Advertisement
Author: નોબત સમાચાર

ઠંડી કે મોસમ મેં ગરમી કા અહેસાસ... રાજધાનીમાં ભાજપને ઝટકો, ગુજરાતમાં ગરમાતી રાજનીતિ,

                                                                                                                                                                                                      

ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે અને તંદુરસ્તીની સાથે સ્વાસ્થ્યની સતર્કતા રાખવાની મોસમ પણ શરૃ થઈ ગઈ છે. આ ઠંડીની મોસમમાં પણ રાજધાની દિલ્હીમાં અલગ જ અહેસાસ થઈ રહ્યો છે. એક તરફ દિલ્હીમાં વધતા પ્રદુષણને લઈને સુપ્રિમકોર્ટે રાજ્ય-કેન્દ્ર સરકારોનો કાન આમળ્યો હતો, અને દેશના શહેરોમાં વધી રહેલા પ્રદુષણની ચર્ચાઓ જોર પકડ્યું હતું તો બીજી તરફ સંસદના શોરબકોર અને રાજકીય હાકલા-પડકારાના કારણે પણ રાજનીતિ ગરમાઈ છે.

દિલ્હીમાં ભાજપને જંગી જીત આપીને કેજરીવાલની આમઆદમી પાર્ટીને નકાર્યા પછી દિલ્હીની જનતાનો મોહ ભંગ થયો હોય તેમ, એક પેટા ચૂંટણીનું રિઝલ્ટ આજે "ટોક ઓફ ધ કેપિટલ" બન્યું છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની એક પેટા ચૂંટણીમાં આમઆદમી પાર્ટીના ત્રણ નગરસેવકો ચૂંટાયા છે. આમઆદમી પાર્ટીએ એવો દાવો કર્યો છે કે ભાજપની ભ્રામક પ્રચાર-પદ્ધતિ તથા બિનબુનિયાદ આક્ષેપબાજીના કારણે વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં ભાજપને જનાદેશ આપનાર દિલ્હીની જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જનતા આમઆદમી પાર્ટીની સત્તામાં પુનઃ વાપસી ઈચ્છે છે.

આમઆદમી પાર્ટીએ દાવો કર્યો છે કે આ પેટા ચૂંટણીમાં 'આપ'ના વડા અરવિંદ કેજરીવાલ દ્વારા પસંદ કરાયેલા અને સમર્પિત એવા જનતાની વચ્ચે કામ કરતા આમઆદમી પાર્ટીના નગરસેવકો દિલ્હીની જનતાએ સ્વીકાર્યા છે.

એમસીડી (દિલ્હી મહાનગરપાલિકા)ની પેટા ચૂંટણી મોટા ફેરફારોના સંકેત આપે છે, અને થોડા સમયમાં જ ભાજપના શાસનનો અસલી ચહેરો સામે આવી જતા જનતાનો મોહભંગ થયો છે. દિલ્હીની જનતાની ચેતના વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને પ્રામાણિકતાના ચાર સ્તંભો પર ટકેલી આમઆદમી પાર્ટીમાં જ રહેલી છે, તે દિલ્હીની જનતાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેને રાજકીય ઘોંઘાટ નહીં પરંતુ સકારાત્મક રાજનીતિ ઈચ્છે છે. આમઆદમી પાર્ટીએ એવો દાવો કર્યો છે કે દિલ્હીનું હૃદય હજુ આમઆદમી પાર્ટી સાથે જ ધબકે છે.

હકીકતે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પછી પ્રથમ વખત એમસીડીના ૧૨ વોર્ડની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપને ૭ બેઠકો મળી, પરંતુ ભાજપનો ગઢ ગણાતી બે બેઠકો ભાજપે ગુમાવી, તો સંગમવિહારની બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી. આમઆદમી પાર્ટી જે ત્રણ બેઠકો પર જીતી છે, તે ત્રણ બેઠકો પર "આપ"ના જ નગરસેવકો હતા, અને આમઆદમી પાર્ટીએ પ્રતિષ્ઠિત ચાંદનીચોકની બેઠક ગુમાવી હોવાથી ભાજપ અને કોંગ્રેસ આમઆદમી પાર્ટીને આ ચૂંટણી જોરદાર વિજય મળ્યો હોવાના દાવાઓને નકારી રહી છે, અને કોંગ્રેસનો જનાદેશ વધ્યો છે, તેવો દાવો થઈ રહ્યો છે.

જો કે, આ પેટાચૂંટણી પછી ભાજપને ધારી સફળતા તો નથી જ મળી, પરંતુ થોડો રકાસ પણ થયો હોવાથી ભાજપને આત્મમંથન કરવા જેવું છે, જ્યારે કોંગ્રેસ બીજા ક્રમે રહી છે, તેમ છતાં ભાજપ નબળુ પડતા તેનો વધુ ફાયદો કોંગ્રેસને થશે, તેવા તારણો પણ વિશ્લેષકો કાઢી રહ્યા છે. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે પસંદગી થયા પછી એમસીડીમાંથી રાજીનામું આપનાર રેખા ગૂપ્તાએ પોતે ખાલી કરેલી બેઠક "શાલીમાર બાગ" પર ભાજપના ઉમેદવારને ૧૦ હજારથી વધુ મતોની જંગી લીડથી વિજય અપાવીને પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠા જાળવી રાખી છે. ભાજપની પાસે ૧૨ માંથી એમસીડીની જે પેટાચૂંટણી થઈ તે પૈકીની ૯ બેઠકો હતી, જેમાંથી બે બેઠકો ગુમાવી છે, અને આ જનાદેશ રાજ્ય અને કેન્દ્ર કક્ષાએ ભાજપની ઘટી રહેલી પ્રતિષ્ઠા અને લોકપ્રિયતાનો પૂરાવો છે, તેવા તારણો પણ નીકળી રહ્યા હોવાથી અત્યારે કોંગ્રેસ અને આપ ગેલમાં છે, જ્યારે ભાજપ ૯ માંથી ૭ બેઠકો પર થયેલા વિજયની ઉજવણી કરી રહ્યું છે !

આ તરફ ગુજરાતમાં ડ્રગ્સ અને દારૃના મુદ્દે રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી કરેલી કોમેન્ટનો શિક્ષણમંત્રીએ આપેલો જવાબ પણ ચર્ચામાં છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે ગુજરાતમાં જનાક્રોશ યાત્રા દરમ્યાન મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો રાજ્ય (ગુજરાત)માં વધતા ગેરકાનૂની શરાબના કારણે અસુરક્ષાની સ્થિતિ વકરી છે. ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર પટેલની એ ધરતી છે જયાં સત્ય, નૈતિકતા અને ન્યાયની પરંપરા રહી છે, જામનગરના ધારાસભ્ય અને ગુજરાતના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ રાહુલ ગાંધીની આ કોમેન્ટના જવાબમાં 'એકસ' પર લખ્યું છે કે ગુજરાતમાં મહિલાઓ વિરોધી અપરાધોની ટકાવારી માત્ર ૧.૪૮ ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૪ ટકાના અડધાથી પણ ઓછી છે. માતાઓ-બહેનોની સુરક્ષાના મામલે ગુજરાત દેશમાં નંબર વન હતું અને હજુ પણ રહેશે. યાદ રાખજો, વર્ષ ૨૦૨૭ની ચૂંટણીઓમાં (ગુજરાત વિધાનસભા)માં કોંગ્રેસ સિંગલ ડિજિટના આંકડામાં જ સમેટાઈ જશે.

દિલ્હી અને ગુજરાતમાં જુદા જુદા વિષયો પર થતા રાજકીય નિવેદનો તથા આક્ષેપો-પ્રતિઆક્ષેપોને તટસ્થ દૃષ્ટિએ મુલવીને જનતાનો મૂડ પારખવો હોય તો, તે માટે આગામી વર્ષે થનારી સ્થાનિક સ્વરાજ્યની ગુજરાતની ચૂંટણીઓના પરિણામોની રાહ જોવી પડે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh