Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના પાંચદેવડામાં લૂંટ કરનાર છ શખ્સ ઝડપાયાઃ ત્રણની શોધઃ સાડા છ લાખનો મુદ્દામાલ

સપ્તાહ પહેલાં રાત્રિ દરમિયાન કરાઈ હતી લૂંટઃ એલસીબીએ આરોપીઓને દબોચ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: કાલાવડના પાંચદેવડા ગામમાં સપ્તાહ પહેલાં રાત્રિના સમયે નિદ્રાધીન વૃદ્ધ દંપતી પર ત્રાટકેલા ચાર શખ્સે વૃદ્ધને માથામાં પથ્થર ફટકારી લોહીલુહાણ કર્યા પછી વૃદ્ધાના કાનમાંથી સોનાની બે બુટીની લૂંટ કરવા ઉપરાંત ઘરની તિજોરીમાંથી ચાંદીની બે બંગડી, વીટી લૂંટી લીધા હતા. આ બનાવની તપાસમાં જોડાયેલી એલસીબીએ ગઈકાલે છ શખ્સને રૂપિયા સાડા છએક લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. વધુ ત્રણ શખ્સના નામ ખૂલ્યા છે.

કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા ગામમાં વસવાટ કરતા કાબાભાઈ ભીખાભાઈ અજુડીયા અને તેમના પત્ની હીરૂબેન ગઈ તા.૩૦ની રાત્રે ગામના સીમ વિસ્તારમાં આવેલા પોતાના ખેતરે મકાનમાં સૂતા હતા ત્યારે આ વૃદ્ધ દંપતી પર ચાર અજાણ્યા શખ્સે હુમલો કર્યાે હતો. કાબાભાઈના માથામાં પથ્થર ઝીંકી લોહીલુહાણ કરી નખાયા પછી વૃદ્ધા હીરૂબેનના કાનમાંથી સોનાની બે તોલાની બુટી ખેંચી લઈ આ શખ્સોએ અંદર રહેલી તિજોરીનો લોક તોડી તેમાંથી ચાંદીની વીટી, બે બંગડીની પણ ઉઠાંતરી કરી હતી. કાબાભાઈના પૌત્ર વિરાગ ભીખાભાઈ અજુડીયાએ ફરિયાદ નોંધાવી હતી.

આ ગુન્હાની તપાસમાં જોડાયેલી એલસીબી ટીમના સુમીત શિયાર, ભયપાલસિંહ, અજય વિરડા, ભરત ડાંગર વગેરેએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમની પણ મદદ મેળવી હતી જેમાં આ લૂંટમાં સંડોવાયેલા છ શખ્સ નાઘેડી નજીક જીઆઈડીસી વિસ્તારમાં એક મોટરમાં આવ્યા હોવાની બાતમી મળી હતી.

બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયાની સૂચના અને પીએસઆઈ સી.એમ. કાંટેલીયા તથા પી.એન. મોરીના વડપણ હેઠળ ત્યાં ધસી ગયેલી એલસીબી ટીમે નાઘેડીના નારણ જગાભાઈ વારોતરીયા ઉર્ફે નાયાભાઈ, ગોવિંદ કરશનભાઈ કનારા, મોટા પાંચદેવડાના નારણ વીરાભાઈ હુણ, લાલપુરના મોડપરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના મુન્ના અમરૂ ભાંભર, સાગરસિંગ રાયસિંગ અલાવા તથા પંકજ ભારત બિલવાલ નામના છ શખ્સને દબોચી લીધા હતા.

આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ ઉપરોક્ત લૂંટની કબૂલાત આપી છે. આ શખ્સો પાસેથી સોનાની બે બુટી, ચાંદીની વીટી, બે બંગડી, છ મોબાઈલ, રૂ.પર,૨૭૦ રોકડા તથા જીજે-૧૦-ડીએ ૨૯૭૫ નંબરની રૂ.પ લાખની ઈકો મોટર કબજે કરવામાં આવી છે. આ શખ્સોનો કબજો કાલાવડ ગ્રામ્ય પોલીસને સોંપવાની તજવીજ કરાઈ છે.

આ ગુન્હામાં મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના છોટા ઉરી ગામના બિલાલ રકસીંગ વસુનીયા તેમજ હાલમાં ભુજમાં રહેતા ભવાન જીથરાભાઈ ધાવડ અને રાજકોટના તરઘડીયા ગામના અશોક બાવાભાઈ વસોયાના નામ ખૂલ્યા છે. ત્રણેય શખ્સની શોધ કરાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh