Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદ- ગાંધીનગર જળબંબાકારઃ રાજ્યમાં ૨૩ જુન સુધી વરસાદની આગાહીઃ અલગ અલગ એલર્ટ જાહેર કરાયાઃ ૧૩૪ માર્ગો બંધ
અમદાવાદ તા. ૧૯: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે અને કેટલાક સ્થળે સાત ઈંચની વધુ વરસાદ પડ્યો છે. આહવા અને કપરાડામાં સાડા નવ ઈંચની આજુબાજુ વરસાદ નોંધાયો છે. ગાજવીજ સાથે મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે અને ૨૩ જુન સુધી હવામાન ખાતાએ વરસાદની આગાહી સાથે રેડ, યેલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.
ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહૃાો છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૬૦ તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં આહવામાં ૯.૮ ઈંચ, કપરાડામાં ૯.૫ ઈંચ, વઘઈમાં ૭.૭ ઈંચ અને સુબીરમાં ઈંચ વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ શહેરમાં બુધવાર (૧૮મી જૂન)ની રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. એસ. જી. હાઈવે, જોધપુર, વેજલપુર, વસ્ત્રાપુર, નહેરુનગર, પાલડી, વાસણા, જુહાપુરા, મકરબા, સરખેજ, નવાપુરા, ચાંગોદર, સાણંદ, બોપલ, શેલા અને શિલજ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે. અનેક અંડરપાસમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા.
રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત સાથે જ અમદાવાદમાં ગત મોડી રાતે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરમાં ધોધમાર વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. જેને લઈને વહેલી સવારે ઓફિસ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ ગાંધીનગરના પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
બીજી તરફ ગુજરાતમા ચોમાસાના પ્રાંરભે વરસેલા ભારે વરસાદને લઈને રાજ્યના ૧૩૪ માર્ગો બંધ છે. જેમાં ૧૦ સ્ટેટ હાઈવે ઉપર પાણી ફરી વળતા કે અન્ય કોઈ કારણોસર વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. તો ૨૮ અન્ય માર્ગો પણ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. પંચાયત હસ્તકના કુલ ૯૫ માર્ગો વાહનવ્યવહારમાટે બંધ કરાયા છે. ભાવનગરમાંથી પસાર થતો ૧ નેશનલ હાઈવે ભારે વરસાદને કારણે બંધ કરાયો છે.
રાજ્યમાં આ સાર્વત્રિક વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે અને રાજ્યભરના ડેમમાં નવા નીરની આવક થઈ છે. ચોમાસાના આ પ્રથમ વરસાદે જ રાજ્યના ડેમોની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. હાલમાં ૧૧ ડેમ હાઇઍલર્ટ પર છે, જ્યારે ૧૩ ડેમ ઍલર્ટ પર અને ૧૦ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.
હવામાન વિભાગ અનુસાર, આજે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યા રાજ્યના અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
રાજ્યમાં આગામી ૨૦-૨૧ જૂનના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. ૨૨ જૂને રાજ્યના ૯ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ રહેશે. જેમાં નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરૂૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
રાજ્યમાં ૨૩ જૂનથી હવામાન બદલાતું જોવા મળે છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતના જિલ્લામાં મેઘમહેર થવાની શક્યતા છે. જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, મોરબી, પાટણ, મહેસાણા, અરવલ્લી, જામનગર, દેવભૂમિ દ્વારકા, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
૨૪ જૂને કચ્છ, પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, મોરબી, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં પણ મેઘગર્જના સાથે વરસાદની સંભાવના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial