Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર યાર્ડ પાસે થયેલી રૃા.૨૦ લાખની લૂંટનો ગુન્હો ઉકેલાયોઃ બે શખ્સની અટકાયત

અન્ય બેની શોધખોળઃ રૃા.૧૮.૫૦ લાખ રોકડા સહિતનો મુદ્દામાલ કબજેઃ

જામનગર તા.૧૮ ઃ જામજોધપુરના માર્કેટીંગ યાર્ડ પાસે ગયા મંગળવારે એક વેપારીની રૃા.૨૦ લાખ ભરેલી થેલીની લૂંટ થઈ હતી. તે ગુન્હામાં એલસીબીએ મૂળ યુ.પી.ના અને હાલમાં સુરતમાં રહેલા શખ્સની અટકાયત કર્યા પછી ગુન્હાનો ભેદ ઉકેલાયો છે. આ શખ્સે નાની રાફુદળના એક શખ્સની મદદગારીથી લૂંટ કરી હતી. જયારે યાર્ડના જ એક શખ્સ અને ભાયાવદરના એક શખ્સની બાતમીથી લૂંટને અંજામ આપ્યો હતો. હાલમાં બેની અટકાયત કરાઈ છે અને બેની શોધ હાથ ધરાઈ છે. રૃા.૧૮ લાખ ૫૦ હજાર રોકડા, મોબાઈલ, બાઈક ઝબ્બે લેવાયા છે.

જામજોધ૫ુરમાં આવેલા માર્કેટીંગ યાર્કમાં યમુના ટ્રેડીંગ નામની પેઢી ચલાવતા ભૌતિકભાઈ પ્રવીણભાઈ રામોલીયા ગયા મંગળવારે બપોરે અગિયારેક વાગ્યે પોતાના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા માટે એચડીએફસી બેંકમાં ગયા હતા. જ્યાંથી રૃા.૨૦ લાખ રોકડા લઈ તેઓ આ રકમ સફેદ રંગની થેલીમાં મૂકી અને થેલી મોટર સાયકલની પેટ્રોલ ટાંકી પર રાખી રવાના થયા હતા.

તેઓ જ્યારે માર્કેટીંગ યાર્ડના દરવાજા પાસે પહોંચ્યા ત્યારે બાજુમાં આવેલું યામાહા કંપનીનું બાઈક અને તેમાં રહેલા બે શખ્સે હાથ લંબાવી રૃા.૨૦ લાખની રોકડવાળી થેલીની ઝૂંટ મારી હતી અને ગણતરીની સેકન્ડોમાં આ શખ્સો નાસી ગયા હતા.

બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્કવોડ દોડી ગઈ હતી. એસપી પ્રેમસુખ ડેલુની સૂચનાથી જુદી જુદી ટીમની રચના કરાઈ હતી અને એલસીબી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ, પી.એન. મોરીની ટીમ સીસીટીવી ફૂટેજ ચકાસવા ઉપરાંત ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરી આરોપીઓના સગડ દબાવતી હતી.

તે દરમિયાન આરોપીઓ અંગે ઉપલેટા, જેતપુર, ગોંડલ, ધોરાજી, જામ કંડોરણા તથા સુરત સુધી તપાસનો દૌર લંબાવાયો હતો. જેમાં લૂંટમાં વપરાયેલા બાઈકની ઓળખ મળવા પામી હતી. યામાહા કંપનીનું એફઝેડ મોટરસાયકલ લૂંટમાં વપરાયું હોવાની અને તે બાઈક સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરાયું હોવાની વિગત બહાર આવી હતી. તેથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ અને એલસીબી સ્ટાફ દ્વારા કાલાવડથી જામકંડોરણા વચ્ચે વોચ રખાઈ હતી.

એલસીબીના સંજયસિંહ, દિલીપ તલાવડીયા, હિતુભા, શિવભદ્રસિંહ, હરદીપ ધાધલ, ફિરોઝ ખફી, રાકેશ ચૌહાણને બાતમી મળી હતી કે, બે આરોપી કંડોરણાથી બાઈકમાં આવી રહ્યા છે. તે બાતમીને નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમારે ટેકનિકલ એનાલિસીસથી ચેક કર્યા પછી બાઈક પર જઈ રહેલા મૂળ યુ.પી.ના અને હાલમાં સુરતના રહેવાસી દસ્તગીર શકીલ કુરેશીની અટકાયત કરી હતી.

આ શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ કરાતા તેણે ત્રણ દિવસ પહેલા જામજોધપુર યાર્ડ પાસેથી રૃા.ર૦ લાખની રોકડની લૂંટ ચલાવ્યાની કબૂલાત આપી છે અને આ ગુન્હામાં ઉપલેટાના ભાયાવદરના ધવલ અશોકભાઈ સીણોજીયા તથા જામજોધપુરના દિલીપ વિઠ્ઠલભાઈ કાંજીયા ઉર્ફે મુન્નાની મદદગારી હોવાનું કબૂલી પોતાની પાસે રહેલી થેલીમાંથી રૃા.સાડા અઢાર લાખ કાઢી આપ્યા છે. એલસીબીએ તે રકમ, બે મોબાઈલ અને ગુન્હામાં વપરાયેલું રૃા.રપ હજારનું બાઈક કબજે કર્યું છે.

આ આરોપીની શરૃ કરાયેલી પૂછપરછમાં ખૂલ્યું છે કે, જામજોધપુર યાર્ડમાં તિરૃપતિ ટ્રેડર્સ નામની દુકાનમાં નોકરી કરતા દિલીપ વિઠ્ઠલભાઈ અને ધવલ સીણોજીયાની બાતમી હતી કે, યાર્ડના વેપારીઓ અવારનવાર બેંકમાં મોટી રકમ ઉપાડવા જાય છે, હવે જ્યારે કોઈ વેપારી બેંકમાં પૈસા ઉપાડવા જાય ત્યારે તેઓને લૂંટી લેવા. તે માટે પ્લાન ઘડી દસ્તગીર તથા લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામના નરશી રવજીભાઈ ખાણધરે સુરતના ઉધના વિસ્તારમાંથી યામાહા મોટરસાયકલની ચોરી કરી હતી તે મોટરસાયકલ કોઈ ઓળખી ન જાય તે માટે નંબર પ્લેટમાં રહેલા છેલ્લા આંકડાઓ કાઢી નાખ્યા હતા. તે પછી ધવલ અને દિલીપે રેકી શરૃ કરી હતી. જેમાં ભૌતિકભાઈ વધુ પૈસા લઈને જાય છે તેવી બાતમી નરશી અને દસ્તગીર કુરેશીને આપવામાં આવી હતી અને તે બાતમીના આધારે મંગળવારે આ ગુન્હાને અંજામ આપવામાં આવ્યો હતો. એલસીબીએ હાલમાં ધવલ તથા દસ્તગીરની અટકાયત કરી છે અને નરશી તેમજ દિલીપની શોધ યથાવત રાખી છે.

આજે આરોપીઓને પત્રકારો સમક્ષ રજૂ કરી જણાવવામાં આવ્યા મુજબ દસ્તગીર સામે મધ્યપ્રદેશના ખરગોન પોલીસ સ્ટેશન, બળવાહ પોલીસ મથક તેમજ ઉદયનગર-દેવાસ પોલીસ સ્ટેશન અને સુરતના ખટોદરા તથા અઠવાલાઈન પોલીસ મથકમાં છ ગુન્હા નોંધાયા હોવાનું, નરશી ખાણધર સામે પણ છ ગુન્હા અને દિલીપ સામે વર્ષ ૨૦૦૫માં મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં એક યુવતીનું અપહરણ તથા દુષ્કર્મ ગુજારવા અંગે ગુન્હો નોંધાયો હોવાનું જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh