Advertisement
Author: નોબત સમાચાર

મામલતદાર સાથેની મિટિંગમાં ખેડૂતોએ સર્વેક્ષણની કામગીરીની ચોખ્ખી ના પાડી દીધીઃ પ્રબળ વિરોધ

વસઈ એરપોર્ટ પ્રોજેક્ટના પ્રારંભ પહેલા જ પ્રથમ ગ્રાસે મક્ષિકાઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૪ઃ દ્વારકા નજીક વસઈ ગામે પ્રસ્તાવિત એરપોર્ટના પ્રાથમિક સર્વે કામગીરી પૂર્વે જ ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરી આ કામગીરીમાં સહભાગી બનવાની ચોખ્ખી ના પાડી દીધી છે.

દ્વારકા યાત્રાધામ નજીકના વસઈ અને આસપાસના ગામોમાં પ્રસ્તાવિત એરપોર્ટ પ્રોજેક્ટની પ્રાથમિક સર્વેની કામગીરી શરૃ થાય તે પહેલા જ ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

તાજેતરમાં દ્વારકા નજીકના વસઈ, કલ્યાણપુર, ગઢેચી અને મેવાસા ગામોની જમીન પર પ્રસ્તાવિત એરપોર્ટ પ્રોજેક્ટના સમાચારો પ્રકાશિત થયા બાદ આજરોજ એરપોર્ટ માટે સૂચિત જમીનોની ફળદ્રુપતા, સંપાદન સહિતના વિવિધ મુદ્દે વસઈ ગામે દ્વારકાના મામલતદાર ભેડા તથા અધિકારીગણની ઉપસ્થિતિમાં સ્થાનીય અસરગ્રસ્ત ખેડૂતોની બેઠક મળી હતી. જેમાં મામલતદાર દ્વારા ખેડૂતો પાસે ખેતરે ખેતરે જઈ જમીનોના સર્વેની કામગીરી અંગે પૂછતા ખેડૂતોએ એકસુરમાં વસઈ આસપાસના ગામોમાં પ્રસ્તાવિત એરપોર્ટ પ્રોજેક્ટનો વિરોધ કરી સર્વે કામગીરી કરવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો.

દ્વારકા યાત્રાધામમાં દર વર્ષે કરોડો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય, દ્વારકાધીશ મંદિર ઉપરાંત દ્વારકા દર્શન સર્કિટના બેટ-દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ તથા રૃક્ષ્મણી મંદિર જેવા તીર્થસ્થળોની મુલાકાત લે છે, તો બીજી તરફ શિવરાજપુરમાં આંતરરાષ્ટ્રીય દરજ્જો ધરાવતા બ્લ્યુ ફલેગ બીચ તેમજ ઓખા-બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ સહિતના પર્યટન સ્થળોની પણ મુલાકાત લેતા હોય, યાત્રાળુઓને રોડ તેમજ રેલ માર્ગ ઉપરાંત હવાઈમાર્ગે યાત્રાધામને જોડવા વસઈ ગામ આસપાસની જગ્યાને એરપોર્ટ માટે ફાઈનલ કરાઈ છે. જો કે, વસઈ આસપાસની ખેતીપ્રધાન ભૂમિ પરથી એરપોર્ટને અન્યત્ર ખસેડવાની માંગ સાથે ખેડૂતો દ્વારા શરૃઆતથી વિરોધનો સૂર ઉઠ્યો છે.

આકસ્મિક સંજોગોમાં જરૃર પડ્યે

આજે પણ વસઈના પાણીના ટેન્કરો બને છે નર્મદાના નીરનો મજબૂત વિકલ્પ

ઓખામંડળ ક્ષેત્ર આશરે એક દાયકા  પૂર્વ ઓછા વરસાદને કારણે સૌરાષ્ટ્રનો સૂકો પ્રદેશ ગણાતો હોય, ઉનાળાના સમયમાં તેમજ મોટાભાગે પીવાના પાણીની સમસ્યા ધરાવતો પ્રદેશ ગણાતો. એ સમયે પણ દાયકાઓ સુધી જ્યારે-જ્યારે ઓખામંડળ પંથકમાં પીવાના પાણીની જરૃરિયાત રહેતી ત્યારે વસઈ ગામના પાણીના ટેન્કરોની મદદથી પાણી સપ્લાય કરવામાં આવતી હોય, વસઈ આસપાસની જમીનની ફળદ્રુપતા એ સમયે પણ જોવા મળતી. આજે જ્યારે વરસાદી સીસ્ટમ એક દાયકાથી બદલી હોય, તેમજ નર્મદાના નીર સહિતના વિકલ્પો ઉપલબ્ધ થયા છે ત્યારે પણ આકસ્મિક જરૃરિયાતમાં વસઈના પાણીના ટેન્કર શ્રેષ્ઠ વિકલ્પ ગણાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh