું છે કે, તેઓએ અદાણી ગ્રુપની કંપનીઓને કેટલી લોન આપી છે અને તેની સ્થિતિ શું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh