Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીનાબેન મારા મોટાબહેન અને રીવાબા નાના બહેન સમાનઃ સાંસદ પૂનમબેન માડમ
જામનગર તા. ૧૮ઃ જામનગરમાં ગઈકાલે તળાવની પાળે જામ્યુકોના શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા અને મેયર બીનાબેન કોઠારી તથા સાંસદ પૂનમબેન માડમ વચ્ચે થયેલ શાબ્દિક ઘર્ષણ મીડિયાની ઉપસ્થિતિને કારણે વાયુવેગે સમાચારરૃપે વાયરલ થયું હતું. જેને પગલે શહેરમાં 'ટોક ઓફ ધી ટાઉન' બનેલી આ ઘટના રાજયભરમાં અને નેશનલ મીડિયામાં પણ ચમકતા રાષ્ટ્રીય કક્ષાએ પણ ચર્ચાના ચકડોળે ચડી હતી.
સમગ્ર ઘટનાક્રમ અંગે ઘટનામાં સામેલ મહિલા આગેવાનોની અધિકૃત પ્રતિક્રિયા મેળવવા મીડિયા દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતાં. ગઈકાલે સવારની ઘટના અંગે ધારાસભ્ય રીવાબા દ્વારા બપોરે પ્રતિક્રિયા આપવામાં આવી હતી. એ પછી સાંસદના નિવેદનની રાહ જોવાઈ રહી હતી. આખરે સાંસદ પૂનમબેન માડમ દ્વારા ગત્ મોડી સાંજે મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા તથા સંગઠનના અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપવામાં આવી હતી.
સાંસદ દ્વારા મેયરની અધ્યક્ષતામાં યોજાયેલ શહીદો માટેના કાર્યક્રમને બિરદાવી તેઓ આ કાર્યક્રમમાં એક ભાગરૃપ હોવાનું જણાવ્યું હતું. તેમણે મેયર બીનાબેન કોઠારીને તેમના મોટા બહેન ગણાવી તેમના પરિવારના જનસંઘના સમયથી રાજકીય પ્રદાનને યાદ કરી મહિલા તરીકે પારિવારિક જવાબદારીઓ સાથે રાજકીય કારકીર્દિ બનાવવાના પડકારને ઝીલી મેયરના સન્માનની વાત કરી હતી.
સાંસદે મેયર બીનાબેન કોઠારીને પોતાના મોટા બહેન અને ધારાસભ્ય રીવાબા જાડેજાને પોતાના નાના બહેન સમાન ગણાવ્યા હતાં અને ભાજપ પારિવારિક માહોલ ધરાવતો પક્ષ હોવાનું જણાવી પરિવારમાં ક્યારેક વાસણ ખખડે એવું નિવેદન આપ્યું હતું.
રીવાબા સાથે થયેલ વિવાદ અંગે સાંસદે કહ્યું હતું કે, 'એ માત્ર પળવારમાં થયેલ ગેરસમજણની ત્વરીત પ્રતિક્રિયાનું પરિણામ છે' એથી વિશેષ કાંઈ નથી, આપણ બધા ક્યાંકને ક્યાંક કોઈ વખત ઓવર રીએક્ટ કરી જતા હોઈએ છીએ' ગઈકાલની ઘટનામાં પણ રીવાબા સાથે એવગું જ બન્યું છે એવું કહી શકાય, રીવાબાના મેયર સાથે ઘર્ષણ વખતે હું રીવાબાને એક મોટા બહેનના અધિકારથી રોકવાનો પ્રયાસ કરતી હતી.
અંતમાં સાંસદે કહ્યું હતું કે, આ ખૂબ જ નાની ઘટના છે, પરંતુ મીડિયા સમક્ષ ઘટવાથી મોટી બની ગઈ' તેમણે ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી હોવાનો દાવો કરી આનાથી મોટી પણ કોઈ ઘટના બની જાય તો પણ બધા પરિવારની જેમ સાથે જ રહે એવું નિવેદન આપી પોતાની વાત પૂર્ણ કરી હતી.
મારે આત્મ સન્માન માટે આક્રોશપૂર્ણ પ્રતિક્રિયા આપવી પડીઃ ધારાસભ્ય રીવાબા
જામનગર તા. ૧૮ઃ જામનગરમાં ગઈકાલે જામ્યુકો દ્વારા તળાવની પાળે શહીદ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમ્યાન જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી તથા સાંસદ પૂનમબેન માડમ વચ્ચે મીડિયાની હાજરીમાં જ શાબ્દિક ઘર્ષણ થતાં સમગ્ર ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાયા હતાં અને રાજકીય જગતમાં પણ ખળભળાટ મચી ગયો હતો, તે પછી ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા મીડિયા, સમક્ષ સમગ્ર ઘટનાક્રમ અંગે પ્રતિક્રિયા આપી પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
રીવાબાના જણાવ્યા અનુસાર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરતી વખતે તેમણે ચંપલ ઉતારી પુષ્પાંજલિ અર્પણ કરી શહીદો પ્રત્યે વિશેષ આદર પ્રગટ કરતા સાંસદ દ્વારા એવી ટીપ્પણી કરવામાં આવી હતી કે, આ પ્રકારના કાર્યક્રમમાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ ચંપલ પહેરીને જ શ્રદ્ધાંજલિ પાઠવે છે પરંતુ અમુક લોકો ઓવર સ્માર્ટ બને છે.
રીવાબાના દાવા અનુસાર સાંસદ દ્વારા ઉપરોકત ટીપ્પણી કરવામાં આવતા તેઓને એ કોમેન્ટ માફક ન આવતા અને અપમાનજક લાગતા તેમણે સ્વાભિમાન માટે સરાજાહેર આક્રોશ વ્યકત કર્યો હતો.
મેયરને 'ઔકાત મા રહેજો' જેવા શબ્દો કહેવા અંગે રીવાબાએ જણાવ્યું હતું કે, સમગ્ર વાત મારા અને સાંસદ વચ્ચે હતી દરમ્યાન મેયર સાંસદનો પક્ષ લઈ મારી સાથે વાત કરવા લાગતા મને અપમાનજનક લાગતા મેં એમને એવો પ્રત્યુતર પાઠવ્યો હતો.
પાર્ટી હાઈકમાન તરફથી કોઈ ઠપકો મળશે કે શું એવા સવાલના જવાબમાં રીવાબાએ જણાવ્યું હતું કે, મેં વડાપ્રધાનના આહવાન અનુસાર શહીદોને વિશેષ આદર અર્પણ કર્યો છે, તો એમાં પાર્ટી ઠપકો આપે કે શાબાશી આપે...?' મેં પક્ષ વિરોધી કાર્ય કર્યુ નથી કે કોઈનું અપમાન કર્યુ નથી એમ કહી રીવાબાઅ પોતાની પ્રતિક્રિયા પૂર્ણ કરી હતી.
વિવાદ પક્ષનો આંતરીક મામલોઃ મેયર
જામનગર તા. ૧૮ઃ જામનગરમાં ગઈકાલે મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને 'મેરી માટી મેરા દેશ' કાર્યક્રમ અંતર્ગત તળાવની તાળે શહીદ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ સમાચારોમાં તેના મૂળ ઉદેશ્ય શહીદોના સન્માનથી વધારે તેમાં થયેલા વિવાદને કારણે વધુ ચમક્યો એમ કહી શકાય. મહિલા ધારાસભ્ય રીવાબા જાડેજાના મહિલા મેયર બીનાબેન કોઠારી તથા મહિલા સાંસદ પૂનમબેન માડમ સાથે થયેલ તૂં-તૂં, મૈં-મૈંથી આ ઘટના નેશનલ મીડિયા સુધી ચમકી હતી.
વિવાદ પછી મેયરે આ વિવાદને પક્ષનો પારિવારિક મામલો ગણાવી નિવેદન આપવાનું ટાળ્યું હતું. ધારાસભ્ય રીવાબા તથા સાંસદ પૂનમબેન માડમે પોતપોતાની પ્રતિક્રિયાઓ મીડિયાને આપી હતી પરંતુ મેયર દ્વારા કોઈ કઠોર ટીપ્પણી કે પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને સંયમિત રીતે આ મામલો આંતરિક હોવાનું જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial