Advertisement
Author: નોબત સમાચાર

દેશભરમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળશે બુલડોઝર

ગેરકાયદે બાંધકામો તથા રહેણાંક વિસ્તારમાં નિયમ વિરૂદ્ધ કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે સુપ્રિમ કોર્ટની લાલ આંખ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૨: દેશભરમાં ગેરકાયદે બાંધકામો તથા રહેણાંક વિસ્તારોમાં નિયમોનો ઉલાળિયો કરીને થતી કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે સુપ્રિમ કોર્ટે લાલ આંખ કરતા આ પ્રકારના ગેરકાયદે બાંધકામો પર દેશવ્યાપી બુલડોઝર ફરશે, કારણ કે દેશની કેટલીક મ્યુનિસિપલ બોડીઝને સુપ્રિમ કોર્ટે ફટકાર પણ લગાવી છે.

સુપ્રિમ કોર્ટે દેશભરમાં ગેરકાયદે બાંધકામો અને રહેણાંક વિસ્તારોમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ પર કડક વલણ અપનાવ્યું છે. દિલ્હી, પટણા, લખનઉ સહિતના શહેરોમાં બુલડોઝર અને સીલિંગની કાર્યવાહીનો આદેશ અપાયો છે. દિલ્હીમાં સર્વેમાં વિલંબ બદલ એમસીડી-એનડીએમસીને ફટકાર લગાવાઈ. પટણામાં ૨૬,૭૪૬ ગેરકાયદે કેસ મળ્યા, પૂર્વ કમિશનરને શો-કોઝ નોટિસ અપાઈ. લખનઉમાં પણ ૩ અઠવાડિયામાં કાર્યવાહી પૂર્ણ કરવા આદેશ કરાયો છે.

દેશભરમાં વર્ષોથી મોટા પાયે થઈ રહેલા અનધિકૃત બાંધકામ અને નિયમોનું ઉલ્લંઘન કરીને રહેણાંક (રેસિડેન્શિયલ) વિસ્તારોમાં ચાલી રહેલી વ્યાપારી (કોમર્શિયલ) પ્રવૃત્તિઓ પર સુપ્રિમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી, પટણા, લખનઉ અને અન્ય શહેરોમાં આવા મામલાઓ પર યુદ્ધના ધોરણે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રિમ કોર્ટના આ આદેશ બાદ આ તમામ શહેરોમાં મોટા પાયે બુલડોઝર ચલાવવાની અને સીલિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

જસ્ટિસ અહસાનોદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે સુનાવણી દરમિયાન ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, દિલ્હીની હોટેલ અને લખનઉના કોચિંગ સેન્ટરમાં લાગેલી ભયાનક આગને કારણે મોટા પાયે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. નિયમોના ભંગ અને ગેરકાયદે બાંધકામોના કારણે આવી મોટી દુર્ઘટનાઓ સર્જાય છે.

દિલ્હીના જાણીતા લાજપતનગર અને સરોજિની નગર માર્કેટમાં ગેરકાયદે બાંધકામો અને ઇમારતોની મજબૂતી તપાસવા અંગે સુપ્રીમ કોર્ટે અગાઉ સ્પષ્ટ આદેશ આપ્યા હતા. તેમ છતાં, દિલ્હી નગર નિગમ (એમસીડી) અને નવી દિલ્હી નગરપાલિકા પરિષદ (એનડીએમસી) દ્વારા હજુ સુધી સરવેનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. આ બાંધકામોમાં નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહીં અને ઇમારતો કેટલી સુરક્ષિત છે તે તપાસવા માટે કોર્ટે ૯ જુલાઈના આઈટી દિલ્હીના બે પ્રોફેસરો અને અન્ય નિષ્ણાતોની એક કમિટી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, આ નિર્દેશ આપ્યા હોવા છતાં કમિટીની રચના અને તપાસનું કામ પૂરૃં ન થતાં સુપ્રિમ કોર્ટે બંને સંસ્થાઓનો ઉધડો લીધો હતો અને તેમની કામગીરી પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

પટણા નગર નિગમ દ્વારા દાખલ કરવામાં આવેલા નવા સોગંદનામા મુજબ, અગાઉના આદેશ આધારે કરાયેલા સરવેમાં કુલ ૨૬,૭૪૬ એવા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં રહેણાંક મિલકતોનો ઉપયોગ કોમર્શિયલ કામો માટે થઈ રહૃાો છે. કોર્ટે ટકોર કરી હતી કે આ આંકડો સ્પષ્ટ દર્શાવે છે કે સંબંધિત મ્યુનિસિપલ કમિશનરોએ પોતાની જવાબદારી નિભાવવામાં ભારે બેદરકારી દાખવી છે.

પટણાના પૂર્વ નિગમ કમિશનર પરાશર, જેઓ લગભગ ચાર વર્ષ સુધી આ પદ પર રહૃાા હતા, તેમણે દાખલ કરેલી એફિડેવિટમાં માત્ર ૫૦૦ જેટલા મામલાઓ પર કાર્યવાહીની વિગતો આપી હતી. સુપ્રિમ કોર્ટે આ આંકડાને અયોગ્ય ગણાવીને પૂર્વ કમિશનર પરાશરને શો-કોઝ નોટિસ પાઠવી છે અને પૂછ્યું છે કે તેમના કાર્યકાળ દરમિયાન દાખવેલી આવી બેદરકારી બદલ તેમની સામે કાનૂની કાર્યવાહી શા માટે ન કરવામાં આવે.

સુપ્રિમ કોર્ટે લખનઉ વિકાસ મંડળ (એલડીએ)ને પણ શહેરમાં નિયમો વિરુદ્ધ થયેલા બાંધકામો અને રેસિડેન્શિયલ વિસ્તારોમાં ચાલી રહેલી કોમર્શિયલ પ્રવૃત્તિઓની તપાસ માટે દિલ્હીની જેમ સરવે કરવાનો આદેશ આપ્યો છે. એલડીએના વાઇસ ચેરમેન પ્રથમેશ કુમારે કોર્ટને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ૫૧ આવી મિલકતોની ઓળખ કરવામાં આવી છે અને તેમની સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તેમણે એફિડેવિટ દ્વારા ખાતરી આપી હતી કે આખા ક્ષેત્રમાં યુદ્ધના ધોરણે તપાસ અને કાર્યવાહી ચાલુ રહેશે અને આ કામગીરી ત્રણ અઠવાડિયાની અંદર પૂર્ણ કરી લેવામાં આવશે.

આ આદેશની અસર દેશવ્યાપી થશે, જેથી જામ્યુકો દ્વારા પણ સુપ્રિમ કોર્ટના આજના વલણ પછી કેટલીક વધુ તોડપાડ હાથ ધરાય અને હાલારના જિલ્લા તંત્રો પણ ગાડાઓ- શહેરો તથા હાઈ-વે માર્ગોની આજુબાજુ દબાણો હટાવવા ઝુંબેશ ચલાવે તેવી સંભાવના છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh