Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોરબીમાં લેબર કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી બે શખ્સ નાઠા હતાઃ બંનેની ફિલ્મી ઢબે ધરપકડઃ
જામનગર તા.૧૮ ઃ મોરબીમાંથી ગઈકાલે એક કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી સ્કોર્પિયો મોટરમાં બે શખ્સ નાઠા હોવાની વિગત જામનગર પોલીસને અપાયા પછી જોડિયા પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં ભાદરા પાટિયા પાસે આ મોટર પોલીસના ઉભા રહેવાના ઈશારાને અવગણી પોલીસ કાફલા પર ચઢી આવ્યા પછી જોડિયાના ફોજદારે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. તે પછી ફિલ્મીઢબે પીછો કરી મોરબીના બે શખ્સની ધરપકડ કરાઈ છે. બનાવના પગલે એસપી જોડિયા દોડી ગયા હતા.
મોરબીમાં ગઈકાલે એક યુવાનનું અપહરણ કરી બે શખ્સો કાળા જેવા રંગની સ્કોર્પિયો મોટરમાં જામનગર તરફ નાસી છૂટ્યા હોવાની વિગતો મોરબી પોલીસ દ્વારા જામનગર પોલીસને અપાતા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી જોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે મોરબી તરફથી આવતા માર્ગ પર વોચ ગોઠવી દીધી હતી.
ફોજદાર આર.ડી. ગોહિલના સતત સંપર્કમાં રહી જોડિયા પોલીસની ત્રણ ટૂકડીઓ ભાદરા પાટિયા, બાદનપર પાટિયા અને ખીરી ચેકપોસ્ટ પર તૈનાત થઈ હતી. જેમાં રહેલો પોલીસ સ્ટાફ પીએસઆઈ ગોહિલને વિગતો આપી રહ્યો હતો.
તે દરમિયાન સાંજે સાડા પાંચેક વાગ્યે ભાદરા પાટિયા તરફથી જીજે-૩૬-એએફ ૭૮૬ નંબરની સ્કોર્પિયો મોટર પુરપાટ ઝડપે દોડી આવતી જોવા મળતા ત્યાં વોચમાં રહેલા પીએસઆઈ ગોહિલે મોટર ઉભી રાખવાનો ઈશારો કર્યાે હતો. પોલીસને જોઈને આ મોટર ફૂડ સ્પીડમાં પોલીસ સ્ટાફ તરફ દોડવા માંડી હતી તેથી પોલીસ સતર્ક બની ગઈ હતી અને તે મોટર પોલીસ કાફલા પર ચઢી જાય તે પહેલાં ફોજદાર સહિતના પોલીસ સ્ટાફે પોતાનો બચાવ કર્યાે હતો. તે વેળાએ પીએસઆઈ આર.ડી. ગોહિલે પોતાની પાસે રહેલી સર્વિસ રિવોલ્વર બહાર કાઢી તેમાંથી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું જેમાંથી બે રાઉન્ડમાં ગોળી વછૂટી હતી અને એક મીસ ફાયર થયો હતો.
પોલીસ દ્વારા વળતો પ્રહાર થતાં સ્કોર્પિયોને આમરણ તરફ ભગાડવામાં આવી હતી. જેનો પોલીસે ફિલ્મીઢબે પીછો શરૃ કર્યાે હતો. પોલીસને પાછળ આવતી જોઈ સ્કોર્પિયોના ચાલકે સ્પીડ વધારી હતી. તે પછી કેશિયા ગામના પાટિયા પાસે તે મોટર રોડની સાઈડમાં આવેલી સિમેન્ટની પાળી સાથે ટકરાઈ પડી હતી અને તેમાં રહેલા બે શખ્સ ઉતરીને મુઠ્ઠીઓ વાળી નાસી ગયા હતા. તે મોટર પાસે પહોંચેલી પોલીસે મોટર કબજે કરવા ઉપરાંત નાસી ગયેલા બંને આરોપીઓના સગડ દબાવતા થોડી મિનિટો પછી આ બંને શખ્સ હાડાટોડા ગામની સીમમાંથી મળી આવ્યા હતા.
મોરબી જિલ્લાના માળિયા તાલુકાના વાવડી રોડ પર ક્રિષ્ના પાર્કમાં રહેતા સલીમ દાઉદ માણેક તથા લોમ જીવન પાર્કમાં રહેતા રફીક ગફુર મુવર નામના આ બંને શખ્સની પોલીસે અટકાયત કરી તલાશી લેતાં આ શખ્સોના કબજામાંથી બે મોબાઈલ મળી આવ્યા હતા. પીએસઆઈ આર.ડી. ગોહિલે ખુદ ફરિયાદી બની પોલીસ પર મોટર ચઢાવી દઈ પોલીસ સ્ટાફની હત્યાનો પ્રયાસ કરવા અંગે બંને શખ્સ સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે અને રૃા.૪૦ હજારના મોબાઈલ કબજે કર્યા છે.
ઉપરોક્ત બનાવ અંગે એસપી પ્રેમસુખ ડેલુને વિગતો અપાયા પછી મોડીરાત્રે એસપી જોડિયા પોલીસ સ્ટેશન ધસી ગયા હતા.
બંને શખ્સની શરૃ કરાયેલી ઘનિષ્ઠ પૂછપરછમાં આરોપી પૈકીના સલીમ માણેક સામે મોરબી, માળિયા મિયાણા, ભુજ, જોડિયા, સુરેન્દ્રનગરમાં વર્ષ ૨૦૧૬થી માંડી વર્ષ ૨૦૨૩ સુધીમાં સાત ગુન્હા નોંધાયેલા હોવાનું ખૂલ્યું છે. બંને આરોપીઓની રિમાન્ડ માટે તજવીજ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag