Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં વર્ષ-૨૦૨૫ દરમિયાન ૩૦ આઈએએસ અધિકારી ઉપલબ્ધ થશેઃ મંત્રી ઋષિકેશ પટેલ

રાજય સરકારના મંત્રીએ દોષનો ટોપલો કોંગ્રેસ પર ઢોળ્યો !

ગાંધીનગર તા. ૨૧: ગુજરાત વિધાનસભામાં મુકાયેલા પ્રશ્નના જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં વર્ષ-૨૦૨૫ દરમ્યાન ૩૦ આઈએએસ અધિકારીઓ ઉપલબ્ધ થશે. રાજયમાં આઈએએસ અધિકારીનું મંજુર મહેકમ ૩૧૩ છે. જેમાં ૧૪ અધિકારી હાલ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર છે. સીધી ભરતીથી આઈએએસ અધિકારીની દેશમાં ભરાયેલ સરેરાશ ૮૩.૩૯ ટકા જગ્યાઓની સામે ગુજરાતમાં ૮૪.૮૬ ટકા જગ્યાઓ ભરાયેલી છે. વર્ષ ૧૯૯૨થી ૧૯૯૪ દરમિયાન ગુજરાતમાં તાત્કાલીન કોંગ્રેસ સરકારે સીધી ભરતીના કોઈ આઈએએસ અધિકારીની નિમણૂક ન કરવા કરેલ નિર્ણયની ખોટ આજે પણ રાજ્યમાં વર્તાઈ રહી છે. રાજયમાં છેલ્લા પાંચ વર્ષમાં સીધી ભરતીથી ૪૧ આઈએએસ અને બઢતી તેમજ પસંદગીથી ૫૪ મળીને કુલ ૯૫ આઈએએસ અધિકારી મળ્યા છે.

ગુજરાત વિધાનસભાની પ્રશ્નોતરીકાળ દરમિયાન તા. ૩૧-૧૨-૨૦૨૪ની સ્થિતિએ રાજ્યમાં આઈએએસ અધિકારીઓની કુલ મંજૂર અને ખાલી જગ્યાઓ તેમજ સેન્ટ્રલ ડેપ્યુટેશનની સ્થિતિ સંદર્ભે પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં આઈએએસ  અધિકારીનું મંજુર મહેકમ ૩૧૩ છે. જેમાં  ૧૪ અધિકારી હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે અને ૫૬ જગ્યાઓ ખાલી છે.

મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, ફેબ્રુઆરી-૨૦૨૫ દરમિયાન રાજ્ય મુલ્કિ સેવા અધિકારીઓમાંથી બઢતીથી ૨૦ તથા નોન-એસસીએસ અધિકારીઓમાં પસંદગીથી ૨ મળીને કુલ-૨૨ આઈએએસ અધિકારીઓ, તેમજ ઑક્ટોબર-૨૦૨૫ સુધીમાં સીધી ભરતીથી અંદાજિત ૦૮ આઈએએસ મળીને ૩૦ આઈએએસ અધિકારીઓ રાજ્ય સરકારને ઉપલબ્ધ થશે. આઈએએસ (કેડર) રુલ્સ ૧૯૫૪ પ્રમાણે આઈએએસ માળખું કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારનાં પરામર્શમાં નક્કી કરાય છે. જેની દર પાંચ વર્ષે સમીક્ષા કરવામાં આવે છે.

છેલ્લે વર્ષ-૨૦૧૮ માં થયેલ સમીક્ષા પ્રમાણે આઈએએસ સંવર્ગમાં હાલ ૩૧૩ મહેકમ નિર્ધારીત થયેલ છે .જેમાં કેડર પોસ્ટ એટલે કે સીનિયર ડ્યુટી પોસ્ટ-૧૭૦, સેન્ટ્રલ ડેપ્યુટેશન રીઝર્વ  ૬૮, સ્ટેટ ડેપ્યુટેશન રીઝર્વ  ૪૨,  લીવ રીઝર્વ  ૨૮ અને ટ્રેનિંગ રીઝર્વ  ૦૫ છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ- ૨૦૨૪ માં ૩૪૩ એટલે કે નવીન ૩૦ આઈએએસની જગ્યાઓ વધારી સંખ્યાબળ નિર્ધારીત કરવા માટે  કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે.

ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષે સીધી ભરતીથી ૮ થી ૯ આઈએએસ મળતા રહૃાા છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતને સીધી ભરતીથી કુલ ૪૧ આઈએએસ અધિકારી મળ્યાં છે.

પરંતુ વર્ષ ૧૯૯ર થી ૧૯૯૪ દરમ્યાન ત્રણ વર્ષમાં તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા રાજ્યમાં સીધી ભરતીના કોઇ આઈએએસ અધિકારીની નિમણૂક ન કરવા લીધેલ નિર્ણયની ખોટ આજે પણ રાજ્યમાં વર્તાઇ રહી છે.

તેમણે વધુ વિગતો આપતા જણાવ્યુ હતું કે, રાજ્યમા આઈએએસ માટે સીધી ભરતીથી  નિર્ધારીત જગ્યાઓ ૨૧૮ છે જેમાં હાલ ૧૯૦ ભરાયેલી છે. બઢતીથી આઈએએસ માં નિયુક્ત થવા પાત્ર જગ્યાઓ ૮૧  છે જેમાં ૫૭ ભરાયેલી છે . પસંદગીથી આઈએએસમાં નિયુક્ત થવા પાત્ર (નોન સિવિલ સ્ટેટના અધિકારીઓમાંથી) કુલ ૧૪ જગ્યાઓ પૈકી ૧૦ ભરાયેલ છે. આમ કુલ નિર્ધારીત મહેકમ ૩૧૩ માંથી ૨૫૭ ભરાયેલ છે.

ઉલ્લેખનિય છે કે ભરતીથી દેશમાં ભરાયેલ સરેરાશ ૮૩.૩૯% ની સામે ગુજરાતમાં ૮૪.૮૬% જગ્યાઓ ભરાયેલ છે. જ્યારે બઢતીથી ભરવાની જગ્યાઓ દેશમાં સરેરાશ ૭૪.૮૬%ની સામે ગુજરાતમાં ૭૮.૯૫% ભરાયેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh