Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઠ આરોપીની અટકાયતઃ વિધિવત વિગતો ટૂંક સમયમાં જાહેર કરાશેઃ
જામનગર તા. ૨૧: જામનગરના બેડી વિસ્તારમાં વસવાટ કરતા સાયચાબંધુઓ સામે વધુ એક વખત કાયદાનો સકંજો કસવામાં આવ્યો છે. લાંબા સમયથી આ ગેંગની હરકતો પર નજર રાખીને પોલીસે એકત્રિત કરેલી વિગતો પછી આજે આ ગેંગના ૧૧ સામે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે અને આઠ આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. આ મુદ્દે નજીકના કલાકોમાં પોલીસ દ્વારા વિધિવત વિગતો જાહેર કરવામાં આવશે ત્યારે છેલ્લા બેએક મહિનામાં જ પોલીસે વધુ એક ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. બેએક મહિના પહેલાં બે નગરસેવકના જૂથો સામે આ ગુન્હો નોંધાઈ ચૂક્યો છે.
જામનગર નજીકના બેડી વિસ્તારમાં વસવાટ કરતા અને સાયચા ગેંગથી ઓળખાતા શખ્સો સામે થોડા સમયથી પોલીસ દ્વારા ગુપ્ત રીતે ગેંગની ગતિવિધિ સહિતની વિગતો એકત્ર કરવામાં આવી રહી હતી. તે પછી આજે સાયચા ગેંગના ૧૧ શખ્સ સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
બેડી વિસ્તારમાં વસવાટ કરતા એજાઝ સાયચા, હનીફ સાયચા, મહેબુબ સાયચા, ગુલામ સાયચા, રઝાક સોપારી, હુસેન સોપારી, અમીન નોતીયાર અને મોઈન સુમરા સહિતના ૧૧ સામે રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની સુચનાથી જામનગરના એસપી ડો. રવિમોહન સેની અને સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાની રાહબરી હેઠળ ઉપરોક્ત ગુન્હાની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
આ મુદ્દે હજુ ખાસ ખુલાસો કરવામાં આવ્યો નથી. તે દરમિયાન જાણવા મળ્યા મુજબ લાંબા સમયથી આ ગેંગ દ્વારા કેટલીક ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી તેની પર પોલીસની બાજનજર હતી. બેએક વર્ષ પહેલાં બેડી વિસ્તારમાં સાયચા ગેંગ દ્વારા એડવોકેટ હારૂન પાલેજાની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. ત્યારપછી આ ગેંગ સામે કાયદાકીય સકંજો કસવામાં આવ્યો હતો. તે દરમિયાન આ ગેંગના સાગરિત મનાતા રઝાક સોપારી અને અન્ય વ્યક્તિઓએ લોન પર મેળવવામાં આવેલા ટ્રક સહિતના વાહનો હસ્તગત કરી લઈ ટ્રકને ફાયનાન્સ આપનારી પેઢીને નવડાવી દીધાનો એક ગુન્હો પણ પોલીસ દફતરે નોંધાઈ ચૂક્યો છે ત્યારે તમામ સદસ્યો સામે કડક કાર્યવાહીનો નિર્દેશ જોવા મળી રહ્યો હતો. તે પછી આજે આ ગેંગના ૧૧ સામે ગુજસીટોક નોંધાયો છે. કુલ આરોપીમાંથી આઠ આરોપીની અટકાયત કરવામાં આવી છે. નજીકના કલાકોમાં પોલીસ દ્વારા તેની વધુ વિગતો જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, દોઢેક મહિના પહેલાં જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.૧રના નગરસેવક અલ્તાફ ખફી તથા અસલમ ખીલજી સામે રાજકોટ રેન્જ આઈજીની સૂચનાથી ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યા પછી બેડીના ૧૧ સામે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial