Advertisement
Author: નોબત સમાચાર

ફટાકડા ફોડવા પ્રશ્ને થઈ પડી મારામારી

મોહનનગર, ભારતવાસ, જૂના નાગના, કાલાવડમાં પાડોશીઓ બાખડ્યાઃ

જામનગર તા. ૧૭ઃ જામનગરના મોહનનગર તેમજ સુભાષબ્રિજ પાસે ભારત વાસમાં અને જૂના નાગના તથા કાલાવડ શહેરમાં ફટાકડા ફોડવાના મુદ્દે મારામારી થવાના પાંચ કિસ્સા પોલીસ દફતરે નોંધાયા છે. પોલીસે મહિલા સહિતના આરોપીઓ સામે ગુન્હો નોંધી તેમની ધરપકડ માટે તજવીજ કરી છે.

કાલાવડના સિનેમા રોડ પર આવેલી વૃંદાવન ડેરીની સામે વસવાટ કરતા ફાલ્ગુનીબેન હેમતલાલ ભટ્ટ તથા તેમના પરિવારજનો રવિવારની રાત્રે સાડા દસેક વાગ્યે પોતાના  ઘરમાં હતા. ત્યારે પાડોશમાં રહેતા હાર્દિક હરેશભાઈ ત્રિવેદી તેમના ઘરના દરવાજા સામે ફટાકડા ફોડતા હતા આથી ફાલ્ગુનીબેન તથા તેમના ભાઈ યોગેશભાઈએ ત્યાં ફટાકડા ફોડવાની ના પાડતા ઉશ્કેરાયેલા હાર્દિકે ગાળો ભાંડ્યા પછી બંને પર લાકડીથી હુમલો કરી માર માર્યો હતો. જેમાં ફાલ્ગુનીબેનને આંખ પાસે ઈજા થતાં તેઓ લોહીલુહાણ બની ગયા હતા. આ મહિલાએ કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના સુભાષબ્રિજ પાસે આવેલા પેટ્રોલપંપ પાછળના ભારતવાસમાં રહેતા હમીરભાઈ ચનાભાઈ મકવાણા નામના વૃદ્ધનો પૌત્ર દિવાળીની રાત્રે પોતાના ઘર પાસે ફટાકડા ફોડતો હતો ત્યારે ત્યાં જ રહેતા હરીશ લખુભાઇ ખાણીયા નામના શખ્સે ફટાકડા ફોડવાની ના પાડી ફડાકો ઝીંકયો હતો. તે બાબતની દાદા હમીરભાઇને જાણ થતા તેઓ સમજાવટ કરવા ગયા હતા. આ વેળાએ ઉશ્કેરાયેલા હરીશ તથા તેના પુત્ર અજય ખાણીયા અને ચિરાગ ખાણીયાએ ઢીકાપાટુ અને લાકડીથી હુમલો કરી માર માર્યો હતો. આ વેળાએ હમીરભાઇના પત્ની વચ્ચે પડતા તેઓને હરીશે છરી વડે હુમલો કરી હાથમાં ઇજા કરી હતી. હમીરભાઇએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ગુલાબનગર સામે આવેલા મોહનનગરના ઢાળિયા પાસે શેરી નં.૯ નજીક રહેતા રમેશગીરી ગોપાલગીરી ગોસાઈ નામના બાવાજી યુવાન દિવાળીની રાત્રે પોતાના ઘરે હતા. ત્યારે તેઓની મોટર ઘર પાસે પાર્ક કરીને રાખવામાં આવી હતી. તે મોટર પાસે કેટલાક લોકો ફટાકડા ફોડતા હતા તેથી મોટર સળગી ઊઠશે તેવી ભીતિથી રમેશગીરી ત્યાં ફટાકડા ફોડતા હિમંાશુભાઈને સમજાવવા જતા દેવભાઈ તથા હિમાંશુભાઈએ તેમની સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. તે પછી દેવભાઈએ બેટ વડે, હિમાંશુભાઈએ લાકડી વડે તથા પ્રિયાબેન અને ભાવેશભાઈના પત્નીએ ઢીકાપાટુથી હુમલો કરી રમેશગીરીને માર માર્યો હતો.

આ ફરિયાદની સામે હિમાંશુભાઈ રણજીતભાઈ રસપુત્રા નામના બ્રહ્મક્ષત્રિય યુવાને વળતી ફરિયાદ નોંધાવી છે. તેઓએ જણાવ્યા મુજબ દિવાળીની રાત્રે તેઓ પોતાના ઘર પાસે આવેલા કોમન પ્લોટ માં ફટાકડા ફોડતા પુત્ર નિરવ પાસે હતા ત્યારે ત્યાં નજીકમાં જ રહેતા રમેશગીરી ગોસાઈએ ફટાકડા ફોડવાની ના પાડી હતી તેથી હિમાંશુભાઈ તેને સમજાવવા જતા ઉશ્કેરાયેલા રમેશગીરીએ ગાળો ભાંડી ઝપાઝપી કર્યા પછી પાઇપથી હુમલો કર્યો હતો. આ વેળાએ દોડી આવેલા રમેશગીરીના પત્ની ગીતાબેન તેમજ ભાઈ મુકેશગીરી ગોપાલગીરી અને આરતીબેન મુકેશગીરીએ  ઢીકા પાટુથી હુમલો કરી હિમાંશુભાઈ તથા તેમના પત્ની અને પુત્રીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ કરી છે.

 જામનગર તાલુકાના જૂના નાગના ગામમાં રહેતા અમીન લાલજીભાઈ પરમાર નામના સતવારા યુવાન દિવાળીની રાત્રે ગામના પાદરમાં ફટાકડા ફોડી રહ્યા હતા. ત્યારે ત્યાં નજીકમાં જ ગિરધર નાથાભાઈ ડાભી નામનો શખ્સ ફટાકડા ફોડતો હતો. આ વેળાએ ગિરધરે પોતાના ફટાકડા સળગાવીને અમીન પર નાખવાનું શરૃ કરતાં અમીને તેમ નહીં કરવા માટે સમજાવટ કરી હતી. આથી ઉશ્કેરાયેલા ગિરધરે ઝઘડો કર્યા પછી ઢીકા પાટુથી માર માર્યો હતો અને નજીકમાં પડેલો પથ્થર ઉપાડી હિમાંશુના માથામાં ઝીંક્યો હતો હિમાંશુએ બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh