Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જતાં પદયાત્રીઓ પર મોટર ફરી વળીઃ વૈભવી મોટરની ટક્કરે દંપતી ખંડિતઃ ખાડો તારવવા જતાં યુવાનને મોત મળ્યુંઃ
જામનગર તા. ૧૭ઃ દિવાળીના સપરમા તહેવારોમાં વાહન અકસ્માતના ચાર બનાવમાં છ વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે. જામનગરના ગાગવા ગામના પાટિયા પાસે ગુરૃવારની સવારે દ્વારકા જતા એક પદયાત્રી સંઘ પર મોટર ફરી વળતા ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. એક પ્રૌઢને ગંભીર ઈજા થઈ છે. ભાઈબીજની સાંજે નાની બાણુંગારના પાટિયા પાસે બેકાબુ બનેલી વૈભવી મોટરે આગળ બાઈક પર જતાં દંપતીને ટક્કર મારતા પતિનું મૃત્યુ નિપજ્યું છે. મહિલાને ઈજા થઈ છે. બેસતા વર્ષની બપોરે જાંબુડા ગામ પાસે બાઈક સાથે ઈકો ટકરાઈ પડતા એક યુવાનનું મૃત્યુ થયું છે અને કાલાવડના નવાગામમાં બાઈક સ્લીપ થતાં એક યુવાનનું માથામાં ગંભીર ઈજા થયા પછી મૃત્યુ નિપજ્યું છે.
જામનગરથી ખંભાળિયા વચ્ચેના ધોરીમાર્ગ ૫ર આવેલા મોટી ખાવડી ગામ નજીકના ગાગવા ગામના પાટિયા પાસેથી ગઈકાલે સવારે છએક વાગ્યે મોરબીથી દ્વારકા જતો પદયાત્રીઓનો એક સંઘ પસાર થઈ રહ્યો હતો. આ વેળાએ પાછળથી જીજે-૨-ડીએમ ૫૯૧૮ નંબરની મારૃતી સુઝૂકી કંપનીની બ્રેઝા મોટર પુરપાટ ચઢી આવી હતી.
આ મોટરના ચાલકે આગળ ચાલીને જઈ રહેલા મોરબીના રવાપર રોડ પર વસવાટ કરતા રમેશભાઈ ચતુરભાઈ ભાડજા (ઉ.વ.પર) તથા કરશનભાઈ ભગવાનજી ભાડજા (ઉ.વ.૬૫), પરેશભાઈ પ્રભુભાઈ લીખીયા (ઉ.વ.૩૭) તેમજ પ્રાણજીવન રતીલાલ ઠોરીયા (ઉ.વ.પપ) નામના ચાર વ્યક્તિને હડફેટે લીધા હતા. રોડ પર પછડાયેલા ઉપરોક્ત વ્યક્તિઓમાંથી રમેશભાઈ, કરશનભાઈ, પરેશભાઈના ગંભીર ઈજા થતાં મૃત્યુ નિપજ્યા છે. જ્યારે પ્રાણજીવનભાઈને ગંભીર ઈજાઓ થઈ છે. તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મોટરના ચાલક સામે મૃતક રમેશભાઈના પુત્ર કેવીનભાઈ ભાડજાએ મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરથી બેસતા વર્ષની બપોરે દડિયા ગામના કરમશી ઉકાભાઈ પાટડીયા તેમજ જયેશ રસીકભાઈ કશરેજા, હીરાભાઈ ભલાભાઈ કશરેજા, રવિ શૈલેષભાઈ સોયગામા, શિવ શૈલેષભાઈ સોયગામા, શોભનાબેન હીરાભાઈ કશરેજા નામના વ્યક્તિઓ જુદા જુદા બાઈકમાં જોડિયાના ખીરી ગામમાં આવેલા મંંદિરે દર્શનાર્થે જવા નીકળ્યા હતા.
ઉપરોક્ત વ્યક્તિઓ જ્યારે દર્શન કરીને જામનગર તરફ પરત ફરતા હતા ત્યારે જાંબુડા ગામ પાસે રિસોર્ટની ગોળાઈમાં જીજે-૧૦-ડીજે ૧૬૯૬ નંબરની ઈકો મોટર પુરપાટ ઝડપે દોડી આવી હતી અને રવિ સોયગામાના જીજે-૧૦-ડીએમ ૯૩૭૨ નંબરના બાઈક સાથે ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા રવિ સોયગામા (ઉ.વ.૧૭)નું માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે. પાછળ બેસેલા કરમશી ઉકાભાઈ પાટડીયાને ઈજા થઈ છે. પંચકોશી-એ ડિવિઝનમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના રાજપાર્ક વિસ્તાર પાસે આવેલા રમણ પાર્કમાં રહેતા દિનેશભાઈ મકવાણા તથા તેમના પત્ની અનીતાબેન ભાઈબીજના દિવસે સાંજે સાતેક વાગ્યે જીજે-૧૦-બીએચ ૧૭૯૫ નંબરના મોટરસાયકલમાં રાજકોટ તરફથી જામનગર આવી રહ્યા હતા. આ દંપતી જ્યારે નાની બાણુંગાર ગામના પાટિયા પાસે પહોંચ્યું ત્યારે પાછળથી જીજે-૧૦-ડીએન ૦૦૦૭ નંબરની બીએમ ડબલ્યુ મોટરે ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં બાઈક પરથી ઉછળીને રોડ પર પટકાયેલા દિનેશભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી જ્યારે અનીતાબેનને પગ તથા માથામાં ઈજા પહોંચી હતી. બંનેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી દિનેશભાઈને ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મૃતકના પુત્ર યશ મકવાણાએ પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએમડબલ્યુ મોટરના ચાલક જામનગરના ગુલમામદ જુમાભાઈ સાટી સામે ગુન્હો નોંધી તેની ધરપકડ કરી છે.
કાલાવડ તાલુકાના નવાગામમાં રહેતા મહેશભાઈ કેશુભાઈ રાઠોડ (ઉ.વ.૪૫) નામના યુવાન ધોકાના દિવસે પોતાના ભત્રીજા મેહુલ સાથે જીજે-૧૦-બીએચ ૧૯૦૩ નંબરના બાઈકમાં દૂધ લેવા માટે નીકળ્યા હતા. ત્યાંથી પરત જતી વખતે નવાગામમાં સરકારી હાઈસ્કૂલ નજીક રોડ ભંગાર બની ગયો હોવાથી ખાડા તારવવા જતાં મહેશભાઈએ બાઈક પરનો કાબુ ગૂમાવ્યો હતો. રોડથી નીચે ઉતરી ગયેલા બાઈકને ફરીથી રોડ પર લેવા જવાના પ્રયાસ વચ્ચે મોટરસાયકલ સ્લીપ થયું હતું. રોડ પર પડી ગયેલા મહેશભાઈને માથામાં ઈજા થઈ હતી. તેઓને કાલાવડ દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. ભત્રીજા મેહુલ ભરતભાઈ રાઠોડે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial