Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈમેઈલમાં અમિત શાહ-લોરેન્સ બિશ્નોઈના નામથી સનસનાટી
અમદાવાદ તા. ૧૭: આજે સવારે દસ વાગ્યાના સુમારે અમદાવાદની ઝાયડ્સ, ઝેબર અને અગ્રેસન સહિતની વિવિધ સ્કૂલોને ઊડાવી દેવાની ધમકી આપતા ઈ-મેઈલમાં અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈનો ઉલ્લેખ હોવાથી સનસનાટી ફેલાઈ હતી અને બપોરે એકથી દોઢ વાગ્યા વચ્ચે વિસ્ફોટની ધમકી અપાઈ હોવાથી ફફડાટ ફેલાયો હતો. તે પછી તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને સંબંધિત શાળાઓના વિદ્યાર્થીઓને આજે છૂટી આપી દેવાઈ છે.
અમદાવાદમાં ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત્ રહ્ય છે. આજે સવારે અમદાવાદની ઝેબર, અગ્રેસન અને વેજલપુરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જાણીતી ઝાયડ્સ સ્કૂલમાં બોમ્બ મૂકાયાનો ધમકીભર્યો ઈ-મેઈલ મળતા પોલીસ તંત્ર અને શાળા સંચાલકોમાં દોડાદોડી મચી ગઈ હતી. આજે સવારે અંદાજે ૧૦ વાગ્યાના સુમારે સ્કૂલ પ્રશાસનને એક શંકાસ્પદ ઈ-મેઈલ મળ્યો હતો, જેમાં સ્કૂલમાં બોમ્બ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતાની સાથે જ સ્કૂલમાં સંચાલકોએ તવરિત ધોરણે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો, ફાયરબ્રિગેડની ટીમ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. સાવચેતીના ભાગરૂપે શાળામાંથી તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી વર્ગખંડોમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં અને શાળાનું ગ્રાઉન્ડ ખાલી કરાવવામાં આવ્યું હતું.
તે પછી સવારથી જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર સ્કૂલ કેમ્પસમાં ખૂણે-ખૂણે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને તેઓ સ્કૂલ પર દોડી આવ્યા હતાં. પોલીસ દ્વારા હાલ ઈ-મેઈલનું પગેરૂ શોધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં પણ અમદાવાદની અનેક નામાંકિત સ્કૂલોને આવા ફેક ઈ-મેઈલ મળી ચૂક્યા છે. વેજલપુર પીઆઈએ જણાવ્યા મુજબ આજે સવારે ઈ-મેઈલ દ્વારા ઝાયડ્સ, ઝેબર, અગ્રેસન અને ડીએવી ઈન્ટરનેશનલ સ્કૂલને ઊડાવી દેવાની ધમકી મળી તે પછી બોમ્બ સ્ક્વોડ, ક્રાઈમ બ્રાન્ચ, પોલીસ અને ફાયરનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે અને તપાસ હાથ ધરી છે. આ ધમકીભર્યો ઈ-મેઈલ કોના દ્વારા અને ક્યાંથી કરવામાં આવ્યો છે તેની તપાસ ચાલી રહી છે.
મીડિયા અહેવાલો મુજબ અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઊડાડવાની ધમકી મળી છે. સવારે દસેક વાગ્યે સ્કૂલોને મોકલવામાં આવેલા ઈ-મેઈલમાં બપોરે ૧-૧૧ વાગ્યે બોમ્બથી ઊડાવી દેવાની ધમકી અપાઈ છે. ઈ-મેઈલમાં 'અમદાવાદ ધમાકા બ્લાસ્ટ સ્કૂલ સે સાબરમતી જેલ તક' એવું લખવામાં આવ્યું છે. સાથે જ મેલમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવાની ધમકી અપાઈ છે. અન્ય અહેવાલો મુજબ અલગ-અલગ ઈ-મેઈલમાં બપોરે દોઢેક વાગ્યે ધમાકા થવાનો ઉલ્લેખ કરાયો છે.
અમદાવાદની કેટલીક સ્કૂલોને ધમકી ન મળી હોવા છતાં તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થીઓને છોડી દીધા છે અને બપોરમાં ચાલતી શિફ્ટમાં રજા જાહેર કરી દેવાઈ છે.
શિક્ષણાધિકારીની ટીમ અલગ અલગ સ્કૂલે જવા રવાના થઈ ગઈ છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલને રજા આપી દેવા શાળાઓને આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદ શહેર-જિલ્લા શિક્ષણાધિકારી પણ અગ્રેસન સ્કૂલ જઈ રહ્યા છે.
મકરબામાં આવેલી ડીએવી ઈન્ટરનેશનલ સ્કૂલને પણ બોમ્બથી ઊડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકીભર્યો ઈ-મેઈલ મળતા જ શાળા પ્રશાસને તમામ વાલીઓને મેસેજ કરી બાળકોને શાળા પરથી લઈ જવાની સૂચના આપી હતી, જેથી અતયારે તમામ વાલીઓ તાત્કાલિક સ્કૂલ પર બાળકોને લેવા માટે પહોંચ્યા છે.
વર્ષ ર૦ર૩ માં ખાલિસ્તાન ચળવળ સાથે સંકળાયેલા હરદીપસિંહ નિજ્જરની હત્યા મામલે અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને ટાર્ગેટ કરીને અમદાવાદમાં સ્કૂલોને બોમ્બથી ઊડાવી દેવાનો ધમકીભર્યો મેલ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial