Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લામાં વધુ ત્રણ સ્થળોએ 'પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો' કાર્યરત

જામનગરના રણમલ તળાવ ઉપરાંત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: રણમલ તળાવ પછી જામનગર જિલ્લામાં વધુ ત્રણ સ્થળોએ 'પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો' કાર્યરત કરાયા છે. કાલાવડ, લાલપુર અને ધ્રોલમાં નવા કેન્દ્રોનું લોકાર્પણ કરાતા ગ્રાહકોને સ્થાનિક કક્ષાએ જ શુદ્ધ અને રસાયણમુકત આહાર મળશે.

જામનગર શહેરમાં રણમલ તળાવ પાસે સફળતાપૂર્વક કાર્યરત પ્રાકૃતિક કૃષિ બજાર બાદ હવે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે વહીવટીતંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. ગુજરાત સરકારના ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા 'આત્મા' પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની રસાયણમુક્ત કૃષિ પેદાશો માટે સ્થાનિક સ્તરે યોગ્ય બજાર ઉપલબ્ધ થાય તેમજ નાગરિકોને ગુણવત્તાસભર અને આરોગ્યપ્રદ ઉત્પાદનો સરળતાથી મળી રહે તેવા આશય સાથે કાલાવડ, લાલપુર અને ધ્રોલ તાલુકામાં નવા 'પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો'નું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ અંતર્ગત કાલાવડ તાલુકામાં રાજકોટ જામનગર હાઇવે પર જશાપરમાં આ વેંચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી સેજલબેન બથવારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી, આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ સહિત સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહૃાા હતા. જ્યારે લાલપુર તાલુકામાં તાલુકા પંચાયત કચેરી પાસે નવઘડતર પામેલા કેન્દ્રનું ઉદ્ઘાટન તાલુકા વિકાસ અધિકારી કે.આર. ચુડાસમાના હસ્તે કરાયું હતું. આ તકે ઉપસ્થિત અધિકારીઓએ પ્રાકૃતિક ખેતીના વ્યાપક પ્રચાર-પ્રસાર અને ગ્રાહકો સુધી પૌષ્ટિક આહાર પહોંચાડવા અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ધ્રોલ તાલુકામાં ચંદ્રસિંહજી શાક માર્કેટ યાર્ડ પાસે તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ લીંબાસિયાના હસ્તે વેચાણ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સંયુક્ત કાર્યક્રમમાં ધ્રોલ અને જોડિયા તાલુકાના પદાધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી, કૃષિ વિભાગ અને આત્મા પ્રોજેક્ટના કર્મચારીઓ વિશેષ રૂપે હાજર રહૃાા હતા.

આ ત્રણેય નવા વેચાણ કેન્દ્રો શરૂ થવાથી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને પોતાની રસાયણમુક્ત શાકભાજી, અનાજ, કઠોળ, ફળો, વિવિધ મસાલા, શુદ્ધ ગોળ તેમજ ઘાણીનું તેલ જેવા ઉત્પાદનો વચેટિયાઓ વિના, સીધા ગ્રાહકોને વેચીને વધુ નફો મેળવવાની ઉત્તમ તક મળશે. બીજી તરફ, આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માંગતા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય નાગરિકોને એક જ સ્થળેથી વિશ્વાસપાત્ર પ્રાકૃતિક પેદાશો સરળતાથી ઉપલબ્ધ થશે.

જામનગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધવાની સાથે ખેડૂતો આર્થિક રીતે વધુ સમૃદ્ધ બને અને ગ્રાહકોને ઝેરમુક્ત ખોરાક મળે તે માટે જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ સતત કાર્યશીલ છે. આગામી સમયમાં જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ આવા વધુ કેન્દ્રો શરૂ કરી ખેડૂતોને યોગ્ય બજાર વ્યવસ્થા પૂરી પાડવાનું આયોજન વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh