Advertisement
Author: નોબત સમાચાર

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ બપોર સુધીમાં ૪૮%થી વધુ મતદાન

જયપુર, જોધપુર સહિતના શહેરોમાં સવારથી લાંબી કતારો જોવા મળીઃ દિગ્ગજોએ કર્યું મતદાન

જયપુર તા. રપઃ રાજસ્થાન વિધાનસભા માટે આજે મતદાન થઈ રહ્યું છે અને ૧૯૯ બેઠકો માટે મતદારો આજે ફેંસલો કરશે. રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલવાની પરંપરા જળવાશે કે પુનઃ કોંગ્રેસને સત્તા મળશે, તેનો જનાદેશ મતદારો આપશે. ત્રીજી ડિસેમ્બરે પરિણામો આવશે. બપોર સુધીમાં રાજ્યમાં સરેરાશ ૪પ%થી વધુ મતદાન થયું હોવાના અહેવાલો છે.

રાજસ્થાનની ૧૯૯ વિધાનસભા સીટ પર સવારે ૭ વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. રાજસ્થાનના મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર સવારે ૧૧ વાગ્યા સુધી રાજ્યમાં ર૪.૭૪ ટકા મતદાન થયું છે. જયપુર અને જોધપુર સહિત અનેક શહેરોમાં સવારથી જ લાંબી લાઈન જોવા મળી રહી છે.

સીએમ અશોક ગેહલોતે મતદાન કર્યા પછી કહ્યું કે, 'કોંગ્રેસની જીત પછી આગામી મુખ્યમંત્રી કોણ હશે એ હાઈકમાન્ડ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી નક્કી કરશે.' સચિન પાયલટે કહ્યું કે, અહીં દરેક વ્યક્તિ ચૂંટણી લડી રહી છે. કોઈ એકલા ચૂંટણી જીતાડી શકે નહીં કે હરાવી શકે નહીં. વસુંધરા રાજેએ કહ્યું કે દરેકે મતદાન કરવું જ જોઈએ.

કોંગ્રેસ નેતા સચિન પાયલટે પણ જયપુરની સી સ્કીમાં પોતાનો મત આપ્યો. જીતના સવાલ પર તેમણે કહ્યું કે અમારી સરકારે લોકોને જે ગેરંટી આપી છે અને જે વિકાસ થયો છે, તે જોઈને લોકો અમારી સરકારને ફરીથી ચૂંટશે.

આ ચૂંટણીમાં કુલ ૧૮૬૩ ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યના પ કરોડ ર૬ લાખ ૯૦ હજાર ૧૪૬ મતદારો તેમના ભાવિનો નિર્ણય કરશે. સાંજે ૬ વાગ્યા સુધી મતદાન ચાલશે. પરિણામ ૩ ડિસેમ્બરે આવશે. પાંચ વર્ષ પહેલા ર૦૧૮ માં ૭૪.૦૬ ટકા મતદાન થયું હતું. હંમેશાંની જેમ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો છે. આ ચૂંટણીના પરિણામો નક્કી કરશે કે રાજસ્થાનમાં દર વખતે સરકાર બદલવાનો ટ્રેન્ડ ચાલુ રહેશે કે આ વખતે આ પરંપરા બદલાશે.

રાજ્યમાં બપોર સુધીમાં સરેરાશ ૪૮ ટકાથી વધુ મતદાન થયું હોવાનું જાણવા મળે છે. બપોર પછી મતદાનની ગતિ હજુ પણ તેજ થશે તેવી સંભાવનાઓ જણાવાઈ રહી છે.

સીએમ અશોક ગેહલોત જોધપુરની તેમની પરંપરાગત સીટ સરદારપુરાથી ચુંટણી લડી રહ્યા છે. તે જ સમયે ભૂતપૂૃવ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે ઝાલાવડ જિલ્લાના ઝાલરાપાટનથી અને વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડ તારાનગરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ ટોંક બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે.

આ ચૂંટણીમાં ભાજપના અનેક સાંસદોની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી છે. સાંસદ (રાજસમંદ) દિયા કુમારી, જયપુરના વિદ્યાધરનગર, અલવરના બાબા બાલકનાથ (અલવર) તિજારી, પૂર્વ કેન્દ્રિય મંત્રી અને સાંસદ (જયપુર ગ્રામીણ) રાજ્યવર્ધન સિંહ રાઠોડ, જયપુરના જોતવાડા, સાંસદ (અજમેર) ભગીરથ ચૌધરી, કિશનગઢ, એમ.પી. (જાલોર) દેવજી પટેલ સાંચોરથી, નરેન્દ્ર ખેકર (ઝુંઝુનુ) ગુનઝુનુના માંડવાથી અને ડો. કિરોડીલાલ મીણા (રાજ્યસભા સભ્ય) સવાઈ માધોપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જોધપુરમાં મતદાન કર્યું. ભાજપના ઉમેદવાર રાજ્યવર્ધન સિંહે જોતવાડામાં મતદાન કર્યું. તેમણે તેમના પરિવાર સાથે વૈશાલી નગરના મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું. તેમના પહેલા વિદ્યાધર નગર વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર દિયા કુમારી, ભાજપના ઉમેદવાર અજીતસિંહ મહેતા અને કોંગ્રેસના ઉમેદવાર મંત્રી મુરારી લાલ મીણાએ પોતપોતાના વિધાનસભા ક્ષેત્રમાં મતદાન કર્યું છે.

કેટલાક સ્થળે મતદાન હંગામી ધોરણે અટકાવવુ પડ્યું હોવાના અહેવાલો છે. અલવરમાં ૬ બૂથ. રામગઢમાં ૩, રૈનીમાં ૨ અને અલવર ગ્રામીણ વિધાનસભાના એક પોલિંગ બૂથ પર મશીનમાં ખામી સર્જાઈ હતી. તેમજ ધોલપુર વિધાનસભા મતદાન મથક, સમાજ કલ્યાણ છાત્રાલયમાં પણ મતદાન શરૃ થયું ન હતું. ફોટપુતલીમાં ટેકનિકલ ખામીના કારણે ઈવીએમ મશીન બગડયું તેથી અહીં ૨૦ મિનિટ સુધી મતદાન પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી. આ પછી ચૂંટણી કાર્યકરોએ મશીન રિપેર કરીને મતદાન શરૃ કર્યું હતું. તેવી જ રીતે ભરતપુરમાં પણ બુથ નંબર ૧૭મુંં મશીન તૂટી પડ્યું હતું. બપોર સુધી એકંદરે શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું હોવાના અહેવાલો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh