Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષના નામની પસંદગીમાં હજી પણ ભારે ખેંચતાણ !

'યહ અંદર કી બાત હૈ...!'

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૬૪ માંથી ૬૦ બેઠકો જીતીને અભૂતપૂર્વ બહુમતિ સાથે સત્તા પ્રાપ્ત કરી લીધી છે. આગામી અઢી વર્ષના સમયગાળા માટે ભાજપના મોવડી મંડળ દ્વારા જામનગર મહાનગરપાલિકાના પાંચ મહત્ત્વના પદ પર ચૂંટાયેલા સભ્યોમાંથી પસંદગી કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવાય છે, પણ અંતરંગ વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ જામનગર મહાનગરપાલિકામાં ખૂબ જ મહત્ત્વના ગણાતા સ્થાયી સમિતિના અધ્યક્ષના પદ પર નામની પસંદગીમાં સ્થાનિક નેતાઓમાં ભારે ખેંચતાણ થઈ રહી હોવાથી હજી સુધી પાંચેય પદ માટે નામની પસંદગી પણ ખોરંભે પડી ગઈ છે!

જો કે, આગામી ર૬ મી મે ના દિવસે નવા ચૂંટાયેલા બોર્ડની પ્રથમ જનરલ બેઠક યોજાનાર હોય, તે અગાઉ તો કોઈ અંતિમ નિર્ણય કરી લેવો જ પડશે.

જામનગર મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષના સમયગાળા માટે મેયર પદ મહિલા (સામાન્ય) અનામત છે તેથી અગાઉ પણ ઉલ્લેખ થયો જ છે કે મેયરના નામની પસંદગી કઈ જ્ઞાતિ કે ક્યા સમાજ અને ક્યા વોર્ડમાંથી થાય છે તેના પર બાકીના પદ માટેના નામની સીકવન્સ નક્કી થઈ શકે તેવી સ્થિતિ છે.

આગામી ર૦ર૭ માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે જામનગર મહાનગરપાલિકામાં મહત્ત્વના પદો પર સક્ષમ અને સ્થાનિક સ્તરે સર્વમાન્ય અને જ્ઞાતિ/સમાજના સમિકરણોનું સમાધાન થાય તેવી રીતે પસંદગી કરવામાં આવશે તે નક્કી છે, ત્યારે ૬૦ માંથી મોટાભાગના ચૂંટાયેલા સભ્યો પ્રથમ વખત જ ચૂંટાયા છે. આમ બે કે ત્રણ ટર્મથી ચૂંટાઈ આવેલા સભ્યોમાંથી સ્થાયી સમિતિના ચેરમેનનું નામ નક્કી થાય તો નવાઈ નહીં.

જામનગરમાં સ્થાયી સમિતિના અધ્યક્ષપદ માટે સ્થાનિક સ્તરે પક્ષના એક વગદાર નેતા દ્વારા પોતાના જ સમાજના સભ્યની પસંદગી માટે ભારે આગ્રહ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે, તો અન્ય એક સમાજમાંથી પણ આ પદ મળે તે માટે જોરદાર પ્રયાસો ચાલી રહ્યા છે. ભાજપની નેતાગીરી સમક્ષ ગત ટર્મમાં સ્થાયી સમિતિના અધ્યક્ષની કામગીરી અંગે ભારે ટીકા અને આક્ષેપો થયા હોવાથી ભાજપનું મોવડી મંડળ હવે છાસ પણ ફૂંકી ફૂંકીને પીવા માંગે છે...!!

સમગ્ર દેશમાં અત્યારે પેટ્રોલ-ડીઝલની તીવ્ર અછત જેવી સ્થિતિમાં સરકાર દ્વારા ચૂંટાયેલા પદાધિકારીઓ અને સરકારી ઉચ્ચ અધિકારીઓને સરકારી વાહનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે, ત્યારે પદાધિકારી બનવા અને લાલ લાઈટ સાથેની લક્ઝરી ગાડીમાં ફરવાની ઈચ્છા રાખનારાઓ આ સરકારી સુવિધાનો કેવો ઉપયોગ કરે છે તે જોવાનું રહ્યું...!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh