Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુદરતી ખેતી માટે સુષુપ્ત જ્વાળામુખીની રાખ અને લાવા મહત્ત્વનાઃ આપણો ગિરનાર પણ વાલ્કેનો ટુરીઝમની શક્યતાઓથી ભરપૂર છે!
વાલ્કેનો એટલે જ્વાળામુખી. આ સ્થળે જ્યારે વિસ્ફોટ થયા હોય અને તે દરમિયાન લાવા અને રાખ નીકળે તે સેંકડો કિલોમીટર વિસ્તારમાં ફેલાઈ જાય છે, અહીં ફળદ્રુપ જમીન સર્જાય છે. આ જ્વાળામુખી સુષુપ્ત થયા બાદ મોટા વિસ્તારમાં મોટી માત્રામાં રાખ, કાદવ જમા થાય છે. આ જમીનમાં ઊગતી ખેત પેદાશો પોષક તત્ત્વોથી ભરપૂર અને ઝેરી રસાયણોથી મુક્ત હોય છે. આ વિસ્તારમાં હવે લોકો ડિટોક્સ થવા માટે જઈ રહ્યા છે. વિશ્વમાં નવતર કહી શકાય તેવા વાલ્કેનો ટુરીઝમ કે વાલ્કેનો લાઈફનો ક્રેઝ વધી રહ્યો છે. ધનાઢ્ય લોકો કુદરત તરફ વળી રહ્યા છે. પ્રદૂષણ વધતાં તંદુરસ્ત જીવન માટે ઓર્ગેનિક વસ્તુઓ અપનાવી રહ્યા છે. રસાયણો મુક્ત ખોરાકની માંગ વધી રહી છે. દુનિયાની વિશાળ જનસંખ્યાની માંગને પહોંચી વળવા હાલમાં ઓર્ગેનિક ઉત્પાદનો અપૂરતા છે, તેથી મોંઘા છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં અને જૂનાગઢ નજીક સાસણના વિસ્તારોમાં ધનાઢ્ય લોકોના ઓર્ગેનિક ફાર્મ હાઉસ વધી રહ્યા છે. કેરળમાં ઓર્ગેનિક જીવનશૈલી ભરપૂર માત્રામાં ઉપલબ્ધ છે. ત્યાંનો મસાજ વિશ્વ પ્રસિદ્ધ છે. જો કે આ તો પરંપરાગત પ્રાચીન વ્યવસ્થા છે. સુષુપ્ત જ્વાળામુખીના કમાન્ડ વિસ્તારમાં જ્વાળામુખીના લાવા અને રાખ ઠંડા થતાં તે અતિ ફળદ્રુપ હોવાનો વૈજ્ઞાનિકોનો અભિપ્રાય છે. અહીં હવે ખેતી થવા લાગી છે, રાખના માલિશ, મસાજ કરવાનો ક્રેઝ વધ્યો છે!
વિશ્વમાં સુષુપ્ત જ્વાળામુખીઓ અનેક અને અસંખ્ય છે. બીજી તરફ ધગધગતા લાવા ઓકતા જ્વાળામુખીઓ પણ હૈયાત છે. ધરતીના પેટાળમાં ખદબદતા આ કુદરતી રાક્ષસ સામે આધુનિક વિજ્ઞાન પણ વામણું પુરવાર થયું છે. જ્યાં જ્વાળામુખી ફાટે ત્યાંથી સલામત ભાગી જવામાં જ શાણપણ છે. કારણ કે, આ દૈત્ય પૃથ્વીની રચના સમયથી અસ્તિત્વમાં છે અને હજુ ધરતીના અંત સુધી જીવિત રહેશે. ધરતીના પેટાળમાં ક્યાં, કેટલો, કેવો લાવારસ હૈયાત છે તેનું આકલન કરવું શક્ય નથી. ધરતી ઉપર ઉપસી આવેલા નાના મોટા પહાડો જ્વાળામુખીની રચના જ હોવાનું અનુમાન છે. એવરેસ્ટથી લઈને આપણા ગિરનાર સુધીના પર્વતો જ્વાળામુખી નામની ભૌગોલિક પ્રક્રિયાનું જ પરિણામ છે.
આકર્ષણ
પ્રદૂષણ અને માંદગીથી પીડાતા લોકો માટે તંદુરસ્ત જીવનશૈલી મુખ્ય આકર્ષણ છે. જ્યાં શુદ્ધ હવા અને ખોરાક મળે ત્યાં ધસારો વધે છે. સામાન્ય માણસ પણ જાણી ગયો છે કે બજારમાં મળતાં શાકભાજી અને બીજા ખોરાક કેમિકલથી ભરપુર હોય છે. રસાયણો વગર ખોરાક શક્ય નથી. કેરીને કાર્બનથી પકવવામાં આવે છે. ફુલાવર, કોબી, ટામેટાં, કેળાં જેવા તમામ શાકભાજી ફાયદા કરતા નુકસાન વધુ કરે છે. દૂધ, ઘી, તેલ નકલી બને છે. ખેતીમાં રસાયણોના બેફામ વપરાશથી હવે માંદગી હાથવગી થઈ ગઈ છે. રોગમાંથી સાજા થવા માટે મળતી દવાઓમાં પણ ભેળસેળ થઈ રહી છે, દવાઓ નકલી બને છે.
જાગૃતિ વધવાની સાથે લોકો હવે કુદરત તરફ વળી રહ્યા છે. ઓર્ગેનિક વસ્તુઓનું પ્રમાણ હજુ નહીંવત છે, તેથી મોંઘી પણ છે. કેટલીક ચીજો અને સુવિધાઓ કોમન મેન માટે હજુ દુર્લભ અને આર્થિક રીતે પહોંચની બહાર છે. આમ છતાં લોકો હવે કુદર તરફ સરકી રહ્યા છે. કુદરતી ઉત્પાદનો અને સેવાનું આકર્ષણ વધી રહ્યું છે.
પ્રક્રિયા
વાલ્કેનો એટલે એક સમયે ફાટેલા અને ત્યારબાદ સેંકડો વર્ષોથી સુષુપ્ત જ્વાળામુખી. જ્વાળામુખી ફાટે ત્યારે તેની સાથે લાવારસ, રાખ સહિતના ભૂગર્ભ ખનિજો ધરતી ઉપર ઠાલવે છે, જે કાળક્રમે પથ્થર કે માટીના સ્વરૂપે સ્થિર થાય છે. આ માટીમાં અદ્ભુત દ્રવ્યો હોય છે. જો અહી ખેતી કરવામાં આવે તો કોઈપણ જાતના કુદરતી કે રાસાયણિક ખાતર વગર પાક ઊગી શકે છે. આથી દુનિયાના આવા સુષુપ્ત જ્વાલામુખીના કમાન્ડ વિસ્તારમાં નૈસર્ગિક ખેતી કરવામાં આવે છે. આરોગ્ય અને તંદુરસ્તીની ચિંતા કરતા ધનાઢ્ય લોકો અહી આવી જ્વાળામુખીના કમાન્ડ વિસ્તારમાં ઊગેલી ખેત પેદાશો આરોગે છે. અહીં વહેતા શુદ્ધ અને સાત્ત્વિક પાણી ગ્રહણ કરે છે. દુન્યવી બાબતોથી દૂર રહે છે. અહીની રાખ કહો કે માટી, અદ્ભુત ગુણો ધરાવે છે, તેનો માલિશ કરવામાં આવે છે. આધુનિક ભાષામાં તેને મડ બાથ અથવા મડ મસાજ પણ કહેવામાં આવે છે. જ્વાલામુખીની રાખ અથવા માટીના પોષક ગુણોને કારણે શરીર નિરોગી બને છે. નવી ભાષામાં કહેવું હોય તો શરીર ડિટોક્સ થાય છે!
હવે ડિટોક્સની વ્યાખ્યા સમજીએ. સામાન્ય ખોરાક, હવા અને પાણીને કારણે શરીરમાં ઝેરી તત્ત્વો જામી જાય છે, જેનો સામાન્ય દવા કે શ્રમથી નિકાલ થતો નથી. આ ઝેરી તત્ત્વોને કારણે રક્તચાપ, સ્યુગર, કોલેસ્ટ્રોલ જેવી અનેક બીમારી આવે છે. આ ઝેરી તત્ત્વોનો નિકાલ કરવા માટે નીતનવી પદ્ધતિઓ પ્રચલિત છે. યોગ પણ તેમની એક છે. શરીરમાંથી ઝેરી તત્ત્વોનો નિકાલ કરવાની પ્રક્રિયા એટલે ડિટોક્સ!
પશ્ચિમના તબીબશાસ્ત્ર અનુસાર જ્વાળામુખીના વિસ્તારમાં પાકતા ખોરાક કે વહેતા પાણીમાં અદ્ભુત શક્તિ અને ઔષધિય ગુણો રહેલા છે. ધરતી ઉપર તેનાથી વિશેષ ગુણ બીજે ક્યાંય નથી.
હવાઈ ટાપુ
અમેરિકાના સૌથી મોટા ટાપુ હવાઈ ઉપર આજે પણ જ્વાળામુખી લબકારા મારે છે. વારંવાર લાવા વહે છે અને હજારો ચોરસ માઈલ વિસ્તારમાં લાવા ઠંડો થઈ જમીન બની ગયો છે. હવાઈ ટાપુ આજે વાલ્કેનો ટુરિઝમ માટે હોટ ફેવરિટ છે.
અન્ય
દુનિયામાં જાપાન, ચીલી, ગ્વાટેમાલા, તુર્કી, યૂથોપિયા, પોર્ટુગલ, રશિયા, ઈકવાડોર, શ્રીલંકામાં સક્રિય અથવા સુષુપ્ત જ્વાળામુખી છે. ભારતમાં આંદામાન સમુદ્ર સ્થિત બેરેન ટાપુ ઉપર હાલમાં એકમાત્ર સક્રિય જ્વાળામુખી માનવામાં આવે છે. તે પોર્ટ બ્લેરથી ૧૩૮ કિલોમીટરના અંતરે છે અને તેનો પહેલો વિસ્ફોટ ૧૭૮૭માં થયો હતો. ત્યારથી, ૨૦૨૧ સુધી તે ૧૦ થી વધુ વખત ધુમાડો અને ગરમીના મોજા ફેલાવી ચૂક્યો છે.
સક્રિય અથવા સંભવિત સક્રિય જ્વાળામુખી ઉપરાંત, વિવિધ વૈજ્ઞાનિકો અને અભ્યાસો દર્શાવે છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પાણીની અંદરના કેટલાક જ્વાળામુખી હોઈ શકે છે.
ગિરનાર
સૌરાષ્ટ્રમાં પથરાઈને પડેલો ગરવો ગઢ ગિરનાર પણ એક સમયનો સુષુપ્ત જ્વાળામુખી જ છે. આપણે આજે પણ કહીએ છીએ કે ગિરનાર પર્વત ઔષધિઓનો ભંડાર છે. આપણે તેના ઔષધિય મહત્ત્વને ભૂલી ગયા છીએ અને ધાર્મિક મહત્ત્વ વધી ગયું છે! ગિરનારમાં વસતા સાધુઓનું આયુષ્ય બહુ લાંબુ હોવાની માન્યતા છે. અહી અઘોરી લોકો પણ વસતા હોવાનું મનાય છે. ગિરનાર કરોડો વર્ષ પહેલાં સક્રિય જ્વાળામુખી હોવાનું મનાય છે અને તેની રચનામાં લાવા અને રાખ છે. જે હવે માટીનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. ગિરનાર પર્વત અલભ્ય જડીબુટ્ટી માટે કેમ અનુકૂળ છે? કારણ કે તે વાલ્કેનો માઉન્ટેન છે. અહીની અસંખ્ય ઔષધિઓ પારખવા માટે આયુર્વેદ નિષ્ણાતો પણ વર્ષોથી મહેનત કરી રહ્યા છે. દુર્લભ મૂળિયાં, પાંદડા, ડાંખળા, ફૂલ અને ફળનો પૂરતો અભ્યાસ થયો નથી.
ગિરનાર પર્વતને વાલ્કેનો લાઈફ કે પ્રવાસન સ્થળ તરીકે અલાયદો તારાવવો જોઈએ. આપણે ધર્મને મહત્ત્વ આપ્યું, પરતું કુદરતની ભેટને ભૂલી ગયા છીએ. આજના સમયમાં કહેવાય છે કે, જામસાહેબ અજાડ ટાપુ ઉપર ઊગતો બાજરો ખાય છે. કારણ કે અહીની જમીન અને હવા કુદરતી અને રસાયણો મુક્ત છે. ગિરનાર પર્વત અજાડ ટાપુ કરતાં અનેક ગણા વધુ કુદરતી ખનિજો અને ચોખ્ખી હવા ધરાવે છે.
ગિરનારની માટીની પણ પ્રયોગશાળામાં તપાસ કરવાની જરૂર છે. ત્યાં વધુ સંશોધનો કરવામાં આવે તો અમૂલ્ય ખજાનો મળી શકે. ગિરનારને પ્રવાસનને બદલે આયુર્વેદ માટે વિકસિત કરવાની જરૂર છે.
તુલસીશ્યામ
જૂનાગઢના વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થળ તુલસીશ્યામમાં ગરમ પાણીના ઝરા (કુંડ) પ્રસિદ્ધ છે. અહીં પાણી સતત ગરમ રહે છે. વૈજ્ઞાનિક કારણ એ છે કે પેટાળમાં ફોસફરસ હોવાને કારણે પાણી ગરમ રહે છે. આ પ્રકારના પાણીમાં સ્નાન કરવાથી ચામડીના રોગોમાં રાહત રહે છે અથવા મટી જાય છે. ભારતમાં આવા ગરમ પાણીના કુંડ અનેક જગ્યાએ આવ્યા છે. આ પણ એક વાલ્કેનો ઇફેક્ટ જ છે!
પ્રકાર
જ્વાળામુખી વિસ્ફોટના ત્રણ મુખ્ય પ્રકાર છે
(૧) મેગ્મેટિક વિસ્ફોટ એ સૌથી વધુ જોવા મળતો પ્રકાર છે. તેમાં મેગ્માની અંદર ગેસનું ડિકમ્પ્રેશન શામેલ છે જે તેને આગળ ધપાવે છે. ફ્રેટિક વિસ્ફોટ મેગ્માની નજીક હોવાને કારણે વરાળના સુપરહીટિંગ દ્વારા ચલાવવામાં આવે છે. આ પ્રકાર કોઈ મેગ્મેટિક પ્રકાશન દર્શાવતો નથી, તેના બદલે હાલના ખડકના દાણાદાર અને પથરીલા બને છે.
(૨) ફ્રેટિક વિસ્ફોટ મેગ્મા અને પાણીની સીધી ક્રિયાપ્રતિક્રિયા દ્વારા ચલાવવામાં આવે છે, ફ્રેટિક વિસ્ફોટોથી વિપરીત, જ્યાં કોઈ તાજો મેગ્મા સપાટી પર પહોંચતો નથી. આ વ્યાપક વિસ્ફોટ પ્રકારોમાં ઘણાં પેટા પ્રકારો છે. સૌથી નબળા હવાઇયન અને સબમરીન છે, પછી સ્ટ્રોમ્બોલિયન છે, ત્યારબાદ વલ્કેનિયન અને સુર્ટ્સિયન છે. મજબૂત વિસ્ફોટ પ્રકારો પેલિયન વિસ્ફોટ છે,
(૩) પ્લિનિયન વિસ્ફોટ-સૌથી મજબૂત વિસ્ફોટોને અલ્ટ્રા-પ્લિનિયન કહેવામાં આવે છે. સબગ્લેશિયલ અને ફ્રેટિક વિસ્ફોટો તેમના વિસ્ફોટ પદ્ધતિ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે, અને શક્તિમાં ભિન્ન હોય છે. જ્વાળામુખી વિસ્ફોટક શક્તિનું એક મહત્ત્વપૂર્ણ માપ જ્વાળામુખી વિસ્ફોટ સૂચકાંક છે, જે ૦ થી ૮ સુધીનો ક્રમનો સ્કેલ છે, જે ઘણીવાર વિસ્ફોટક પ્રકારો સાથે તેનું માપ સંબંધિત હોય છે.
પહેલું સુખ
ગુજરાતી કહેવત અનુસાર પહેલું સુખ તે જાતે નર્યા છે. માણસ કાયમ આ સુખની શોધમાં ભટકે છે. જો કે વસ્તી વધારા અને સ્વાર્થને કારણે શરીર સુખ હવે દોહ્યલું બની ગયું છે. બાબા રામદેવ યોગને અપનાવવા માટે આહવાન કરે છે. માણસ નીતનવા અખતરાઓ કરીને પણ સુખી નથી થતો. આયુર્વેદમાં પણ પેટની સ્વસ્થતા મહત્ત્વની ગણવામાં આવી છે. ઉપવાસ તેનું મહત્ત્વનું માધ્યમ છે. કદાચ પહેલા સુખ માટે વાલ્કેનો થેરાપી કારગર નિવડે પણ ખરી! મસાજ થેરાપીમાં કાદવમાં સ્નાન કરવાને મહત્ત્વ આપવામાં આવ્યું છે, તે કદાચ વાલ્કેનો મસાજનું સસ્તું અને સરળતાથી ઉપલબ્ધ વર્ઝન પણ હોઈ શકે છે!
'નોબત'ના વાચકો અને ચાહકોને શરીર સુખ સરળતાથી અને કાયમ માટે મળી રહે તેવી શુભેચ્છા.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial