Advertisement
Author: નોબત સમાચાર

ભારતને સ્પેસ અને મોબાઈલ યુગ તરફ દોરનાર ડો. રાજેશ્વરી ચેટર્જી

વિદેશનો વૈભવ ઠુકરાવી દેશ માટે સંશોધનઃ

                                                                                                                                                                                                      

આજે આપણે આપણા મોબાઈલ ફોન પર એક ક્લિક કરીને દુનિયાના કોઈ પણ ખૂણે વિડિયો કોલ કરીએ છીએ, સેટેલાઈટ દ્વારા ટીવી ચેનલો નિહાળીએ છીએ અને ઈન્ટરનેટ વાપરીએ છીએ. પરંતુ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે ભારતને આ હાઈ-ટેક કોમ્યુનિકેશન (સંદેશાવ્યવહાર) ના યુગમાં લઈ જવા પાછળ કયા વૈજ્ઞાનિકનો હાથ છે? જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત ઘણું પાછળ હતું. એવા સમયે દેશને માઈક્રોવેવ એન્જિનિયરિંગમાં આત્મનિર્ભર બનાવનાર એક અદ્ભુત મહિલા વૈજ્ઞાનિક હતા. -ડૉ. રાજેશ્વરી ચેટર્જી.

રાજેશ્વરી ચેટજીર્નો જન્મ ૨૪ જાન્યુઆરી, ૧૯૨૨ના કર્ણાટકના બેંગલુરુમાં થયો હતો. તેમના દાદી કમલામ્મા દેશના એવા પ્રથમ મહિલાઓમાંથી એક હતા જેમણે સમાજના વિરોધ વચ્ચે પણ ગ્રેજ્યુએશન કર્યું હતું અને સ્ત્રીઓ માટે શાળા શરૂ કરી હતી. દાદીના આ જ પ્રગતિશીલ વિચારો રાજેશ્વરીના લોહીમાં હતા.

તેમણે બેંગલુરુની સેન્ટ્રલ કોલેજમાંથી ગણિત અને ભૌતિકશાસ્ત્ર (ફિઝિક્સ)માં દેશભરમાં પ્રથમ ક્રમે આવીને ગોલ્ડ મેડલ મેળવ્યો. આઝાદીના બરાબર એક વર્ષ પહેલાં, એટલે કે ૧૯૪૬માં, તત્કાલીન દિલ્હી સરકારે તેમને ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશિપ આપી અમેરિકા મોકલ્યા. ત્યાં તેમણે વિશ્વપ્રસિદ્ધ મિશિગન યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ અને ડોક્ટરેટ (પીએચ.ડી.) ની પદવી મેળવી. તેઓ કર્ણાટક રાજ્યના સર્વપ્રથમ મહિલા એન્જિનિયર બન્યા.

અમેરિકામાં ભણ્યા પછી તેમની પાસે ત્યાં જ સ્થાયી થઈને લાખો રૂપિયા કમાવવાની તક હતી. પરંતુ આઝાદ થયેલા નવજાત ભારતને પોતાની સેવાની વધુ જરૂર છે તેવું માનીને તેઓ ૧૯૫૩માં વતન પાછા ફર્યા. તેઓ બેંગલુરુ સ્થિત પ્રતિષ્ઠિત 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ' (આઈઆઈએસસી) માં પ્રોફેસર તરીકે જોડાયા. ત્યાં તેમણે પોતાના પતિ સિસિર કુમાર ચેટર્જી સાથે મળીને ભારતની સર્વપ્રથમ 'માઈક્રોવેવ રિસર્ચ લેબોરેટરી' ની સ્થાપના કરી.

તમે અને આપણે જે માઈક્રોવેવ ઓવનમાં રસોઈ ગરમ કરીએ છીએ, આ સંશોધન માત્ર ત્યાં સુધી સીમિત નથી. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો, સ્પેસ (અવકાશ), સેટેલાઈટ અને એરક્રાફ્ટમાં સંદેશાઓ મોકલવા માટે જે તરંગો વપરાય છે, તેને માઈક્રોવેવ કહેવાય છે. ડૉ. રાજેશ્વરીએ એ જમાનામાં 'એન્ટેના' અને 'વેવગાઈડ્સ' (તરંગોને ચોક્કસ દિશા આપતી નળીઓ) પર એવા અદ્ભુત સંશોધનો કર્યા, જેની નોંધ અમેરિકા અને યુરોપના વૈજ્ઞાનિકોએ પણ લેવી પડી.

ઘણાં લોકોને પ્રશ્ન થાય કે ૧૯૫૦ કે ૬૦ના દાયકામાં લેબોરેટરીમાં થયેલું આ સંશોધન આજે ૨૦૨૬માં આપણને કઈ રીતે સ્પર્શે છે? તેનો ઉત્તર આપણા રોજીંદા જીવનની સુવિધાઓમાં છુપાયેલો છે.

આજે ભારતમાં જે મોબાઈલ નેટવર્ક ક્રાંતિ થઈ છે, દેશભરમાં ફાઈબર ઓપ્ટિક કેબલ નેટવર્ક પથરાયેલું છે અને આપણી સેના સરહદ પર અત્યાધુનિક રડાર સિસ્ટમનો ઉપયોગ કરીને દેશની રક્ષા કરે છે, તે તમામ ટેકનોલોજીનો પાયો ડૉ. રાજેશ્વરી ચેટર્જી એન્જિનિયરિંગ સંશોધનો પર ટકેલો છે. જો તેમણે એ સમયે ભારતમાં આ સંશોધન ન કર્યું હોત, તો આજે ભારત ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી) અને સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રે આટલું આત્મનિર્ભર ન બની શક્યું હોત. આપણી આંગળીના ટેરવે ચાલતું ડિજિટલ ભારત આ મહાન નારીનું ઋણી છે.

ડૉ. રાજેશ્વરી માત્ર એક મહાન વૈજ્ઞાનિક જ નહોતા, પણ એક અદ્ભુત શિક્ષક હતા. તેમણે પોતાના ૩૦ વર્ષથી વધુના કરિયરમાં સેંકડો એન્જિનિયરો તૈયાર કર્યા જે આજે વિશ્વભરમાં ભારતનું નામ રોશન કરી રહૃાા છે. નિવૃત્તિ પછી પણ તેઓ શાંત બેઠા નહીં. તેમણે ગરીબ અને પછાત વર્ગની દીકરીઓને વિજ્ઞાન અને એન્જિનિયરિંગ તરફ વાળવા માટે અનેક સામાજિક સંસ્થાઓ સાથે મળીને કામ કર્યું. ૩ સપ્ટેમ્બર, ૨૦૧૦ના ૮૮ વર્ષની વયે તેમણે આ દુનિયામાંથી વિદાય લીધી.

જામનગર આજે ઉદ્યોગો, ડિજિટલ કનેક્ટિવિટી અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઝડપથી દોડી રહૃાું છે. આવા પ્રગતિશીલ શહેરમાં બેસીને જ્યારે આપણે સ્માર્ટફોન વાપરીએ છીએ, ત્યારે ડૉ. રાજેશ્વરી ચેટર્જી જેવા પથદર્શક વૈજ્ઞાનિકને યાદ કરવા ઘટે. તેમનું જીવન સાબિત કરે છે કે જો ભારતની દીકરીઓ ધારે, તો તે માત્ર ઘર જ નહીં, પણ દેશના ભવિષ્યને આધુનિક ટેકનોલોજીના વાયરથી જોડીને દેશને મહાસત્તા બનાવી શકે છે. આપણી આવનારી પેઢીએ આવી વિરાટ પ્રતિભાઓના જીવનમાંથી પ્રેરણા લેવાની જરૂર છે.

આલેખનઃ- સોનુ શર્મા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh