Advertisement
Author: નોબત સમાચાર

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ હાલારની બે દિવસની મુલાકાતેઃ દ્વારકામાં વિવિધ કાર્યક્રમો

આવતીકાલે રાત્રે જામનગરમાં રોકાણઃ શનિવારે દ્વારકા જશેઃ

જામનગર તા. ૧૮ઃ કેન્દ્રિય ગૃહપ્રધાન આવતીકાલે રાત્રે ખાસ વિમાન માર્ગે જામનગર આવી પહોંચશે અને રાત્રિ રોકાણ સર્કિટ હાઉસમાં કર્યા પછી સવારે દ્વારકા જવા રવાના થશે જ્યાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપનાર છે. આ માટે સ્થાનિક તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલ શુક્રવારે રાત્રે બી.એસ.એફ.ના ખાસ વિમાન મારફત જામનગર આવી પહોંચનાર છે. તેઓનું જામનગર એરપોર્ટમાં મેયર, કલેક્ટર સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. ત્યારપછી તેઓ એરપોર્ટથી સીધા જ સર્કિટ હાઉસ પહોંચનાર છે જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે.

ત્યારપછી શનિવારે સવારે તેઓ જામનગરમાં સ્થાનિક અગ્રણીઓ સાથે બેઠક યોજ્યા પછી સવારે ૧૧ વાગ્યે દ્વારકા જવા રવાના થશે. ખાસ હેલિકોપ્ટર મારફત દ્વારકાના હેલીપેડમાં ઉતરણ કરશે જ્યાં સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી સહિતના આગેવાનો દ્વારા એરપોર્ટ ઉપર આવકારવામાં આવશે. આ પછી દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની શારદાપીઠની મુલાકાત લઈ ભગવાન દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરશે, ત્યારપછી નેશનલ એકેડેમી ફોર કોસ્ટલ પોલીસ સ્થળની મુલાકાત લેશે. ત્યારપછી મોજપ ગામમાં ભાજપ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, અને નેશનલ એકેડેમી ફોર કોસ્ટલ પોલીસનો શિલાન્યાસ કરશે. તેઓ મરીન કમાન્ડો ટ્રેનીંગ સેન્ટરની મુલાકાત લેશે. જ્યાં દેશની સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ   અધિકારીઓ સાથે સરહદી વિસ્તારની સલામતી અને કાયદો વ્યવસ્થા બાબતે પણ ચર્ચા કરનાર હોવાનું જાણવા મળે છે.   બપોરે ૩-પ૦ કલાકે દ્વારકા હેલીપડથી હેલિકોપ્ટર મારફત જામનગર માટે અને જામનગરથી ગાંધીનગર તરફ રવાના થશે.

જામનગરમાં આવતીકાલે રાત્રે કેન્દ્રિય ગૃહમંત્રીનું આગમન થનાર હોવાથી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં જામનગર મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી, પોલીસ વિભાગ વગેરેનો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh