Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશના દર્શને જતા પદયાત્રી સંઘ પર અજાણ્યું વાહન ફરી વળ્યું: ચારના મૃત્યુ, એક પદયાત્રી ઘવાયા

અમદાવાદ, વડોદરા, વીસનગરમાં ત્રણ અકસ્માતઃ અમરેલીમાં ત્રણ પિતરાઈ મોતને ભેટ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: મોરબી નજીકના ચાચાવદરડા ગામ પાસેથી આજે સવારે દ્વારકા તરફ આગળ વધતા પદયાત્રી સંઘના પાંચને અજાણ્યું વાહન ટક્કર મારીને નાસી ગયું છે. ગંભીર ઈજા પામેલા ચારના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે એક ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. અમદાવાદમાં અકસ્માતમાં મહિલાનું મૃત્યુ થયું છે. અમરેલી પાસે મોટર અકસ્માતમાં ત્રણ પિતરાઈ ભાઈ મોતને ભેટ્યા છે. બાઈક સ્લીપ થતા વડોદરામાં એક સગીરનું મૃત્યુ નિપજ્યું છે અને વીસનગરમાં પતિની નજર સામે પત્ની પર ટ્રક ફરી વળ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને દિયોદર તાલુકામાં રહેતા કેટલાક શ્રદ્ધાળુઓનો એક સંઘ ગયા ગુરૂવારે પોતાના જિલ્લામાંથી પગપાળા દ્વારકા જવા માટે રવાના થયા પછી ગઈકાલે મોરબી નજીકના માળીયા પાસે સરવડ ગામ સ્થિત મહાદેવ મંદિરે આવી પહોંચ્યો હતો.

આ સંઘમાં જોડાયેલા શ્રદ્ધાળુઓએ રાત્રે મહાદેવ મંદિરમાં વિશ્રામ કર્યા પછી આજે સવારે પાંચેક વાગ્યે ફરીથી દ્વારકા તરફ પદયાત્રા શરૂ કરી હતી. ઉપરોક્ત સંઘ જ્યારે ચાચાવદરડા ગામના પાટીયા પાસે એક પેટ્રોલપંપ નજીક પહોંચ્યો ત્યારે એક અજાણ્યું વાહન કાળ બનીને ધસી આવ્યું હતું.

આ વાહનની ઠોકરે સંઘના પદયાત્રીઓ ચઢી ગયા હતા. જેમાં નરસંગભાઈ ચૌધરી નામના પ્રૌઢને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે રોડ પર પડી ગયેલા દીયોદરના અધ ગામના દિલીપભાઈ રયાભાઈ ચૌધરી (ઉ.વ.ર૮), હાર્દિક માલાભાઈ ચૌધરી (ઉ.વ.ર૮), નવાદીયોદરના ભગવાનભાઈ લાલભાઈ ચૌધરી (ઉ.વ.૬પ) તથા નાના દીયોદરના અમરાભાઈ લાલાભાઈ ચૌધરી (ઉ.વ.૬ર)ના ચગદાઈ જવાથી મૃત્યુ નિપજ્યા હતા.

અકસ્માતની જાણ થતાં ૧૦૮ તથા પોલીસ કાફલો ધસી આવ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને ચારેય હતભાગીઓના મૃતદેહને પી.એમ. માટે ખસેડ્યા છે. અકસ્માત સર્જી નાસી ગયેલા વાહનચાલકને પકડી પાડવા પોલીસે ધોરીમાર્ગ પર મૂકવામાં આવેલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા છે અને તેના સગડ દબાવ્યા છે. ઉપરોક્ત અહેવાલ બનાસકાંઠાના દીયોદર તથા કાંકરેજ સુધી પહોંચતા ભારે ગમગીની પ્રસરી ગઈ છે.

ઉપરોક્ત અકસ્માત ઉપરાંત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં થયેલા અન્ય પાંચ અકસ્માતમાં દસ વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. તેની વધુ વિગત મુજબ અમદાવાદમાં ચાંદલોડીયા વિસ્તારમાં રહેતા ગાયત્રીબેન પ્રજાપતિ (ઉ.વ.૪૫) નામના મહિલા ગયા શનિવારે પતિ મનોજભાઈ સાથે પાંજરાપોળ નજીક આવેલી હોસ્પિટલમાં દાખલ જમાઈના ખબરઅંતર પૂછવા જતા હતા ત્યારે વાળીનાથ ચોક પાસે અમદાવાદ કોર્પોરેશનના ડમ્પરે સ્કૂટરને હડફેટે લીધુ હતું. જેમાં ગાયત્રીબેનના માથા પરથી ડમ્પરનું ટાયર ફરી વળતા તેઓનું મૃત્યુ નિપજ્યું હતું.

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હડાળા ગામ પાસે ગઈરાત્રે પુરપાટ દોડી જતી એક મોટર કોઈ રીતે ચાલકના કાબૂ બહાર ગયા પછી રોડ ઉતરીને ખેતરમાં ઘૂસી ગઈ હતી. જીજે-૧૧-સીએલ ૮૫૩૧ નંબરની આ મોટરમાં ચાર વ્યક્તિ હતા. અકસ્માત પછી દોડેલી પોલીસ ટીમે ફાયરની ટીમનો સંપર્ક કરી મશીનરીના ઉપયોગથી મોટરના પતરા કાપી તેમાંથી ત્રણ મૃતદેહને બહાર કાઢ્યા હતા. ત્રણેય મૃતક પિતરાઈ થતા હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકના નામ વિકાસ (જૂનાગઢ), મંથન, ધર્મેશ સાવલીયા (ધોરાજીના જાલણસર) હોવાનું ખૂલ્યું છે.

અમરેલીના લાઠીના ટોડા ગામ પાસે બોલેરો પીકઅપ વાન અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં વીસેક જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ હતી. બોલેરોમાં મનોજ ચાવડા નામનો યુવાન ફસાઈ ગયો હતો તેને ફાયરની ટૂકડીએ બહાર કાઢ્યો હતો.

વડોદરાના સમાતળાવ વિસ્તારમાંથી ગઈકાલે એક સગીર પોતાના પિતાનું બાઈક લઈને જતો હતો ત્યારે પુરપાટ ઝડપે દોડ્યું જતુ બાઈક સ્લીપ થયું હતું. રોડ પર પછડાયેલા હિતેન્દ્ર નામના આ તરૂણનું માથામાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.

તે ઉપરાંત મોડીરાત્રે વીસનગર પાસે પણ અકસ્માત સર્જાયો છે. જેમાં એક દંપતી ચાલ્યું જતું હતું ત્યારે ટ્રકે ઠોકર મારી હતી અને ટાયર મહિલાના શરીર પરથી ફરી વળતા આ મહિલાનું મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જનાર ટ્રકચાલક સ્થળ પર જ ટ્રક છોડીને પલાયન થઈ ગયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh