Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાન મોદી સરકારના નવ વર્ષના શાસનની ઉપલબ્ધિઃ હાલારના વિકાસની વિગતો વર્ણવતા સાંસદ પૂનમબેન

કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સંકલ્પ સાથે

જામનગર તા. ૧ઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના સંકલ્પ સાથે સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારત દેશના તમામ ક્ષેત્રોમાં વિકાસ, ઉપલબ્ધિઓ તેમજ ખાસ કરીને હાલારના બન્ને જિલ્લામાં આ નવ વર્ષના સમયગાળામાં થયેલા સિમાચિન્હરૃપ વિકાસકામો તેમજ વિવિધ સુવિધાઓ અંગે વિસ્તૃત જાણકારી હાલારના સાંસદ પૂનમબેન માડમે સેવન સીઝન્સ રીસોર્ટમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરી હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સમગ્ર વિશ્વના વિકસીત રાષ્ટ્રો સહિતના દેશોમાં એક સન્માનિય નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે. સમગ્ર વિશ્વમાં તેમના કાર્યોની અને ભારતના વિકાસની પ્રશંસા થઈ રહી છે.

દેશમાં કેન્દ્ર સરકારના મહત્ત્વપૂર્ણ અનેક પ્રોજેક્ટો હાથ ધરાયા અને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેશના છેવાડાના દરેક વર્ગના, દરેક ક્ષેત્રના લોકોને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ મળી રહ્યો છે.

હાલારના જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ નવ વર્ષમાં કેન્દ્ર સરકારના વિકાસકામો અને સુવિધાઓ અંગે સાંસદ પૂનમબેને જણાવ્યું હતું કે, રેલવે સુવિધાઓમાં અનેકગણો આ નવ વર્ષમાં થયો છે.

રાજકોટથી ઓખા સુધી અને પોરબંદરથી કાનાલૂસ સુધી ઈલેક્ટ્રીફિકેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે. રાજકોટથી કાનાલૂસ સુધી ડબલ ટ્રેકનું કામ શરૃ થશે. આગામી દિવસોમાં ડબલ ટ્રેક અને ઈલેક્ટ્રીફિકેશનના કારણે હાલારના બન્ને જિલ્લાને વધુને વધુ લાંબા અંતરની ઝડપી નવી ટ્રેઈનો મળશે અને તેમાંય વંદે ભારત જેવી ગૌરવસમાન ટ્રેઈનની સુવિધા પણ વ્હેલીતકે મળે તેવા મારા પ્રયાસો છે. રેલવે સ્ટેશનોના આધુનિકરણ થઈ રહ્યા છે અને સ્ટેશનો પર યાત્રિકોમાટે એક્સલેટર, લીફ્ટ, ફૂટ ઓવરબ્રીજ, શેડ વાળા વધુ વિશાળ પ્લેટફોર્મની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશભરના મરીન કમાન્ડો માટેના નેશનલ એકેડેમી ફોર કોસ્ટલ પોલીસીંગ સેન્ટર મોજપમાં નિર્માણાધિન છે. જ્યારે દ્વારકાધીશ મંદિરમાં કોરીડોરનું નિર્માણ થનાર છે.

વિશ્વમાં જામનગરની નોંધ લેવાય તે રીતે વડાપ્રધાનના આગ્રહ પ્રમાણે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગ્લોબલ ટ્રેડીશનલ મેડીસીન સિસ્ટમ રિસર્ચ સેન્ટર જામનગરમાં સ્થાપવા મંજુરી આપી છે અને આ ભવ્ય અને અત્યંત મહત્ત્વપૂર્ણ ગ્લોબલ સેન્ટરનું કામ પૂરજોશમાં ચાલું છે.

દ્વારકા જિલ્લામાં ઓખા અને બેટ-દ્વારકા વચ્ચેના સીગ્નેચર બ્રીજનું કામ પૂર્ણતાના આરે છે અને સાંસદે વિશ્વસાપૂર્વક જણાવ્યું હતું કે, આ વર્ષના અંત સુધીમાં તેનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.

સાંસદે જનધન યોજના, કિસાન કલ્યાણનિધિ સહાય યોજના, ઉજ્જવલા યોજના, ઉજાલા યોજના, કેન્દ્ર સરકારની આવાસ યોજનાઓનો ઉલ્લેખ કરી હાલારના બન્ને જિલ્લામાં લાભાર્થીઓને તેનો સીધો લાભ મળી રહ્યો હોવાની વિગતો આંકડાઓ સાથે રજૂ કરી હતી.

તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો ખાસ ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, કોરોના કાળથી શરૃ કરાયેલી આ યોજના આજે પણ ચાલુ છે અને હાલારમાં લાખો ગરીબ પરિવારોને દર મહિને વિનામૂલ્યે સરકાર તરફથી રાશન મળી રહ્યું છે, જેનાથી ગરીબ પરિવારોને મોટી રાહત મળી છે.

નવ વર્ષમાં નવા ભારતના નિર્માણનો સંકલ્પ સિદ્ધ થયો છે અને વડાપ્રધાનના વિધાન પ્રમાણે ભારત આગામી રપ વર્ષમાં વિશ્વમાં સંપૂર્ણ વિકસીત રાષ્ટ્ર બની રહેશે.

સાંસદ પૂનમબેન માડમે કેન્દ્ર સરકારની સિદ્ધિઓ અને વિકાસ કામો માટે ખાસ કરીને હાલારના બન્ને જિલ્લાઓના સંદર્ભમાં લોકોની જાગૃતિ અને પત્રકારોના સૂચન-રજૂઆતોને કારણભૂત જણાવી સૌનો આભાર માન્યો હતો.

તા. ૩૦/પ થી તા. ૩૦/૬ સુધી એક મહિના માટે તેઓ જે સાંસદ જનસંપર્ક અભિયાન કરવાના છે તેનો તેમણે પત્રકારો સમક્ષ આરંભ કર્યાનું જણાવ્યું હતું.

આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આભારદર્શન શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરાએ કર્યું હતું. ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, જિ.પં. પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, મેયર બિનાબેન કોઠારી, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, પ્રશાંતભાઈ પરમાર, જીતુભાઈ લાલ, વિપુલભાઈ કોટક ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત બન્ને જિલ્લાના ભાજપના હોદ્દેદારો, મીડિયા સેલના હોદ્દેદારો, બન્ને જિલ્લાના પ્રિન્ટ અને ઈલે. મીડિયાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં.

પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા પછી સુપ્રસિદ્ધ કલાકાર ભાષ્કર શુક્લ, વિદીતા શુક્લ, હેમન દવેનો સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh