Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોની બેદરકારીના કારણે તૂટી પડેલા વાયરના કારણે યુવાનનું થયું હતું મૃત્યુ

રૂ।.ર૧ લાખ ૮ર હજાર ચૂકવવા કોર્ટનો હુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના નીતિનભાઈ નેમચંદભાઈ માલદે તથા તેમના પત્ની મયુરીબેન નીતિનભાઈ માલદે હાલ નિવૃત્તિ જીવન જીવે છે. ગુજ. સાગર નીતિનભાઈ માલદે વાદીઓના પુત્ર થતા હતા અને તેની આવક પર પોતાનું ગુજરાન ચલાવતા હતા. વાદીઓ સાગરના આશ્રિત હતા. જ્યારે અન્ય પુત્ર મીત અભ્યાસ કરે છે. ગુજરનાર સાગર બનાવના દિવસે તા.૩-૧૧-૧૯ના મોટરસાયકલ લઈ ગુજ.ના મોટા કાકાના કામસર બહાર ગયો હતો અને રાત્રે ૧૧:૩૦ વાગ્યે ઘરે પરત આવ્યો હતો.

આ સમયે ઘર મુખ્ય રોડ પર આવેલુ હતું અને ત્યાં રોડ પરથી પોતાનું મોટરસાયકલ ફલેટમાં આવવા માટે અમારા ઘરમાં ખુલ્લુ ફળીયુ આવે છે તેના મુખ્ય દરવાજા પાસે પાર્ક કર્યું હતું. મોટરસાયકલ પર બેસવા જતા અને મોટરસાયકલ ફળીયામાં પાર્ક કરવા જતા રોડ પર જીવંત વીજવાયર તૂટીને પડ્યો હતો અને શોક લાગ્યો હતો.

આ અંગે ફલેટ નીચે દેકારો થતા વાદી નીચે આવી જોતા ગુજરનાર પુત્ર બેશુદ્ધ હાલતમાં નીચે પડ્યો હતો. જેથી વાદીએ ભત્રીજા નિરવ ગિરીશભાઈ માલદેને ફોન કરી તુરંત ઘરે આવી જવા જણાવતા તે તથા તેમના પિતા ઘરે આવી ગયા હતા. આ દરમિયાન ૧૦૮ને ફોન કર્યાે હતો અને પ્રતિવાદીની ઓફિસમાં આ અંગે ફોનથી જાણ કરી પ્રતિવાદી કંપનીના માણસો આવેલા અને પાવરની સપ્લાય બંધ કરાવી હતી. ત્યારપછી સાગરને ૧૦૮ મારફતે જી.જી. હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયા હતા ત્યાં ફરજ પરના તબીબે મરણ ગયાનું જાહેર કર્યું હતું.

આ યુવાનના મૃતદેહનું પીએમ કરાવાયંુ હતું. વીજળીનો કરંટ લાગવાના કારણે અવસાન થયાનું જાહેર થયું હતું. આ બાબતની સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. વાદીનો પુત્ર ગ્રેજ્યુએટ થયો હતો અને બનાવના અરસામાં વાદીનો પુત્ર ગુજ. સાગર જેકપ મેરીન્ડ પ્રા.લી. ડીટીએમાં કાયમી નોકરી કરતો હતો તેનું પ્રોવિડન્ડ ફંડ પણ કપાતું હતું અને માસિક રૂ।.૧૫ હજાર કમાતો હતો. આ કામમાં જાહેર રોડ પર તેમજ ઘરની અંદર પાવર સપ્લાયની જવાબદારી પ્રતિવાદી નં.૧ની અને જાહેર રોડ ઉપરની જાળવણીની જવાબદારી પ્રતિવાદી નં.ર જામનગર મહાપાલિકાની છે. જીવતો વાયર જાહેર રોડ પર આવેલ ઈલેકટ્રીક પોલમાંથી પસાર થતો જીવતો વાયર રોડ પરથી વાદીના ગેઈટ પાસે બહારના ભાગે લટકતી હાલતમાં પડ્યો હતો અને કુદરતી પણે કમ્પાઉન્ડના દરવાજા પાસે ગુજરનારે પોતાનું મોટરસાયકલ પાર્ક કરતા જીવતા વાયરને અડી જતા હાલનો બનાવ બન્યો હતો અને જેને કારણે હાલનો અકસ્માત બન્યો હતો.

ઉપરોક્ત બાબત જણાવી નીતિનભાઈ તથા મયુરીબેને સિવિલ કોર્ટમાં દાવો કરી વળતર માંગ્યું હતું. તે દાવો ચાલી જતાં અદાલતે રૂ।.ર૧ લાખ ૮ર હજાર છ ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા જામ્યુકોને હુકમ કર્યાે છે. હુકમ મુજબની રકમ ન ચૂકવવામાં આવે તો જામ્યુકોની સ્થાવર જંગમ મિલકતમાંથી તેને વસૂલ મેળવવા અદાલતે આદેશ કર્યાે છે. વાદીઓ તરફથી વકીલ નિતલ ધ્રુવ, ડેનિશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, અલ્ફાઝ મુંદ્રા, અશ્વિન સોનગરા, પ્રિતેશ ભટ્ટ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh