Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકાના પ્રવાસે ગયેલા કોંગી નેતાના તેજાબી નિવેદનોઃ કહ્યું, મારો ફોન ટેપ થાય છે
નવી દિલ્હી તા. ૧ઃ અમેરિકાના પ્રવાસે ગયેલા કોંગી નેતા રાહુલ ગાંધીના સટાસટીભર્યા નિવેદનો દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે. તેમણે કહ્યું કે, ભારતમાં લોકશાહી સામે યુદ્ધ ચાલી રહ્યું છે. તેમણે વિચાર્યું પણ નહોતું કે તેનું સંસદસભ્યનું પદ છીનવાઈ જશે.
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ૬ દિવસના યુએસ પ્રવાસે ગયા છે. તેઓ બુધવારે સિલિકોન વેલીમાં એઆઈ સેક્ટરમાં સ્ટાર્ટ-અપ શરૂ કરી રહેલા અનેક બિઝનેસમેનને મળ્યા હતાં. આ દરમિયાન પેગાસસ સ્પાયવેર પર ચર્ચા કરતી વખતે રાહુલે કહ્યું, એક સમય હતો જ્યારે તેમને ખબર હતી કે તેમનો ફોન રેકોર્ડ થઈ રહ્યો છે.
આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી બુધવારે સાંજે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી પહોંચ્યા હતાં. અહીં તેમણે વિદ્યાર્થીઓને કહ્યું, ભારતમાં લોકશાહી માટે યુદ્ધ ચાલી રહ્યું છે. કોઈપણ સંસ્થા પોતાની રીતે કામ કરી શકતી નથી. લોકશાહીનો અર્થ માત્ર વિરોધ હોવો જ નથી હોતો, પરંતુ લોકશાહીનો અર્થ એ છે કે સંસ્થાઓએ વિપક્ષને સમર્થન આપવું જોઈએ, પરંતુ અમારા દેશની સંસ્થાઓ બીજાના હાથમાં છે. સિલિકોન વેલીના પ્લગ એન્ડ પ્લે ઓડિટોરિયમમાં રાહુલની સાથે આઈઓસી અધ્યક્ષ સામ પિત્રોડા અને કોંગ્રેસના અનેક નેતાઓ હતાં.
રાહુલ ગાંધીએ કહ્યું કે, જો તમારે દેશમાં ટેકનોલોજીનો વિસ્તાર કરવો હોય તો એવી વ્યવસ્થા હોવી જોઈએ જ્યાં સત્તા કોઈની પાસે નહીં, પરંતુ દરેકની પાસે હોય. ભારતમાં ડેટાની સુરક્ષાને લઈને પણ નિયમો બનાવવાની જરૃર છે. મને લાગે છે કે મારો ફોન રેકોર્ડ થઈ રહ્યો છે. જો કોઈ દેશ નક્કી કરે છે કે તમારો ફોન રેકોર્ડ કરવાનો છે, તો તેને રોકી શકાતો નથી. મને લાગે છે કે હું જે કંઈ પણ કરૂ છું સરકાર તેના વિશે સંપૂર્ણ રીતે વાકેફ છે.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પોતાના સંસદ જવા પર રાહુલે કહ્યું કે તેઓ ર૦૦૪ માં રાજકારણમાં આવ્યા હતાં. તે સમયે મેં વિચાર્યું ન હતું કે માત્ર કંઈક કહેવાથી સંસદ સભ્યપદ રદ્ થઈ શકે છે. હું કદાચ પ્રથમ વ્યક્તિ છું જેને માનહાનિની આટલી મોટી સજા મળી છે, પરંતુ હવે મને લાગે છે કે, સંસદમાં બેસવા કરતા વધુ તક મળશે. લોકશાહીમાં સંસ્થાઓને જોખમમાં જોઈને અમે ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. માત્ર ૧રપ લોકોથી શરૃ થયેલી યાત્રામાં લાખો લોકો જોડાયા હતાં. ઘણાં લોકોએ મને પૂછ્યું કે હું આ યાત્રામાંથી શું શીખ્યો. આ મારા જીવનનો સૌથી સુખદ અનુભવ રહ્યો છે. અમે લોકોને એગ્રીકલ્ચરથી લઈને હેલ્થકેરથી લઈને એજ્યુકેશન સુધીની દરેક બાબતો વિશે જણાવ્યું. આપણા દેશમાં રાજકારણ અને સામાન્ય લોકો વચ્ચે ઘણું અંતર છે. રાહુલુ કહ્યું, સરકાર પાસે પોલીસ મીડિયા જેવી તમામ સંસ્થાઓ છે, પરંતુ તેમ છતાં તેઓ અમને રોકી શક્યા નથી.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક ભારતીય વિદ્યાર્થીએ રાહુલને પૂછ્યું કે, તમે આગામી પ-૧૦ વર્ષમાં ભારત-ચીન સંબંધોને ક્યાં સુધી જુઓ છો? તેના પર રાહુલે કહ્યું, બન્ને દેશો વચ્ચેના સંબંધો મુશ્કેલ હશે. તેઓએ અમારા કેટલાક વિસ્તારો પર કબજો કરી લીધો છે, પરંતુ તેઓ અમારા પર દબાણ લાવી શકતા નથી. આ સાથે જ તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ પર મોદી સરકારની નીતિઓનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું, રશિયા સાથે અમારા જુના સંબંધો છે. અમે કેટલીક બાબતોમાં તેના પર નિર્ભર છીએ. ભારતે પોતાના હિતોને સૌથી આગળ રાખવા પડશે. એક સાથેના સંબંધો સુધરવાને કારણે આપણે બીજા સાથે વાત કરવાનું બંધ કરી શકતા નથી. આવી સ્થિતિમાં સરકાર યુદ્ધને લઈને યોગ્ય રણનીતિ અપનાવી રહી છે. મેં પણ એવું જ કર્યું હોત.
આ પહેલા રાહુલ મંગળવારે અમેરિકા પહોંચ્યા હતાં. ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ તેમનું સ્વાગત કર્યું હતું. મીડિયા રિપોર્ટસ અનુસાર રાહુલને ઈમિગ્રેશન ક્લિયરન્સ માટે એરપોર્ટ પર ર કલાક રાહ જોવી પડી હતી. બાદમાં કહ્યું, હું હવે સામાન્ય માણસ છું. સાંસદ નથી. આ પછી રાહુલ ગાંધીએ સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીયો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ અને આરએસએસ પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું હતું, કેટલાક લોકો એવું વિચારે છે કે તેઓ બધું જાણે છે અને આપણા વડાપ્રધાન તેમાંથી એક છે. મોદી ભગવાનને પણ દુનિયા ચલાવતા શીખવી શકે છે. ભગવાનને પણ આંચકો વાગશે તેણે શું કર્યું. તે વૈજ્ઞાનિકોને વિજ્ઞાન શીખવી શકે છે. ઈતિહાસકારોને ઈતિહાસ શીખવી શકે છે. આર્મીને કેવી રીતે લડવું અને એરફોર્સને કેવી રીતે ઊડવું તે શીખવી શકે છે.
તેમણે કહ્યું, 'ભારત ક્યારેય કોઈ વિચારની અવગણના કરતું નથી. જે કોઈ ભારતમાં આવે છે તેનું ખુલ્લા દિલથી સ્વાગત કરવામાં આવે છે અને અમે તેના વિચારોને આત્મસાત કરીએ છીએ. આ તે ભારત છે જેનું તમે પ્રતિનિધિત્વ કરો છો. જો તમને ગુસ્સો આવે છે, જો તમે નફરત અને ઘમંડમાં માનતા હોવ તો તમારે ભાજપની બેઠકમાં બેસી જવું જોઈએ.'
ઉલ્લેખનિય છે કે, ૧૩ એપ્રિલ ર૦૧૯ ના લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકના કોલારમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ચોરોની અટક મોદી છે. બધા ચોરોની અટક મોદી કેમ હોય છે, પછી તે લલિત મોદી હોય કે નીરવ મોદી હોય કે નરેન્દ્ર મોદી હોય. આ પછી સુરત પશ્ચિમના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ વિરૃદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ આપણા સમગ્ર સમાજને ચોર કહ્યો છે અને આ આપણા સમાજની બદનામી છે. આ કેસમાં સુરતની કોર્ટે ર૩ માર્ચે ૧ર-૩૦ વાગ્યે રાહુલ ગાંધીને ર વર્ષની કેદની સજા ફટકારી હતી, જો કે ર૭ મિનિટ પછી તેમને જામીન મળી ગયા હતાં. રાહુલનું સંસદનું સભ્યપદ ર૪ માર્ચે બપોરે ર-૩૦ વાગ્યે રદ્ કરવામાં આવ્યું હતું. તેઓ કેરળના વાયનાડથી લોકસભાના સભ્ય હતાં. લોકસભા સચિવાલયે આ અંગે માહિતી આપતો પત્ર જાહેર કર્યો હતો. રાહુલનું નામ લોકસભાની વેબસાઈટ પરથી પણ હટાવી દેવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial